Gujarat Assembly Working Days: ગુજરાતમાં એક તરફ ‘વિકસિત ગુજરાત’ના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકશાહીના પવિત્ર મંદિર સમાન વિધાનસભાના કામકાજના દિવસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના એક અહેવાલ મુજબ, Gujarat Assemblyમાં આખા વર્ષ દરમિયાન સરેરાશ માત્ર 22 દિવસ જ કામકાજ થાય છે. આ આંકડા દર્શાવે છે કે જનતાના પાયાના પ્રશ્નોની ચર્ચા માટે સરકાર પાસે આખા વર્ષમાં એક મહિનો પણ સમય નથી!
Gujarat Assembly બેઠકોના મામલે ઘણું પાછળ
આંકડાકીય વિશ્લેષણ મુજબ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ની સ્થિતિ નબળી જણાય છે, જેમાં વર્ષ દરમિયાન સૌથી વધુ બેઠક મળતા રાજ્યોમાં ગુજરાત 12માં સ્થાને ધકેલાયું છે. વર્ષ 2025માં બે સત્રો (બજેટ અને ચોમાસુ સત્ર) મળીને ગૃહનું કામકાજ માત્ર 27 દિવસ જ ચાલ્યું હતું. આ સ્થિતિ કોઈ એક વર્ષ પૂરતી સીમિત નથી, પરંતુ 2017 થી 2024 ના ગાળા દરમિયાન પણ વિધાનસભાના કામકાજના દિવસોમાં સતત ઘટાડો નોંધાયો છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની નબળી સ્થિતિ દર્શાવે છે.
બંધારણીય ભલામણોનું ઉલ્લંઘન?
વર્ષ 2002માં જસ્ટિસ એમ.એન. વેંકટચલેયાના વડપણ હેઠળના ‘બંધારણ સમીક્ષા આયોગ’ દ્વારા સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી કે ગુજરાત જેવા મોટા રાજ્યોની વિધાનસભા વર્ષમાં ઓછામાં ઓછી 90 દિવસ મળવી જોઈએ અને નાના રાજ્યોમાં ઓછામાં ઓછા 50 દિવસ બેઠક યોજાવી જોઈએ જોકે, વાસ્તવિકતા તેનાથી તદ્દન અલગ છે; ગુજરાત જેવા મોટા રાજ્યમાં આ ભલામણોના 30% કામ પણ થતું નથી, જે ચિંતાનો વિષય છે

કેમ ઓછી બેઠકો મળે છે?
રાજકીય વિશ્લેષકો આ પાછળ ત્રણ મુખ્ય કારણો જોઈ રહ્યા છે:
- સવાલોથી બચવાનો પ્રયાસ: ઓછું કામકાજ એટલે વિપક્ષને સરકારને ઘેરવાની તક ઓછી મળે.
- પ્રચંડ બહુમતી: સત્તાપક્ષ પાસે મોટી સંખ્યા હોવાથી કોઈ પણ બિલ ચર્ચા વગર પણ સરળતાથી પાસ થઈ જાય છે.
- ઇચ્છાશક્તિનો અભાવ: જનહિતના મુદ્દે લાંબી ચર્ચા કરવાને બદલે પ્રક્રિયા ટૂંકાવી દેવામાં આવે છે.

જનતાના ટેક્સના પૈસા અને ધારાસભ્યોનો આરામ
ધારાસભ્યોને જનતાના ટેક્સમાંથી આખું વર્ષ તગડો પગાર, ભથ્થાં અને સુવિધાઓ મળે છે. જો વર્ષમાં માત્ર 22 દિવસ જ લોકસભાના પ્રશ્નોની ચર્ચા થતી હોય, તો મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ જેવા પ્રશ્નો ક્યારે ઉકેલાશે? આ સ્થિતિ લોકશાહીની જવાબદેહી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિનો સૌરાષ્ટ્ર પ્રવાસે, સંરક્ષણ અને વિકાસ પર ચર્ચા કરશે
