મંતવ્ય વિશેષ/ શિક્ષકોની ઘટ અંગે સરકારની બાંહેધરી

હાલમાં એક તરફ શિક્ષણ મેળવી બી.એડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેરોજગાર છે તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી રહેતા વિપક્ષ સવાલો કરી રહ્યું છે. જોઈએ અહેવાલ

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail શિક્ષકોની ઘટ અંગે સરકારની બાંહેધરી
  • 2023-24માં શિક્ષણ માટે 43,651 કરોડનું બજેટ
  • આરટીઇ હેઠળ શિક્ષકો માટે કેવા છે નિયમ?
  • કચ્છ-મહીસાગરમાં એક જ શિક્ષક ધરાવતી 100 કરતાં વધુ સ્કૂલ
  • શિક્ષકોને દૂર નહિ કરવા પાછળ સરકારનું કારણ

શિક્ષણ મોડલ એ ગત સમયની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મહત્વનો મુદ્દો હતો, જેમાં શિક્ષણના મુદ્દે રાજકીય યુદ્ધ થયું હતું.  જોકે ફરી લાંબા સમય બાદ આ મુદ્દો સામે આવ્યો છે. વિધાનસભા સત્રના બીજા દિવસે  ગૃહમાં શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો ઉછળ્યો હતો. હાલમાં એક તરફ શિક્ષણ મેળવી બી.એડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેરોજગાર છે તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી રહેતા વિપક્ષ સવાલો કરી રહ્યું છે. જોઈએ અહેવાલ

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે અતારાંકિત પ્રશ્નોત્તરી વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ, સરકારી શાળા અને એની સાપેક્ષમાં ખાનગી શાળાને મંજૂરી, શિક્ષકોની સંખ્યા, જર્જરિત ઓરડા અને પતરાંના છતવાળી શાળા અંગે પ્રશ્ન કર્યા હતા, જેનો સરકારે લેખિતમાં જવાબ આપતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શિક્ષણની કથળતી સ્થિતિ વચ્ચે સરકારે સ્વીકાર્યુ છે કે રાજ્યમાં 926 શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ ઉપરાંત અનેક એવી માહિતી છે, જે વાંચીને એમ થશે કે ખરેખર ગુજરાતમાં શિક્ષણની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે.

વર્ષ બજેટ (કરોડમાં)
2020-21 31955
2021-22 32719
2022-23 34884
કુલ 99558

રાજ્યમાં શિક્ષણ વિભાગ પાછળ રાજ્ય સરકારે વર્ષ 2023-24 માટે રૂપિયા 43651 કરોડનું બજેટ ફાળવ્યું છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે હવે શાળામાં કાયમી શિક્ષકોના સ્થાને જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કર્યું છે, પરંતુ વિધાનસભા સત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગની કથળતી સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની માહિતી વિધાનસભા સત્રમાં સામે આવી છે. ગુજરાત તમામ ક્ષેત્રે અવ્વલ છે છતાં ગુજરાતની 926 સ્કૂલ છે, જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકારી શાળામાં અલગ અલગ રેશિયો પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. 60 બાળક ધરાવતી શાળામાં બે શિક્ષકની ફાળવણી થવી જોઇએ. 60થી 90 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 3 શિક્ષક હોવા જોઇએ. 120થી 200 વિદ્યાર્થી ધરાવતી શાળામાં 4 શિક્ષક હોવા જોઇએ. સૌથી વધુ શિક્ષકોની ઘટ ધોરણ 1થી 5 જોવા મળી છે. જ્યારે ધોરણ 6થી 8માં અગ્રેજી અને ગણિત વિષયના 4થી 5 હજાર શિક્ષકોની ઘટ રાજ્યમાં જોવા મળે છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ અને મહીસાગર જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત તાપી, નર્મદા અને બનાસકાંઠામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50 કરતાં વધારે છે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત કરવામાં આવે છે. જ્યારે શાળામાં અપૂરતા શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકતું નથી.

રાજ્ય સરકાર દ્વારા એક જ શિક્ષક ધરાવતી શાળાઓમાં કેમ શિક્ષકોની ઘટ છે એ બાબતે જણાવાયું હતું. શાળામાં વય નિવૃતિના કારણે શિક્ષકોની ઘટ છે. ઘટ ધરાવતી શાળાઓમાં શિક્ષકોની અન્ય શાળામાં બદલી થવાથી ઘટ ઊભી થઇ છે. કેટલીક શાળાઓમાં શિક્ષકોના અવસાન થવાથી અને સીઆરસી અને બીઆરસી પ્રતિનિયુક્તિ મુદ્દે લઇને ઘટ ઊભી થઇ છે. આ ઉપરાંત સ્વૈચ્છિક વય નિવૃત્તિને લઈને શિક્ષકોની ઘટ ઊભી થઇ છે. શિક્ષકોની ભરતી કરવા બાબત અને ઘટ ધરાવતી શાળામાં શિક્ષકોની નિમણૂક અંગે સરકારે ઝડપી શિક્ષકોની ભરતી કરવાની બાંયધરી આપી છે.

ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે તારીખ 31-3-2023ની સ્થિતિએ રાજ્યમાં આરટીઆઈ હેઠળ પ્રાથમિક શાળામાં લાયકાત ન ધરાવતા કેટલા શિક્ષકો કામ કરે છે, શિક્ષકોને દૂર ન કરવાનાં કારણો અને લાયકાત ન ધરાવતા શિક્ષકો ક્યારે દૂર કરવામાં આવે એવો સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવ્યો છે.

લાયકાત ન ધરાવતા શિક્ષકો હજુ સુધી કેમ દૂર નથી કરવામાં આવ્યા એના સવાલમાં શિક્ષણમંત્રીએ હાસ્યાસ્પદ જવાબ આપતાં લેખિતમાં જણાવ્યું છે કે તેમને તાલીમી શિક્ષકો નથી મળ્યા એટલે આવા શિક્ષકો દૂર નથી કરવામાં આવ્યા. આવા શિક્ષકો ઝડપથી જ દૂર કરવામાં આવશે, એમ વધુમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું છે.

ગેનીબેન ઠાકોરના સવાલના જવાબ આપવામાં પણ શિક્ષણ વિભાગની પોલ ખૂલી
વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં તારીખ 31-3-23ની સ્થિતિએ જર્જરિત ઓરડા અને પતરાંના છતવાળી પ્રાથમિક શાળાની સંખ્યા, સારા ઓરડા ક્યાં સુધીમાં બનાવશે એ અંગે સવાલ પૂછતાં શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.

આ જર્જરિત ઓરડાની જગ્યાએ સારા ઓરડા ક્યારે બનાવવામાં આવશે એનો જવાબ ડો. કુબેર ડિંડોર લેખિતમાં આપતાં જણાવે છે કે સારા ઓરડા આગામી વર્ષોમાં બનાવવામાં આવશે, પરંતુ ઓરડા બનાવવાની સમય મર્યાદા કઈ રહેશે એ અંગે કોઈ ઉલ્લેખ ન કરી ઉડાઉ જવાબ આપ્યો હતો.

  • ગણિત વિષયના 105 શિક્ષકની ઘટ
  • ગુજરાતી વિષયના 14 શિક્ષકની ઘટ
  • સામાજિક વિજ્ઞાન વિષયના 107 શિક્ષકની ઘટ
  • અંગ્રેજી વિષયના 86 શિક્ષકની ઘટ

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ બાબતનો પ્રશ્ન કર્યો હતો અને રાજ્યના જિલ્લાઓમાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી કેટલી શાળાઓ કાર્યરત છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલી નવી શાળાની પરવાનગી આપવામાં આવી છે, એમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિ એ ફક્ત 11 જેટલી સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લામાં 7 સરકારી શાળા, પંચમહાલ, પાટણ, જામનગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 526 ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે.

વિધાનસભા સત્ર દરમિયાના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજ્ય શિક્ષણ વિભાગ પાસે રાજ્યની ખાનગી શાળામાં લાયકાત ન ધરાવતા કેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તે બાબતે જવાબ માગ્યો હતો. સરકારે જ્યારે જવાબ રજૂ કર્યો ત્યારે ચોકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યના 12 જિલ્લામાં 760 ખાનગી શાળામાં 1885 જેટલા લાયકાત વિનાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાાં 306 જેટલા લાયકાત વિનાના શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવે છે. રાજ્ય સરકારે લાયકાત વિનાના શિક્ષકો ફરજ બજાવવા બાબતે જવાબ આપતાં જણાવ્યુ છે કે, તાલીમવાળા શિક્ષકો ન મળવાના કારણે લાયકાત વિનાના શિક્ષકો ફરજ બજાવતા હતા. જો કે, સરકાર જવાબમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધર્યાનું સ્વિકાર્યુ છે. ખાનગી શાળાઓ વિશ્વાસ મુકીને વાલીઓ ઉચી ફ્રી ભરીને બાળકોને પ્રવેશ અપાવે છે ત્યારે શિક્ષકોને ઓછા પગાર આપવો પડે તે માટે ખાનગી શાળાઓ દ્વારા લાયકાત ન ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે.

શહેરી વિસ્તાર અને હવે ગ્રામિણ વિસ્તારમાં પણ વાલીઓ સરકારી શાળાના સ્થાને ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા પર વધારે ભાર મુકી રહ્યા છે. પરંતુ વિધાનસભામાં જે માહિતી સામે આવી છે તેમાં ખાનગી શાળામાં શિક્ષણની ગુણવત્તા કેવી છે તેની ચોકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી શાળામાં મનફાવે તેટલી ફ્રી લેવામાં આવે છે પણ વિષયના નિષ્ણાત ન હોય તેવા શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શાળાઓ ચેડા કરી રહી છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા