Business News/ ગૂગલની ચેતવણી: ક્વોન્ટમ કોમ્પ્યુટર તોડી શકે છે બિટકોઈન-ઇથેરિયમની સુરક્ષા

Googleના લેટેસ્ટ રિસર્ચ મુજબ ક્વોન્ટમ કોમ્પ્યુટર બિટકોઈન અને ઇથેરિયમની સુરક્ષા માટે મોટો ખતરો છે. માત્ર 9 મિનિટમાં પાસવર્ડ હૈક થઈ શકે છે. જાણો શું છે ‘પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી’ અને બચવાના ઉપાયો.

Trending Business
Google Quantum Computer Crypto Warning

Google Quantum Computer Crypto Warning: જો તમે બિટકોઈન કે ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. ગૂગલ (Google) ના એક નવા સંશોધને ક્રિપ્ટો જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટ અનુસાર, ભવિષ્યના અત્યંત શક્તિશાળી ‘ક્વોન્ટમ કોમ્પ્યુટર’ (Quantum Computer) ક્રિપ્ટોકરન્સીની સુરક્ષાને આપણા અનુમાન કરતા ઘણી વહેલી તકે હીક કરી શકે છે.

ખતરો ધારણા કરતા 20 ગણો વધુ નજીક

અત્યાર સુધી નિષ્ણાતો માનતા હતા કે ક્રિપ્ટોની જટિલ સિક્યોરિટી (ક્રિપ્ટોગ્રાફી) તોડવા માટે ખૂબ મોટા ક્વોન્ટમ કોમ્પ્યુટરની જરૂર પડશે, જેને બનતા હજુ વર્ષો લાગશે. પરંતુ ગૂગલ ક્વોન્ટમ AI, ઇથેરિયમ ફાઉન્ડેશન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પહેલાના અંદાજ કરતા 20ગણી ઓછી તાકાત ધરાવતા ક્વોન્ટમ કોમ્પ્યુટર પણ આ સુરક્ષા તોડી શકે છે.

Google Quantum Computer Crypto Warning

Google ની ચેતવણી, માત્ર 9 મિનિટમાં હૈકિંગનું જોખમ

રિસર્ચ પેપર મુજબ, એક એડવાન્સ ક્વોન્ટમ કોમ્પ્યુટર માત્ર ૯ મિનિટની અંદર તમારા બિટકોઈનનો પાસવર્ડ (પ્રાઇવેટ-કી) ચોરી શકે છે. આ માટે હૈકર્સ મુખ્યત્વે ત્રણ રીતે હુમલો કરી શકે છે. ટ્રાન્ઝેક્શન પર હુમલાની વાત કરીએ તો, જ્યારે તમે કોઈને ક્રિપ્ટો મોકલી રહ્યા હોવ અને તે પ્રોસેસિંગમાં હોય, તેવા ૧૦ મિનિટના ગાળામાં જ હૈકર તમારા પૈસા ચોરી શકે છે. બીજી તરફ, જે વોલેટ્સ વર્ષોથી વપરાયા નથી અથવા જેનો ડેટા લીક થયો છે તેવા બંધ પડેલા વોલેટ્સને નિશાન બનાવવામાં આવે છે. આ ઉપરાંત, સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવીને બ્લોકચેન નેટવર્કની મૂળ ડિઝાઇનમાં રહેલી ખામીઓનો ઉપયોગ કરીને આખું નેટવર્ક પણ હૈક થઈ શકે છે.

કેમ ક્વોન્ટમ કોમ્પ્યુટર આટલું જોખમી છે?

ક્રિપ્ટોકરન્સી એક ખાસ ગાણિતિક ફોર્મ્યુલા પર કામ કરે છે જે તમારા પાસવર્ડને સુરક્ષિત રાખે છે. પરંતુ ક્વોન્ટમ કોમ્પ્યુટર એટલા સ્માર્ટ હોય છે કે તે આ જટિલ ફોર્મ્યુલાને સરળતાથી ઉકેલી શકે છે. જો હૈકર્સ તમારી ‘પબ્લિક-કી’ દ્વારા ‘પ્રાઇવેટ-કી’ (પાસવર્ડ) જાણી લે, તો તમારો બધો જ પૈસો ગાયબ થઈ શકે છે. બ્લોકચેનમાં એકવાર પૈસા ગયા પછી તેને પાછા મેળવવા અશક્ય હોય છે.

બચવાનો રસ્તો શું છે?

સંશોધકોએ આ જોખમ સામે બે મુખ્ય ઉપાયો સૂચવ્યા છે. લાંબા ગાળાના ઉપાય તરીકે, આખી ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીએ ‘પોસ્ટ-ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી’ નામની નવી ટેકનોલોજી અપનાવવી પડશે, જેને ક્વોન્ટમ કોમ્પ્યુટર પણ હૈક ન કરી શકે. બીજી તરફ, ટૂંકા ગાળાના ઉપાય માટે યુઝર્સે પોતાની પબ્લિક કી બને તેટલી ઓછી શેર કરવી જોઈએ અને એક જ સિક્યોરિટી કીનો વારંવાર ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

દિગ્ગજોનો અભિપ્રાય: મસ્કે કરી મજાક

આ ચેતવણી છતાં ક્રિપ્ટો જગતના માંધાતાઓ ગભરાયા નથી. બાઈનાન્સના પૂર્વ CEO ચાંગપેંગ ઝાઓએ કહ્યું કે આપણે બસ સિસ્ટમને અપગ્રેડ કરવાની જરૂર છે. બીજી તરફ, એલોન મસ્કે મજાકિયા અંદાજમાં કહ્યું કે, “આનો એક ફાયદો એ પણ છે કે જે લોકો પોતાના વોલેટનો પાસવર્ડ ભૂલી ગયા છે, ભવિષ્યમાં ક્વોન્ટમ કોમ્પ્યુટરની મદદથી તેઓ સરળતાથી પોતાનું વોલેટ ખોલી શકશે!”


આ પણ વાંચો: બિટકોઈન 2025ના ટોચથી 40 ટકા તૂટી 76 હજાર ડોલર

આ પણ વાંચો: ક્રિપ્ટો માર્કેટમાં ભૂકંપ! બિટકોઈન $65,000 નીચે જતાં રોકાણકારોમાં ફફડાટ

આ પણ વાંચો: બિટકોઈન 35% ઘટતા ક્રિપ્ટો રોકાણકારો મુશ્કેલીમાં! 24 કલાકમાં 27 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ