ગાંધીનગર,
રુપાણી સરકાર દ્વારા રાજ્યના કુલ ૫૭ તાલુકાઓને પ્રવર્તમાન અછતને લઇ ડાર્કઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ તાલુકાઓના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક હિતકારી નિર્ણય કરાયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય બાદ હવે ડાર્ક ઝોનમાં આવતા તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પદ્ધતિ ફરજીયાત પણે અપનાવવાની રહેશે નહીં.
આ પહેલા રાજ્ય સરકારે ભૂગર્ભ જળ સ્તર નીચા જતા હોવાની સ્થિતિને કારણે રાજ્યના ૫૭ તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો અને તેના ભાગરૂપે જે ખેડુતો કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવા માંગતા હોય તેમણે ફરજીયાત પણે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની હતી.
જો કે આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી દ્વારા સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવવાની જોગવાઈ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.