Dharm & Bhakti: આમ તો બજારમાં અનેકવિધ મીઠાઈઓ ઉપલબ્ધ હોય જ છે પરંતુ પોતાના હાથે બનાવેલા પ્રસાદનો આનંદ જ કંઇક ઓર હોય છે! અને ભક્તો આવી અવનવી રેસિપી (Recipe)ની શોધ કરતા જ રહેતા હોય છે. ગણેશોત્સવ દરમિયાન, જો તમે પોતાના હાથે બનાવેલો પ્રસાદ ધરાવીને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હો તો પ્રસ્તુત છે આસાન એવી સોજી-પાઇનેપલ હલવાની રેસિપી..
ગણેશ ઉત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2025 (Ganesh Chaturthi 2025)થી લઇને દસ દિવસ સુધી ઉજવાતા આ પાવન તહેવારે બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા દરમિયાન ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના પાવન દિવસો દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને અર્પણ કરી શકો છો. અહિં અમે તમને આવી જ એક સ્વાદિષ્ટ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ અને એ છે નવીન સ્વાદથી સભર એવો સોજી-પાઇનેપલ હલવો (Semolina-Pineapple Halwa)! તો ચાલો જોઇએ, એને શી રીતે બનાવવો?

સોજી-પાઇનેપલ હલવો બનાવવાની સામગ્રી અને વિધિ
સોજીનો હલવો તો સૌના ઘરમાં બનતો જ હોય છો પરંતુ, એમાં પાકેલું પાઇનેપલ (અનાનસ) ભેળવવાથી એનો સ્વાદ ઓર વધી જશે! તો ચાલો હવે જોઇએ કે, સોજી-પાઇનેપલ હલવો બનાવવા માટે કઇ-કઇ સામગ્રીની જરુર પડશે અને એને બનાવવાની વિધિ અંગે જાણીશું.
સામગ્રી
સોજી- 300 ગ્રામ
ખાંડ- 300 ગ્રામ
ઘી- 200 મિલી
પાઇનેપલ- 150 ગ્રામ
કાજુ, પિસ્તા, કિશમિશ- ત્રણેય 50-50 ગ્રામ
4-5 લીલી ઇલાયચીનો ભૂકો

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ખાંડને પાણીમાં ઉમેરીને એની ચાસણી બનાવી લો. એમાં ઇલાયચી પાઉડર ઉમેરો.
2. એક જાડા તળિયા વાળી તાવડીમાં ઘી ગરમ કરો અને એમાં સોજી (Suji) ઉમેરીને એનો રંગ સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો.
3. હવે શેકેલી સોજીમાં ધીમે-ધીમે ચાસણી ઉમેરતા જઇને હલાવીને મિક્સ કરી લો.
4. આ મિશ્રણમાં સમારેલું અનાનસ (Pineapple) ઉમેરો તથા અન્ય ડ્રાયફ્રુટ્સ ઉમેરી લો.
5. સોજીની સાથે આ તમામ સામગ્રી સારી રીતે પાકી જશે. મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહીને પકાવી લો.
6. જ્યારે ચાસણી પૂરી રીતે શોષાઇ જાય અને ઘી છૂટવા લાગે ત્યારે સમજી લેવું કે, તૈયાર છે તમારો સ્વાદથી સભર એવો સોજી-પાઇનેપલ હલવો!
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…
આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!
