Gandhinagar News/ ગુજરાતમાં સરકારી જમીન પરના દબાણ સામે સરકારનું કડક વલણ, વારંવાર દબાણ કરનાર સામે FIRના આદેશ

Government Land Encroachment: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં તમામ જિલ્લા કલેક્ટરોને સરકારી જમીન પર વારંવાર દબાણ કરનાર સામે FIR કરવા અને ફરજ ન બજાવતા સરપંચો સામે નિયમ મુજબ પગલાં લેવા સૂચના આપી.

Top Stories Gandhinagar Gujarat
Government Land Encroachment: CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને તાકીદ

Gandhinagar News: ગુજરાતમાં સરકારી જમીનો પર થતાં દબાણો (Government Land Encroachment) અટકાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને કડક સૂચનાઓ આપી છે. સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારા સામે FIR દાખલ (FIR Against Encroachers) કરવા અને પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવતા સરપંચો સામે નિયમ મુજબ પગલાં લેવા તેમણે તાકીદ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને નિયમ મુજબ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવા, ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા અને રસ્તા સહિતના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવવા પણ સૂચના આપવામાં આવી છે.

Government Land Encroachment: રાજ્ય સ્વાગતમાં 4,953થી વધુ રજૂઆતો પર કાર્યવાહી

નાગરિકોની ફરિયાદોનો ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવા માટે ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 170થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની ફરિયાદો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત રાજ્યભરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં (State SWAGAT Programme) 2,200 અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં 2,583 રજૂઆતોના સંદર્ભમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, કુલ 4,953થી વધુ રજૂઆતોને લગતી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ કાર્યક્રમમાં સરકારી જમીન પર દબાણ, ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવું, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની સમસ્યા, રસ્તા અને જમીનના રી-સર્વે સહિતના મુદ્દાઓ રજૂ થયા હતા.

સરકારી જમીન પર વારંવાર દબાણ કરનાર સામે FIR

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સુગારીયા મોડસર ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણ અંગેની ફરિયાદની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ આ મુદ્દે ગંભીર વલણ અપનાવ્યું હતું. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના તમામ કલેક્ટરોને સરકારી જમીનોનું રક્ષણ કરવા અને તેની જાળવણીમાં બેદરકારી ન રાખવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સરકારી જમીન પર વારંવાર દબાણ કરતા લોકો સામે FIR દાખલ કરવા સૂચના આપી હતી. સરકારી મિલકતોનું રક્ષણ થાય અને દબાણની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રને જવાબદારીપૂર્વક કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.

ફરજ ન બજાવતા સરપંચો સામે પગલાં લેવા સૂચના

મુખ્યમંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વેરાના રેશનલાઇઝેશન અને ગ્રામીણ ઉદ્યોગોને યોગ્ય વ્યવસ્થા મળે તે દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું. સાથે જ પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવતા સરપંચો સામે નિયમો અનુસાર પગલાં લેવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓનો હેતુ ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીમાં જવાબદારી સુનિશ્ચિત કરવાનો અને નાગરિકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવાનો છે.

કચ્છના ખેડૂતને ખાતેદાર પ્રમાણપત્ર આપવા આદેશ

કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના એક ખેડૂતે ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા અંગે રજૂઆત કરી હતી. આ મામલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રમાણપત્ર આપવા સૂચના આપી હતી. આ સાથે જ આવા કિસ્સાઓમાં ખેડૂતોને બિનજરૂરી મુશ્કેલી ન પડે અને નિયમોનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે તમામ જિલ્લા કલેક્ટરોને (Gujarat Collectors) ધ્યાન આપવા જણાવાયું હતું.

સુરતના ઓરમા ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા સૂચના

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓરમા ગામમાં પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડને યોગ્ય આયોજન કરીને ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો સમયસર ઉકેલ આવે અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.

બોટાદના મોટા ઝિંઝાવદર ગામના રસ્તાનો પ્રશ્ન ઉકેલવા આદેશ

બોટાદ જિલ્લાના મોટા ઝિંઝાવદર ગામમાં રસ્તો બનાવવાની માગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરીને રસ્તા સંબંધિત પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ખેતરોમાં પાણી ભરાવું અને તળાવ ઓવરફ્લો થવાથી ખેતીને નુકસાન થવા જેવી સમસ્યાઓ પણ રાજ્ય સ્વાગતમાં રજૂ થઈ હતી.

મુખ્યમંત્રીએ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સિંચાઈ વિભાગને ટેક્નિકલ ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જમીનના રી-સર્વે અને રસ્તા સંબંધિત ફરિયાદોનો પણ હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.

અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો અને અધિકારીઓ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનનું રક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ તથા ગ્રામ્ય વહીવટમાં જવાબદારી જેવા મુદ્દાઓ પર સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.


આ પણ વાંચો: સાયચા ગેંગ સામે તંત્રનો મેગા એક્શન: જામનગરના બેડેશ્વરમાં 16 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

આ પણ વાંચો: અરવલ્લીમાં જમીન કૌભાંડના આક્ષેપ: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવાઈ હોવાનો દાવો

આ પણ વાંચો: ખેડૂતોના પ્રશ્ને મોરબીમાં કોંગ્રેસની હાકલ: યોગ્ય વળતરથી લઈને દુષ્કાળ જાહેર કરવાની માગ