GSEB Std 12 Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શક્યા નથી અથવા જેઓ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
GSEB : ‘બેસ્ટ ઓફ ટુ’ ની મળશે સુવર્ણ તક
આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ‘બેસ્ટ ઓફ ટુ’ નો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે અથવા જેમને પોતાના ગુણ સુધારવા છે, તેઓ આ પૂરક પરીક્ષામાં બેસી શકશે. આ તક દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવી શકશે.
આગામી સપ્તાહે જાહેર થશે ટાઈમ ટેબલ
શિક્ષણ બોર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂરક પરીક્ષાની તૈયારીઓ અત્યારથી જ તેજ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ જૂન 2026ના માસમાં યોજાશે, જેનું વિગતવાર ટાઈમ ટેબલ આગામી અઠવાડિયે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ અને પ્રક્રિયા અંગેની માહિતી પણ ટૂંક સમયમાં શાળાઓને જાણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ શું કરવું?
પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સતત પોતાની શાળાના સંપર્કમાં રહેવું અથવા બોર્ડની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવું. બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષા પદ્ધતિમાં કરેલા ફેરફારને કારણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ પૂરક પરીક્ષાનો લાભ મળશે તેવું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: આવતીકાલે જાહેર થશે ધોરણ-12નું પરિણામ, GSEB બન્યું ટેકનોસેવી
આ પણ વાંચો:ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, જાણો સંભવિત તારીખો
આ પણ વાંચો: ધોરણ-10નું બોર્ડનું પરિણામ 64.62% આવ્યું, પાછલા વર્ષ કરતા ઓછું
