Gandhinagar News/ ગુજરાતમાં આવતીકાલથી ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ, પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના

Gujarat Government Census 2027: ગુજરાત સહિત દેશમાં 1લી જૂનથી આઝાદી પછીની 8મી વસ્તી ગણતરીનો પ્રારંભ. 1.09 લાખ ગણતરીદારો ઘેર-ઘેર પૂછશે 33 પ્રશ્નો. ખોટી માહિતી આપવા પર દંડની જોગવાઈ.

Top Stories Gandhinagar Gujarat
Gujarat Government Census 2027

Gujarat Government Census 2027 : ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલથી આઝાદી પછીની 8મી અને દેશની 16મી વસ્તી ગણતરી (Census 2027) નો ઐતિહાસિક પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતના રાષ્ટ્રીય આયોજનની સૌથી મોટી અને મુખ્ય વિશેષતા એ છે કે ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા પેપર-લેસ એટલે કે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી (મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા) હાથ ધરવામાં આવશે. આ આધુનિક જનગણનામાં અત્યંત ચોકસાઈ સાથે ડેટા એકત્રિત કરવા માટે તંત્ર સજ્જ થયું છે.

ઘેર-ઘેર પહોંચશે 1.09 લાખ ગણતરીદારો

આવતીકાલ 1લી જૂનથી 30 જૂન સુધી ઘર અને મકાનોની યાદી તૈયાર કરવાનો તેમજ ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ પ્રક્રિયા માટે એકલા ગુજરાત રાજ્યમાં જ 1.09 લાખથી વધુ ગણતરીદારો (Enumerators) ને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ દરેક નાગરિકના ઘર સુધી પહોંચશે. આ ડેટા એન્ટ્રી ડેટાબેઝ ગુજરાતી સહિત દેશની કુલ 16 સત્તાવાર ભાષાઓમાં ઓપરેટ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે આ વર્ષે ગુજરાતમાં ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે, જેના કારણે ૩.૭૪ લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોતે જ ઓનલાઈન માહિતી સબમિટ કરવાનો એટલે કે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિકલ્પ પસંદ કર્યો છે, જે ડિજિટલ ઇન્ડિયા તરફનું બહુ મોટું કદમ છે.

જાણો કયા 33 મહત્વના પ્રશ્નો પૂછાશે અને શું છે નિયમો?

આ પ્રથમ તબક્કાની મુલાકાત દરમિયાન ગણતરીદારો દ્વારા પરિવારના મોભી અને સભ્યોને મકાનની સ્થિતિ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વીજળી, વાહન, બેંક ખાતું અને કમ્યુનિકેશનના સાધનો સહિત કુલ 33 જેટલા પાયાના અને મહત્વના પ્રશ્નો પૂછવામાં આવશે.

સરકારે કાયદાકીય જોગવાઈઓ જાહેર કરતાં સ્પષ્ટ કર્યું છે કે, વસ્તી ગણતરી દરમિયાન કોઈ નાગરિક ખોટી માહિતી આપશે અથવા તો સત્તાવાર માહિતી આપવાનો સાફ ઇનકાર કરશે, તો તે કાયદેસરનો ગુનો બનશે અને તેના માટે દંડની કડક જોગવાઈ રાખવામાં આવી છે. તેથી દરેક નાગરિકે સાચી અને સચોટ વિગતો આપવી અનિવાર્ય છે.

Census 2027: ડેટાની ગોપનીયતા અને હેલ્પલાઇન

વસ્તી ગણતરીનો બીજો મહત્વનો તબક્કો ફેબ્રુઆરી 2027માં યોજાશે, જેમાં મુખ્યત્વે જાતિ ગણતરી (Caste Census) પર વિશેષ ભાર મૂકીને વસ્તીના આંકડા આખરી કરવામાં આવશે. સામાન્ય જનતામાં કોઈ ડર કે દ્વિધા ન રહે તે માટે સરકારે ખાતરી આપી છે કે નાગરિકો દ્વારા આપવામાં આવેલી તમામ વૈયક્તિક માહિતી સંપૂર્ણપણે ગોપનીય (Confidential) રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર દેશના ભવિષ્યના વિકાસના આયોજન માટે જ થશે. આ પ્રક્રિયા અંગે નાગરિકોની કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્નોના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ

આ પણ વાંચો : 16 વર્ષ બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ! હવે મોબાઈલથી જાતે ભરી શકાશે વિગતો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો : દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ