Gujarat News : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (Gujarat Congress)અત્યારથી જ સંગઠન મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. હાઈકમાન્ડ દ્વારા ગુજરાત માટે નવી રણનીતિ (Strategy) તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચૂંટણીલક્ષી તૈયારીઓની મહત્વની જવાબદારી જાણીતા ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનુગોલુ (Sunil Kanugolu)ને સોંપવામાં આવી છે.
કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર કાનુગોલુ હવે ગુજરાતમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ (Election Strategy) ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમની એન્ટ્રી બાદ પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના સંગઠનમાં થશે મોટો ફેરફાર
દિલ્હીથી મળતા સંકેતો પ્રમાણે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર થઈ શકે છે. કાર્યકારી અધ્યક્ષ સહિત વિવિધ મોરચાના અધ્યક્ષ પદે સક્રિય અને નવા ચહેરાઓને જવાબદારી આપવામાં આવી શકે છે.
પાર્ટી હવે માત્ર હોદ્દો ધરાવતા નેતાઓ કરતાં મેદાનમાં સક્રિય અને કાર્યકરો સાથે સીધું જોડાણ ધરાવતા નેતાઓને આગળ લાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ સમગ્ર સંગઠન ફેરફાર (Organizational Change)નો હેતુ આગામી ચૂંટણી પહેલાં પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરવાનો છે.
50 સંભવિત ઉમેદવારોને અત્યારથી તૈયારી કરાવાશે
કોંગ્રેસ આ વખતે ટિકિટની જાહેરાત છેલ્લી ઘડીએ કરીને ચૂંટણી લડવાની જૂની પદ્ધતિ બદલવા માગે છે. 2017 અને 2022ની ચૂંટણીના પરિણામો તેમજ સ્થાનિક ચૂંટણી પ્રદર્શન (Election Performance)ના આધારે આશરે 50 સંભવિત ઉમેદવારોની પસંદગી કરીને તેમને અત્યારથી જ મેદાનમાં ઉતારવાની તૈયારી છે.
સંભવિત ઉમેદવારોને ચોક્કસ રોડમેપ (Roadmap) આપવામાં આવશે. તેમાં પોતાના મતવિસ્તારમાં સંગઠન મજબૂત કરવું, કાર્યકરો સાથે સંપર્ક વધારવો અને સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો વચ્ચે પહોંચ વધારવા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે.
હાઈકમાન્ડ દ્વારા આ ઉમેદવારોની કામગીરી પર પણ નજર રાખવામાં આવશે. એટલે આગામી ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પોતાના સંભવિત ઉમેદવારોને લોકસભા કે વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ સંભવિત વિજેતા તરીકે તૈયાર કરવાની દિશામાં આગળ વધતી જોવા મળી રહી છે.
અમદાવાદ AMCમાં વિપક્ષના નેતાનું નામ પણ ચર્ચામાં
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પસંદગીનો મુદ્દો પણ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે. આંતરિક ખેંચતાણને કારણે નિર્ણયમાં વિલંબ થયો હતો.
હવે અમદાવાદમાં વિપક્ષના નેતા તરીકે નિરવ બક્ષીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પણ તેમના નામને સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, સત્તાવાર જાહેરાત થયા બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગુજરાત કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ (Ground Level) પર સક્રિય થવાની તૈયારી કરી રહી છે. સંગઠન ફેરફાર, સંભવિત ઉમેદવારોની વહેલી પસંદગી અને ચૂંટણી રણનીતિકારની જવાબદારી—આ ત્રણેય પગલાંને કોંગ્રેસના ગુજરાતમાં પુનઃસંગઠનના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરામાં કોંગ્રેસ કાર્યકરે રાહુલ ગાંધી સામે બળાપો ઠાલવ્યો, ગુજરાતમાં કોગ્રેસની સરકાર લાવવા જીવ આપવા તૈયાર છું : મિતેશ પરમાર
આ પણ વાંચો : ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની માંગણી
આ પણ વાંચો : 8-9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં, 3 હજારથી વધુ ડેલિગેટ્સ રહેશે હાજર
