અમદાવાદ: રાજ્યમાં જ નહિ સમગ્ર દેશમાં સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ એવા અંબાજી ખાતે ચાલી રહેલા મેળાના અંતિમ દિવસે એટલે કે પૂનમના દિવસે એક માઈ ભક્ત દ્વારા માં અંબેના ચરણોમાં એક કિલો સોનુ ચઢાવવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં ચાલી રહેલા મેળાનો આજે ભાદરવી પૂનમના દિવસે છેલ્લો દિવસ હતો. આજે છેલ્લા દિવસે ભાવિક ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધા અને આસ્થાથી માતા અંબાના ચરણોમાં દાનધર્મ કરી રહ્યાં છે.
ભાદરવી પૂનમ અંતર્ગત સાત દિવસ ચાલેલા આ મેળા દરમિયાન અંબાજી મંદિરની આવક પણ ધરખમ વધારો થયો છે. આ સાત દિવસ દરમિયાન ભક્તો દ્વારા મન મૂકીને અને દિલ ખોલીને માતાના ચરણમાં દાન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ભાદરવી પૂનમ અને મેળાના છેલ્લા દિવસે એક માઈ ભક્ત દ્વારા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન આપવામાં આવ્યું છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને એક કિલો સોનુ દાનમાં આપવામાં આવ્યું છે. આ સોનાનું દાન માઈ ભક્ત અને નેબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર એવા નવનીતભાઈ પટેલના દ્વારા આપવામાં આવ્યું છે. નવનીતભાઈ પટેલ અમદાવાદના વતની છે, અને તેઓ અવારનવાર અંબાજી મંદિરમાં માતાના ચરણોમાં સોનાનું દાન કરતા રહે છે.
ભાદરવી પૂનમના સાત દિવસના મેળા દરમિયાન અંબાજી મંદિરની ગાદીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. આ મેળા દરમિયાન છઠ્ઠા દિવસનો આંકડો કુલ 3 કરોડ 50 લાખ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત આ સાત દિવસોમાં સોનાના દાનની માત્રામાં પણ વધારો થયો છે. જેમાં ભક્તો દ્વારા ત્રીજા દિવસે 617 ગ્રામ સોનાની ભેટ ચઢાવવામાં આવી હતી. જયારે બીજા દિવસે 110 ગ્રામ સોનાની ભેટ ચઢાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢવાની કામગીરી પૂરજોશમાં ચાલુ રહી છે, ત્યારે અનેક ભાવિક ભક્તો દ્વારા મંદિરમાં સોનાનું દાન કરી યથાશક્તિ પ્રમાણે પોતાનો હિસ્સો મંદિરની કામગીરીમાં આપી રહ્યાં છે. ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં ભાવિક ભક્તો દ્વારા મંદિરને ચઢાવવામાં આવેલા સોનાના દાનનો ઉપયોગ પણ મંદિરના શિખરને સોનાથી મઢવાની કામગીરીમાં લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.
