National News : GST લાગુ થયાના લગભગ નવ વર્ષ બાદ ટેક્સ સિસ્ટમમાં મહત્વનો ફેરફાર થવાની શક્યતા ઊભી થઈ છે. કેન્દ્ર સરકાર GST અધિકારીઓને મળેલી સીધી ધરપકડની સત્તા (GST Arrest Power)માં ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી છે. આ મુદ્દે આગામી 7 ઓક્ટોબરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.
જો પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો ગંભીર GST કેસો (GST Offences)માં પણ અધિકારીઓ દ્વારા સીધી ધરપકડ (GST Arrest Power)કરવાની હાલની વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. આ માટે GST કાયદામાં જરૂરી સુધારા કરવા પડશે અને સરકાર તેને આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરી શકે છે.
GSTમાં ધરપકડની હાલની વ્યવસ્થા શું છે?
હાલના GST કાયદા (GST Law) હેઠળ ગંભીર પ્રકારના ટેક્સ અપરાધોમાં ધરપકડ કરવાની જોગવાઈ છે. નકલી બિલિંગ, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવી અને જાણી જોઈને મોટા પાયે ટેક્સ ચોરી જેવા મામલાઓમાં આ સત્તાનો ઉપયોગ થઈ શકે છે.
CGST એક્ટની કલમ 69 હેઠળ કમિશનરને ચોક્કસ પરિસ્થિતિમાં ધરપકડની મંજૂરી આપવાની સત્તા છે. જોકે, અધિકારીઓ પાસે વ્યક્તિ વિરુદ્ધ ગંભીર GST ગુનાના પૂરતા આધાર હોવા જરૂરી છે.
સરકારે 2022માં ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે માત્ર કાયદામાં ધરપકડની સત્તા હોવાના આધારે કાર્યવાહી ન કરવી જોઈએ. કેસની ગંભીરતા, ગુનાની પ્રકૃતિ અને આરોપી વ્યક્તિની ભૂમિકા જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના રહે છે.
ધરપકડની સત્તા બદલવાની ચર્ચા કેમ?
GST ધરપકડ સત્તા (GST Arrest Power) અંગે ઉદ્યોગ જગત અને કંપનીઓ તરફથી સમયાંતરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સામે થતી ધરપકડને લઈને પ્રશ્નો ઉઠતા રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સરકારનો હેતુ એવો તંત્ર ઊભું કરવાનો હોવાનું માનવામાં આવે છે જેમાં ગંભીર ટેક્સ ફ્રોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહે, પરંતુ સામાન્ય વેપારીઓ અને કંપનીઓમાં અનાવશ્યક ભયનું વાતાવરણ ન સર્જાય.
4 વર્ષમાં 72 હજારથી વધુ GST કેસ
સરકારી આંકડા મુજબ, વર્ષ 2021-22થી 2024-25 દરમિયાન GST અપરાધ સાથે જોડાયેલા કુલ 72,393 કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય GST અધિકારીઓ દ્વારા 887 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ આંકડામાં રાજ્યના GST અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ધરપકડનો સમાવેશ થતો નથી. આ આંકડા દર્શાવે છે કે GST સંબંધિત ગુનાઓ સામે તપાસ અને કાર્યવાહીનું પ્રમાણ કેટલું મોટું છે.
ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી કેવી રીતે થશે?
સંભવિત સુધારા બાદ પણ ગંભીર ટેક્સ ફ્રોડ અને જાણી જોઈને કરવામાં આવતા ગુનાઓ સામે કાર્યવાહી બંધ નહીં થાય. ફેરફાર મુખ્યત્વે ધરપકડની સત્તા (Arrest Power)ના ઉપયોગની પ્રક્રિયામાં થઈ શકે છે.
પ્રસ્તાવ મુજબ, આવા કેસોમાં ફોજદારી કાયદા અથવા ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી માટે અન્ય કાનૂની માર્ગ અપનાવવામાં આવી શકે છે. જોકે, આ બાબતે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
આ મુદ્દે 7 ઓક્ટોબરની GST કાઉન્સિલ (GST Council)ની બેઠક મહત્વપૂર્ણ બની શકે છે. કાઉન્સિલની ચર્ચા, ત્યારબાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને સંસદમાં સુધારા બાદ જ GST અધિકારીઓની ધરપકડની સત્તા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
