Vadodara News/ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ: 22ના મોત બાદ પણ નરસિંહપુરાનો યુવક હજી લાપતા, પરિવાર ડેથ સર્ટિફિકેટની રાહમાં

વડોદરાના ગંભીરા બ્રિજ (Gambhira Bridge Collapse) તૂટી પડ્યાની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું. 22 લોકોના મોત બાદ પણ નરસિંહપુરાના વિક્રમ પઢિયારનો હજુ સુધી પત્તો મળ્યો નથી, જ્યારે નવા બ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થયું હોવાનું તંત્રનો દાવો છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Gambhira Bridge Collapse: એક વર્ષ બાદ પણ પરિવારને નથી મળ્યો વિક્રમનો મૃતદેહ

Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર પાસે મહીસાગર (મહી) નદી પર આવેલા ગંભીરા બ્રિજ (Gambhira Bridge Collapse) તૂટી પડ્યાની દુર્ઘટનાને ગુરુવારે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારી આ ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, એક વર્ષ વીતી જવા છતાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના યુવાન વિક્રમ પઢિયારનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. પરિવાર આજે પણ તેમના મૃતદેહની રાહ જોતા જોતા હવે ડેથ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ થાય તેની આશા રાખી રહ્યો છે.

Gambhira Bridge Collapse:નોકરીએ જતાં સમયે બન્યો કાળનો કોળિયો

દુર્ઘટનાના દિવસે વિક્રમ પઢિયાર પોતાના પિતરાઈ ભાઈ રાજેશ ઈશ્વરભાઈ ચાવડા સાથે બાઈક પર ખાનગી કંપનીમાં નોકરી માટે નીકળ્યા હતા. બંનેએ આગલી રાત્રે મિત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો. મોડું થતાં રાજેશ વિક્રમના ઘરે જ રોકાયો હતો અને બીજા દિવસે વહેલી સવારે બંને નોકરી માટે નીકળ્યા હતા. પરંતુ ગંભીરા બ્રિજ (Gambhira Bridge Collapse)નો એક ભાગ તૂટી પડતાં તેમની બાઈક સહિત અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા.

Gambhira Bridge Collapse: 22 લોકોના મૃતદેહ મળ્યા, પરંતુ વિક્રમ આજે પણ ગુમ

આ દુર્ઘટનામાં કુલ 22 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, વિક્રમ પઢિયારનો મૃતદેહ હજુ સુધી મળી શક્યો નથી. તેમના પિતાએ જણાવ્યું કે આ દિવસ પરિવાર માટે ક્યારેય ભૂલી શકાય એવો નથી. વિક્રમ પરિવારનો સૌથી નાનો પુત્ર હતો અને તેની પાછળ માત્ર નવ મહિનાની પુત્રી છે. એક વર્ષ બાદ પણ પરિવારને અંતિમ વિદાય આપવાનો મોકો મળ્યો નથી.

Gambhira Bridge Collapse:ખખડધજ બ્રિજ છતાં સમયસર પગલાં ન લેવાયા

ગંભીરા બ્રિજની હાલત લાંબા સમયથી જર્જરિત હોવાનું સ્થાનિકો વારંવાર રજૂઆત કરતા હતા. તેમ છતાં ભારે વાહનોની અવરજવર પર સમયસર પ્રતિબંધ મૂકાયો નહોતો. પરિણામે એક જ ક્ષણમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા અને રાજ્યની સૌથી મોટી માર્ગ દુર્ઘટનાઓમાંની એક સર્જાઈ.

નવા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં

દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નવા બ્રિજના નિર્માણને પ્રાથમિકતા આપી હતી. અંદાજે ₹212 કરોડના ખર્ચે મહી નદી પર નવો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. મંગલમ બિલ્ડકોન દ્વારા ચાલી રહેલા આ પ્રોજેક્ટનું આશરે 90 ટકા કામ પૂર્ણ થયું હોવાનું તંત્રનો દાવો છે. સત્તાવાર વર્ક ઓર્ડર મુજબ 13 ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ કરવાનું છે, જોકે તે પહેલાં વાહન વ્યવહાર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એક વર્ષ પછી પણ તાજી છે પીડા

ગંભીરા બ્રિજ (Gambhira Bridge Collapse) દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં અનેક પરિવારો માટે આ ઘા હજુ રૂઝાયા નથી. ખાસ કરીને વિક્રમ પઢિયારના પરિવાર માટે આ ઘટના આજે પણ અધૂરી કહાની સમાન છે. મૃતદેહ ન મળતાં પરિવાર કાનૂની પ્રક્રિયા અને ડેથ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યો છે, જ્યારે રાજ્ય નવા બ્રિજ સાથે સુરક્ષિત પરિવહનની આશા રાખી રહ્યું છે.


આ પણ વાંચો:બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો

આ પણ વાંચો:આણંદ-વડોદરા વચ્ચે ફરી જોડાયો સંપર્ક: 20ના મોત બાદ ગંભીરા બ્રિજ તૈયાર

આ પણ વાંચો:આણંદનો ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે