Government Emergency Alert System: જો તમારો મોબાઈલ ફોન પણ અચાનક કોઈ જોરદાર સાયરન કે વિચિત્ર રિંગટોન સાથે ધ્રૂજી ઉઠ્યો હોય અને સ્ક્રીન પર એક મોટો ફ્લેશ મેસેજ દેખાયો હોય, તો ગભરાવાની જરૂર નથી. રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના રાષ્ટ્રીય સ્તરના સફળ પરીક્ષણ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડું, ભીષણ આંધી અને ભારે વરસાદ જેવી કુદરતી આફતોની આગોતરી જાણકારી આપવા માટે સીધા મોબાઈલ સ્ક્રીન પર એલર્ટ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ અનેક લોકોના મોબાઈલ ફોનમાં “Extremely Severe Alert” ના નામે એક વિશેષ ચેતવણી સંદેશ આવ્યો હતો, જેનાથી શરૂઆતમાં લોકો થોડા ચોંકી ઉઠ્યા હતા.
Emergency Alert: આ છે અત્યાધુનિક ફ્લેશ નોટિફિકેશન
આ ચેતવણી સંદેશ કોઈ સામાન્ય એસએમએસની જેમ ઇનબોક્સમાં નથી આવતો, પરંતુ તે સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી (Cell Broadcast Technology) પર આધારિત એક સ્પેશિયલ ઇમરજન્સી નોટિફિકેશન છે. આ એલર્ટ દરમિયાન તમારો ફોન સાયલન્ટ મોડ પર હશે તો પણ તે એક અલગ અને તીવ્ર એલર્ટ સાઉન્ડ સાથે વાગવા લાગશે અને જ્યાં સુધી તમે ‘OK’ નહિ દબાવો ત્યાં સુધી સ્ક્રીન પરથી મેસેજ હટતો નથી. સરકાર દ્વારા મોકલાયેલા આ તાજા મેસેજમાં આગામી ૩ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે આંધી-વાવાઝોડું, કરા પડવાની અને વીજળી પડવાની કડક શક્યતાઓ દર્શાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
60થી 90 કિમીની ઝડપે ફૂંકાતા તોફાનોની લાઈવ અપડેટ મળશે
હવામાન વિભાગ (IMD) હવે આ અત્યાધુનિક સિસ્ટમનો ઉપયોગ કરીને સીધા અસરગ્રસ્ત વિસ્તારો અથવા ચોક્કસ લોકેશનના લોકો સુધી ત્વરિત ચેતવણી પહોંચાડી રહ્યું છે. જો કોઈ વિસ્તારમાં 60થી 80 કિલોમીટર પ્રતિ કલાક કે કેટલીક જગ્યાએ ૯૦ કિલોમીટર સુધીની તોફાની ઝડપે પવન ફૂંકાવાનો હશે, પૂર આવવાનું હશે કે વાવાઝોડું ત્રાટકવાનું હશે, તો સ્થાનિક લોકો સુધી સેટેલાઈટ અને મોબાઈલ ટાવરના માધ્યમથી આ એલર્ટ સેકન્ડોમાં પહોંચી જશે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ લોકોને આપત્તિ પહેલાં જ સાવચેત કરીને સુરક્ષિત સ્થળે ખસી જવાનો પૂરતો સમય આપવાનો છે, જેથી જનજીવન અને માલસામાનનું નુકસાન અટકાવી શકાય.
આપદા વ્યવસ્થાપન ક્ષેત્રમાં ભારતની મોટી ક્રાંતિ
ટેકનોલોજીના યુગમાં આ સિસ્ટમને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ક્ષેત્રે ભારતનો એક ઐતિહાસિક સુધારો માનવામાં આવી રહ્યો છે. અગાઉ આવી કટોકટીની ચેતવણીઓ ટીવી, રેડિયો અથવા અખબારો સુધી સીમિત રહેતી હતી, જેના લીધે અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી માહિતી મોડી પહોંચતી હતી. પરંતુ હવે પૂર, ભૂકંપ, વાવાઝોડું કે આકાશી વીજળીની માહિતી સીધી લોકોના ખિસ્સામાં રહેલા મોબાઈલ સુધી સેકન્ડોમાં ડીલીવર થઈ જશે.
એટલું જ નહીં, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ ટેકનોલોજી ભવિષ્યમાં માત્ર હવામાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદી ખતરા કે યુદ્ધ જેવી કટોકટીની ગંભીર પરિસ્થિતિઓમાં પણ દેશના નાગરિકોને એકસાથે સેકન્ડોમાં એલર્ટ કરવા માટેનો સૌથી ઝડપી અને અચૂક માર્ગ સાબિત થશે.
આ પણ વાંચો: મોબાઈલ પર અચાનક કેમ વાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ઈમરજન્સી એલર્ટનું ટેસ્ટિંગ
