Mumbai Breaking News: મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં ગણપતિ મૂર્તિના આગમન દરમિયાન શનિવારે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. ભુલેશ્વરચા રાજાની આશરે 22 ફૂટ ઊંચી ગણપતિ મૂર્તિ અચાનક સંતુલન ગુમાવીને નીચે પડતાં કુલ 7 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બે લોકોનાં મોત થયા છે.
મળતી માહિતી મુજબ, ઘટના 22 ઓગસ્ટની રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, કબુતરખાના, જય અંબે ચોક વિસ્તારમાં બની હતી. ગણપતિની મૂર્તિને ભાયખલાથી ભુલેશ્વર લઈ જવામાં આવી રહી હતી. મંડપથી આશરે 50થી 60 મીટર પહેલાં જ મૂર્તિનું સંતુલન બગડતાં તે નીચે પટકાઈ હતી.
અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા, જેમાંથી 2નાં મોત થયા
અકસાનમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોનાં મોત થયા છે. મૃતકોમાં સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30)નો સમાવેશ થાય છે. જ્યારે વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), લાવણ્યા ગણેર (5), દિવ્યા ગણેર (7) અને કુણાલ કાશીદ (26) ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ BMC ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને BMC વોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી સાથે રસ્તા પરની સ્થિતિને નિયંત્રિત કરવા માટે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
મુંબઈમાં 10 હજારથી વધુ ગણેશ મંડળો
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. મુંબઈમાં 10 હજારથી વધુ ગણેશ મંડળો છે, જ્યારે મહારાષ્ટ્રમાં આશરે 28 લાખ ગણેશ મૂર્તિઓની સ્થાપના થવાની ધારણા છે. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મંડપ પરવાનગી માટે ઓનલાઈન સિંગલ-વિન્ડો સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે, જેના મારફતે BMC ઉપરાંત પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસેથી ઓનલાઈન NOC મેળવી શકાય છે. મંડપ પરવાનગી માટે 13 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.
આ પણ વાંચો: મુંબઈ કુર્લામાં ક્રેન રેલવેના OHE વાયર પર ખાબકી, 8 લોકો ઘાયલ
આ પણ વાંચો: મુંબઈમાં કિન્નરના વેશમાં ઘૂસેલા વ્યક્તિ પર એરહોસ્ટેસ સાથે દુષ્કર્મનો આરોપ, CCTVથી આરોપી ઝડપાયો
આ પણ વાંચો: મુંબઈના નેવી નગરમાં નેવી પરિવારનો સામૂહિક આપઘાત, બે માસૂમ બાળકો સહિત 4ના મોત
