Gujarat News: ગુજરાતમાં રખડતાં શ્વાન અને હાઈવે પર રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતોના મુદ્દે હાઈકોર્ટે ચિંતા (Gujarat High Court) વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અનુસંધાને રખડતાં શ્વાન અંગે ચાલી રહેલી સુઓમોટો કાર્યવાહીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ને સવાલ કર્યો હતો કે હાઈવે પર ઢોરના કારણે થતા અકસ્માતો અટકાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે? ડિવાઇડર ઊંચા કરવાની દલીલ સામે કોર્ટે ટકોર કરી હતી કે ડિવાઇડર ઊંચા કરશો તો પણ કૂતરાં કૂદીને આવી જશે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને સમસ્યાના નક્કર ઉકેલ અંગે ગંભીરતાથી વિચારવા જણાવ્યું હતું.
Gujarat High Court: હાઈવે પર ઢોરના કારણે થતા અકસ્માતો ચિંતાનો વિષય
આ કેસની સુનાવણી એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ કરિઅલની ખંડપીઠ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કરિઅલે હાઈવે પર રખડતાં ઢોરને (Stray Cattle Accidents) કારણે થતા અકસ્માતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોર્ટે તાજેતરમાં એક લક્ઝરી કારના અકસ્માતમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાની ઘટનાનો ઉલ્લેખ કરીને હાઈવે પર રખડતાં ઢોરના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે NHAI આવા અકસ્માતો અટકાવવા માટે શું કાર્યવાહી કરી રહી છે.
કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાતના હાઈવે સારી સ્થિતિમાં હોવાથી વાહનો સામાન્ય રીતે 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતાં હોય છે. આવી સ્થિતિમાં અચાનક કોઈ જાનવર રસ્તા પર આવી જાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે અને મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
‘ડિવાઇડર ઊંચા કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે’
સુનાવણી દરમિયાન NHAI તરફથી જવાબ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે પણ કેટલીક દલીલો કરી હતી. હાઈવેના ડિવાઇડર ઊંચા કરવાની શક્યતા અંગે અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો.
આ દલીલના સંદર્ભમાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે ડિવાઇડર ઊંચા કરવાથી પણ કૂતરાં કૂદીને રસ્તા પર આવી શકે છે. તેથી માત્ર ડિવાઇડરની ઊંચાઈ વધારવાને બદલે રખડતાં પ્રાણીઓ હાઈવે પર પ્રવેશી ન શકે અને અકસ્માતો અટકાવી શકાય તેવા અસરકારક ઉપાયો શોધવા જરૂરી છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાના રેકર્ડમાં ખૂટતી વિગતો પૂરી કરો
રખડતાં શ્વાન અંગેની સુઓમોટો કાર્યવાહીમાં રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરેલી કાર્યવાહી તથા તાજેતરના આંકડા રજૂ કરવાના છે.
સુનાવણી દરમિયાન વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સંબંધિત સત્તાવાળાઓ પરસ્પર સંકલન કરીને માહિતી એકત્રિત કરી રહ્યા છે, પરંતુ રેકર્ડમાં કેટલીક વિગતો હજુ ખૂટતી હોય તેમ લાગે છે. આ વિગતો પણ રજૂ કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્યનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકાય. બીજી તરફ, સરકાર તરફથી જણાવાયું હતું કે સત્તાવાળાઓએ કોઈ કચાશ રાખી નથી અને તમામ ડેટા કોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યા છે. તેમ છતાં, નવેસરથી અને તાજા આંકડા રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
કોર્ટ મિત્ર સાથે સંકલન કરીને સંપૂર્ણ માહિતી રજૂ કરવા સૂચના
બંને પક્ષોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કોર્ટ મિત્ર સાથે સંકલન કરીને રેકર્ડમાં ખૂટતી તમામ વિગતો પૂરી પાડવા ટકોર કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારનો સંપૂર્ણ અને યોગ્ય પક્ષ રજૂ કરી શકાય.
રખડતાં શ્વાનના (Stray Dogs on Highways) મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન, સંબંધિત સત્તાવાળાઓની કામગીરી અને હાઈવે પર રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતો અટકાવવાના ઉપાયો આ મામલે મહત્ત્વના મુદ્દા રહ્યા હતા. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: રખડતાં શ્વાનનો આતંક: સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘સહાનુભૂતિ સારી વાત છે, પણ જનતાની સુરક્ષા સર્વોપરી’
આ પણ વાંચો: રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત
આ પણ વાંચો: શહેરની જી.જી. હોસ્પિટલમાં ફરી એકવાર રખડતાં શ્વાનોનો વીડિયો વાયરલ
