Gir Forest News: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન (Illegal Lion Show) કરાવવાના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે કરવામાં આવેલી રેડ દરમિયાન સ્થળ પર હાજર લોકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા, જ્યારે વન વિભાગે એક મોપેડ અને નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કાર કબજે કરી હતી.
વન વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે સ્પેશિયલ ટીમે મંડોર ગામ નજીક દરોડો પાડ્યો હતો. માહિતી મુજબ કેટલાક લોકો પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન (Illegal Lion Show) કરાવી રહ્યા હતા. વન વિભાગની ટીમ પહોંચતા જ સ્થળ પર હાજર લોકો વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા.
Illegal Lion Show:નંબર પ્લેટ વગરની થાર
જપ્ત કરાયેલી મહિન્દ્રા થાર કાર સૌથી વધુ ચર્ચામાં રહી છે. કારણ કે કાર પર કોઈ માન્ય નંબર પ્લેટ ન હોવા છતાં આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ બોર્ડને કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જપ્ત કરાયેલા વાહનમાંથી દારૂની બોટલો મળી આવી હોવાની શક્યતા છે. જોકે આ બાબતે હજુ સુધી વન વિભાગ કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી છે. તેમનું કહેવું છે કે જો સામાન્ય લોકો માટે જંગલના નિયમો કડક હોય તો પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા રાજકીય ઓળખ ધરાવતા લોકો માટે પણ સમાન નિયમો લાગુ થવા જોઈએ.
હાલ વન વિભાગ વાહનોના ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે માલિકીની વિગતો મેળવવા માટે આરટીઓની મદદ લઈ રહ્યું છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે વાહન પર લગાવાયેલું બોર્ડ વાસ્તવિક છે કે માત્ર પ્રભાવ પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
વન વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ગેરકાયદે સિંહ દર્શન (Illegal Lion Show)ના રેકેટ અને તેમાં સંકળાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો:સાસણગીરમાં CM ભુપેન્દ્ર પટેલની ગીર સફારી, સિંહ દર્શન કરી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા
આ પણ વાંચો:પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે
આ પણ વાંચો:અમરેલીમાં દિવાળી તહેવાર પર સિંહ દર્શનને લઈને વન વિભાગ એલર્ટ
