Girnar Oghad Shikhar Controversy: ગિરનાર પર્વત પર વર્ષોથી ચાલી રહેલો શિખરોની માલિકીનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક (ચોથી ટૂંક) પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સનાતન ધર્મના સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Girnar Oghad Shikhar: શું છે સમગ્ર મામલો?
શ્રીનાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આશરે ચાર દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો ગિરનાર પર્વત પરની ઓઘડનાથ ટૂંક પર પહોંચ્યા હતા. આ શખ્સોએ ચોરી-છુપીથી જૈન સંપ્રદાયનો ઝંડો ત્યાં ફરકાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને બે સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.

શેરનાથ બાપુનો સિંહગર્જના જેવો પ્રહાર
આ ઘટના બાદ અગ્રણી સંત યોગી શેરનાથજી બાપુએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, પણ બીજાના ધાર્મિક સ્થાન પર જઈને ઉગ્રતા બતાવવી એ મોટો દોષ છે. જો એટલી જ તાકાત હોય તો પાકિસ્તાનમાં જઈને ધજા ફરકાવો, અહીં સનાતન પરંપરામાં અડચણ ઉભી ન કરો.” સંતોએ આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે.
મહાશિવરાત્રીના મેળા પૂર્વે તંગદિલી
આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો યોજાવાનો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે. આવા સમયે ગિરનારના શિખરો પર થતી આવી વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી જાહેર સુલેહ-શાંતિ ભંગ થવાની દહેશત સેવાઈ રહી છે. સંતોએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કડક કાર્યવાહી નહીં થાય તો આગામી મેળા દરમિયાન અશાંતિ સર્જાઈ શકે છે.

અગાઉ આવેદનપત્ર પાઠવાયું હતું
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ નાથ સંપ્રદાયના સંતોએ જૂનાગઢ DYSP ને આવેદનપત્ર પાઠવીને આક્ષેપ કર્યો હતો કે ઓઘડ શિખર પર ઓઘડનાથજીની પ્રાચીન ચરણ પાદુકા આવેલી છે, જે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે. જૈન સંપ્રદાયના કેટલાક લોકો દ્વારા વર્ષોથી અહીં ખોટા હક-દાવા અને પથ્થરો પર પેઈન્ટિંગ કરીને અતિક્રમણ કરવામાં આવતું હોવાનો સંતોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા કરતા પહેલાં આ બાબતો જાણી લો
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી, ત્યારે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ
આ પણ વાંચો: ભક્તો સામે તંત્ર પડ્યું ઘૂંટણીયે, તંત્રે આપી ગિરનાર લીલી પરિક્રમા માટે મંજૂરી
