Gandhinagar News : ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ મુખ્ય જિલ્લાઓમાં નવા કલેક્ટર(Collectors)ની નિમણૂક સાથે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
જામનગરમાં પી.બી. પંડ્યા કલેક્ટર
અમરેલી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત પી.બી. પંડ્યા (IAS)ને જામનગર જિલ્લાના નવા કલેક્ટર(Collectors) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કે.બી. ઠાકરના નિવૃત્તિ બાદ આ પદ સંભાળશે. કે.બી. ઠાકર 31 માર્ચ, 2026ના રોજ નિવૃત્ત થવાના છે.
સુરેન્દ્રનગરમાં જી.એચ. સોલંકીની નિમણૂક
નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર(Collectors) તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલ વધારાની જવાબદારી સંભાળતા કે.એસ. યાજ્ઞિકને બદલી કરશે.
ગાંધીનગરમાં રવિન્દ્ર ખાતલે કલેક્ટર
મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર ધ્યાનેશ્વર ખાતલેને ગાંધીનગર જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જે.એન. વાગેલાની વધારાની જવાબદારી સંભાળશે.
વહીવટમાં નવી દિશા
આ નિમણૂકો અને બદલીઓથી રાજ્યના વહીવટી તંત્રમાં નવી ગતિ અને દિશા આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરકારક પ્રશાસન માટે સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
પી.આર. પટેલિયાની કરાર આધારે ફરી નિમણૂક
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 25 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયા 31 માર્ચે નિવૃત્ત થવા છતાં તેમની સેવા ચાલુ રાખવામાં આવી છે.
તેમને 1 એપ્રિલ, 2026થી એક વર્ષ માટે અથવા આગળના આદેશ સુધી કરાર આધારે સચિવ તરીકે ફરી નિમણૂક આપવામાં આવી છે. સાતમા પગાર પંચ મુજબ “લાસ્ટ પે માઈનસ પેન્શન”ના આધારે તેમને વેતન ચૂકવાશે. કરારની અન્ય શરતો બાદમાં જાહેર કરવામાં આવશે.
27 આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની બદલી
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 27 આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલી મુખ્યત્વે અધિકારીઓની સ્વવિનંતીના આધારે વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી છે.
બદલાયેલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આયુર્વેદિક આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
