Jamnagar News: બેડેશ્વર વિસ્તારમાં ગુજસીટોક કેસના આરોપીઓ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી સાયચા ગેંગ (saicha gang)ના ગેરકાયદેસર બાંધકામો પર આજે મેગા ડિમોલિશન ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં અંદાજે 16 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં સફળતા મળી છે.
સવારે જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર જેટલી જેસીબી મશીનો સાથે શરૂ કરાયેલા આ ઓપરેશન દરમિયાન બેડી અને બેડેશ્વર વિસ્તારમાં ઉભા કરાયેલા અનેક ગેરકાયદે કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
saicha gang:16 કરોડની જમીન દબાણમુક્ત
માહિતી અનુસાર, ગત 21 મેના રોજ જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકે સાયચા ગેંગ (saicha gang)ના મુખ્ય સૂત્રધારો સહિત 11 વ્યક્તિઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપ છે કે ગેંગના સભ્યો દ્વારા સરકારી અને જાહેર ઉપયોગની જમીનો પર ગેરકાયદેસર કબ્જા કરીને ત્યાં પાકા બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા અને વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી.
આજની કાર્યવાહીમાં બેડીના પાણખાણ વિસ્તાર નજીક આવેલા અંદાજે 8 જેટલા મોટા ગેરકાયદે દબાણોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન દરમિયાન કુલ 12,950 ચોરસ મીટર સરકારી જમીન ફરી સરકારના કબજામાં લેવામાં આવી છે. જંત્રી મૂલ્ય મુજબ આ જમીનની કિંમત આશરે 1.17 કરોડ રૂપિયા થાય છે, જ્યારે બજાર કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા હોવાનું તંત્રએ જણાવ્યું છે.
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દબાણો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને સરકારી જમીનો પર કબ્જો જમાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાયચા ગેંગ (saicha gang) વિરુદ્ધ હાથ ધરાયેલું આ ઓપરેશન જામનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામેની સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:જયપુરમાં ઉપદ્રવિયોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
