gujrat election 2022/ ચૂંટણીના પ્રચાર માટે પાડોશી રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓનું ગુજરાત આગમન

આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનથી લઈને ચુપી, એમપી અને મહારાષ્ટ્રના પ્રભારી, કાર્યકર્તાઓને ગુજરાતના મતદાતાઓને રીઝવવાની જવાબદારી આપી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Trending
10 12 ચૂંટણીના પ્રચાર માટે પાડોશી રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓનું ગુજરાત આગમન

ગુજરાતમાં ઇલેક્શનને હંમેશાંથી એક ઉત્સવની જેમ માનવામાં આવે છે. તમામ પક્ષની સાથે પ્રજા પણ ઉત્સાહિત હોય છે. સાથે-સાથે એક પરંપરા એ પણ રહી છે કે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે અન્ય રાજ્યના નેતાઓ કાર્યકર્તાઓને પક્ષ જવાબદારી સોંપે છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનથી લઈને ચુપી, એમપી અને મહારાષ્ટ્રના પ્રભારી, કાર્યકર્તાઓને ગુજરાતના મતદાતાઓને રીઝવવાની જવાબદારી આપી છે. ખાસ કરીને ગુજરાતમાં રાજસ્થાનનો રંગ વધુ ઘેરો બનતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવાય છે. ગુજરાતની સાથે-સાથે બહારથી આવીને ગુજરાતમાં વસેલા મતદાતાઓ માટે પણ આ ટ્રિક કામ કરતી હોય છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક રંગ જોવા મળે છે જેમાં આ પણ એક અલગ રંગ છે.

 હાલમાં રાજસ્થાનના કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કોંગ્રેસના નેતાઓને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ભાજપે ઉત્તર ગુજરાતના નવમાંથી 43 જિલ્લાના પ્રભારીઓની નિમણૂક કરી છે. વિધાનસભામાં જવાબદારી અન્ય રાજ્યોના નેતાઓને સોંપવામાં આવી છે. 14મી ગુજરાત વિધાનસભાની મુદત 2023ની શરૂઆતમાં પૂર્ણ થવાની છે અને સત્તામાં રહેલા ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો તરફથી 15મી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી ડો. રઘુ શર્મા અને ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ (બંને રાજસ્થાન)ની રાજકીય ગતિવિધિઓ પણ વધી ગઈ છે. કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે રાજસ્થાનના નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે,  ત્યારે નવ જિલ્લાની 43 વિધાનસભા બેઠકો પર છેલ્લા દોઢ મહિનાથી ભાજપના ઘણા નેતાઓ મોરચામાં છે.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એવી પૂરી શક્યતાઓ છે કે ટૂંક સમયમાં જ ગુજરાતના અન્ય મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં રાજસ્થાનથી ભાજપના નેતાઓની પણ ફોજ ઊતરવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજ સિંધિયા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીષ પુનિયા, રાજેન્દ્ર રાઠોડ અને અન્ય ઘણા નેતાઓનો સમાવેશ થાય છે.

રાજયમાં રાજસ્થાનના આ નેતાઓનો દબદબો

ગુજરાતમાં વર્તમાન સ્થિતિની વાત કરીએ તો રાજસ્થાન સરકારના મંત્રી શાલે મોહમ્મદ અને ધારાસભ્ય ઈન્દ્રરાજ ગુર્જર – કચ્છ, અશોક ચાંદના – બનાસકાંઠા, રામલાલ જાટ – પાટણ, ઉદયલાલ આંજણા – મહેસાણા, સુરેશ મોદી – ગાંધીનગર,  હકમાલી અને પ્રેમસિંહ – અમદાવાદ પૂર્વ,  ધર્મેન્દ્ર રાઠોડ – અમદાવાદ પશ્ચિમ, અશોક બૈરવા અને શકુંતલા – સુરેન્દ્રનગર, પ્રમોદ જૈન – રાજકોટ, રામપાલ શર્મા – પોરબંદર, રાજેન્દ્રસિંહ અને જગદીશચંદ્ર – જામનગર,  ડો. કરણસિંહ યાદવ અને મહેન્દ્ર ગેહલોત – જૂનાગઢ, સુખરામ વિશ્નોઈ અને ગોપાલ મીના – અમરેલી, ભંવરસિંહ ભાટી – ભાવનગર, બી.ડી.કલ્લા – આણંદ, અમરજીત ભગત અને અમિત ચાચન – ખેડા,  તારાચંદ – પંચમહાલ, મહેન્દ્રજીત – દાહોદ, યશોમતી ઠાકોર – વડોદરા, અર્જુનસિંહ -છોટા ઉદેપુર, ગોવિંદરામ મેઘવાલ – ભરૂચ, રામલાલ મીના – બારડોલી,  ડો.રાજકુમાર શર્મા અને શિવ ધારિયા – સુરત, સુનિલ કેદાર – નવસારી અને નીતિન રાઉત – વલસાડમાં પ્રભારી તરીકે મુકાયા છે.

બીજેપીના નેતાઓએ પણ સંભાળી કમાન

4 18 ચૂંટણીના પ્રચાર માટે પાડોશી રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓનું ગુજરાત આગમન

ઉત્તર ગુજરાતના નવ જિલ્લામાં કાર્યરત રાજસ્થાન ભાજપના નેતાઓમાં પ્રભારી તરીકે પ્રદેશ મહામંત્રી સુશીલ કટારા અને સહપ્રભારી તરીકે ધારાસભ્ય નારાયણસિંહ દેવલ ઉપરાંત પૂર્વ સાંસદ નારાયણ પંચારિયા, રાજેન્દ્રસિંહ ગેહલોત, ધારાસભ્ય છગનસિંહ રાજપુરોહિતનો સમાવેશ થાય છે., હમીરસિંહ ભાયલ, બાબુલાલ ખરાડી., પૂર્વ ધારાસભ્ય મદન રાઠોડ, રામચંદ્ર સોનોરીવાલા, નાનાલાલ અહારી, મહેન્દ્રસિંહ જેડીએ પૂર્વ અધ્યક્ષ, બનેસિંહ,  ભૂપેન્દ્ર દેવસી, ખેમરાજ દેસાઈ વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણીની જાહેરાત બાદ હવે ટૂંક સમયમાં જ રાજસ્થાન ભાજપના અન્ય ઘણા નેતાઓનાં નામ પણ આ યાદીમાં સામેલ થશે. આ સંદર્ભમાં, પાર્ટી તે નેતાઓ અને કાર્યકરો પર પણ નજર રાખી રહી છે જેઓ ગુજરાતમાં સ્થાયી થયેલા પરપ્રાંતીય રાજસ્થાનીઓ સાથે સીધો સંપર્ક અને સંબંધ ધરાવે છે.

અન્ય રાજ્યના કાર્યકર્તાઓ હાજર

ભાજપ અને કોંગ્રેસની ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત સુધીના ચૂંટણી પ્રચારની કમાન સંભાળવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ યથાવત્ છે. બંને રાજ્યો વચ્ચેના રાજકીય સંબંધોની વધુ મજબૂતાઈનું મુખ્ય કારણ ભાજપના નેતા ઓમ માથુરની રાજ્ય પ્રભારી તરીકે નિમણૂક છે. ઓમ માથુરનો સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સ્થળાંતરિત રાજસ્થાનીઓ સાથે સીધો સંબંધ છે અને તેમના પછી અજમેરના ભૂપેન્દ્ર યાદવે આ જવાબદારી સંભાળી છે. બીજી તરફ  અશોક ગેહલોત પાંચ-છ વર્ષ પહેલાં કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારી તરીકે મોરચો સંભાળી રહ્યા હતા અને હવે તેમની જગ્યાએ આ કમાન તેમના નજીકના ડૉ. રઘુ શર્માના હાથમાં છે.

યુપીના કાર્યકર્તાઓને અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે,  જ્યારે રાજસ્થાનના કાર્યકર્તાઓને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ- બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓમાં મૂકવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી આવનારાઓને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદ, તાપી જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઝારખંડના કાર્યકર્તાઓ જવાબદારી સંભાળી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના કાર્યકરો મધ્ય ગુજરાત આણંદ,  વડોદરા,  ખેડા, દાહોદમાં ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત બતાવવા તૈયાર છે.

રાજસ્થાન, એમપી, યુપી, મહારાષ્ટ્રના નેતાઓને સોંપાઇ જવાબદારીઓ

6 12 ચૂંટણીના પ્રચાર માટે પાડોશી રાજ્યના નેતાઓ અને કાર્યકર્તાઓનું ગુજરાત આગમન

ભાજપના કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે, યુપી, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડના નેતાઓને વિધાનસભા બેઠક મુજબની જવાબદારી સોંપવામાં આવી છે. 182 વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખીને, દરેક વિધાનસભા બેઠક પર બે-બે કાર્યકરો રાખવામાં આવ્યા છે.  જેઓ સ્થાનિક પક્ષના કાર્યકરો સાથે બેઠકો કરી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે. હવે રાજકીય પક્ષો પ્રચારમાં નેતાઓની ફોજ ઉતારશે, પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલાં જ પડોશી રાજ્યોના નેતાઓ અને કાર્યકરો ઉતરી આવ્યા છે,  જેઓ મતદારોને રીઝવવા માટે ઘરે-ઘરે ફરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મહોલ્લા સભાઓ કરી રહ્યા છે. સાથે જ સંગઠનને મજબૂત કરવા માટે આ નેતાઓ પોતાના પક્ષના કાર્યકરોને ચૂંટણી પ્રચાર માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

રાજસ્થાન પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ ખીમારામ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતને અડીને આવેલા પાલી, સિરોહી, જાલોર, જોધપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ અને ભીલવાડા સહિતના અન્ય જિલ્લાઓમાંથી નેતાઓ અને કાર્યકરો આવ્યા છે. તેમને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત નવ જિલ્લાની 43 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસે નિરીક્ષકોને જવાબદારી સોંપી

કોંગ્રેસે 182 વિધાનસભા બેઠકો પર નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીઓ અને સાંસદોને પણ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે,  જેઓ સંગઠનને મજબૂત કરવા અને ચૂંટણીનો મૂડ લાવવા બેઠક કરી રહ્યા છે.