ગુજરાતમાં આજથી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વ્હાલા વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે.કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના આપી. આજે શરૂ થતી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 15,38,953 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે 1.65 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે.
બોર્ડના વિદ્યાર્થીઓ
આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં સવારે ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે બપોરે ધોરણ-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે ધોરણ-10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર 9,17,687 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-12 બોર્ડમાં 56 ઝોનમાં 663 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થઓ પરીક્ષા આપશે. ઉપરાંત આ વિદ્યાર્થીઓ સાથે રાજ્યની 4 જેલના 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. કેદીઓ માટે જેલ કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
પોલીસ મદદ કરશે
બોર્ડની પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરાયો છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સમયસર શાળા સેન્ટર પર પંહોચે માટે પોલીસ ટ્રાફિકને લઈને પણ સતર્ક છે. સાથે જે વિદ્યાર્થો ટ્રાફિકમાં અટવાશે તેમને પોલીસ સમયસર પંહોચાડવામાં મદદ કરશે. અકસ્માત થાય અથવા સ્લીપ ખોવાઈ જાય તેવી મહત્વની બાબતોમાં પણ પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરશે. મહત્વના ડોક્યુમેન્ટ ખોવાય તો કંટ્રોલરૂમમાં 100 નંબર પર ફોન કરી મદદ મેળવી શકશે. અમદાવાદ શહેરમાં બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ડીસીપી કોમલ વ્યાસ દ્વારા સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ અપાયા છે.
ગેરરીતિ સામે શિક્ષાત્મક પગલાં
આજે 11 માર્ચ સોમવારથી શરૂ થતી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો 9 વાગ્યા સુધીમાં શાળા સેન્ટર સુધી પંહોચી જશે. રાજ્યમાં 5,378 શાળા બિલ્ડીંગમાં પરીક્ષા લેવાઈ રહી છે. બોર્ડની પરીક્ષાની કામગીરામાં સમગ્ર શિક્ષણ બોર્ડ, તમામ જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ તંત્ર, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજે 1 લાખ જેટલા અધિકારીઓ જોડાયા છે. બોર્ડ પરીક્ષાને લઈને સ્ટ્રોંગરૂમથી લઈને પોલીસની કડક સુરક્ષા વચ્ચે શાળા સેન્ટર સુધી પેપર પંહોચાડવામાં આવશે. તમામ સેન્ટરોમાં પેપર પંહોચાડવા સીલ બંધ પેપર સાથે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે રહેશે. પેપર લીક જેવી સમસ્યા ના થાય માટે તમામ કામગીરી પર ડિવિઝનલ ઓફિસરની દેખરેખ રહેશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ સેન્ટરો પર CCTV કેમેરા મૂકવામાં આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતી મામલે બોર્ડ વિભાગે આકરું વલણ દાખવ્યું છે. બોર્ડની પરીક્ષા દરમિયાન નિયમ પ્રમાણે વિદ્યાર્થી, સ્થળ સંચાલક, નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓની બેદરકારી બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ
આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?