Ahmedabad News/ ગુજરાતનું પ્રથમ ‘ડોગ સ્મશાન’! હવે પાલતુ શ્વાનને મળશે સન્માનજનક અંતિમ વિદાય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતનું પ્રથમ CNG પેટ ડોગ સ્મશાન (Dog Crematorium) ગૃહ શરૂ કરાયું છે. રજિસ્ટર્ડ ડોગ્સ માટે આ સેવા તદ્દન મફત રહેશે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad CNG Dog Crematory

Ahmedabad Pet Dog Crematorium: પોતાના વહાલા પેટ ડોગને પરિવારના સભ્યની જેમ રાખતા અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અભિનવ પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ CNG સંચાલિત ‘પેટ ડોગ સ્મશાન ગૃહ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે હવે અબોલ જીવોને પણ માનવીય સંવેદના સાથે અંતિમ વિદાય આપી શકાશે.

રૂ. ૩૦ લાખના ખર્ચે તૈયાર થયું આધુનિક Dog Crematorium

બહેરામપુરાના સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસમાં ૩૦ લાખ રૂપિયાના ખર્ચે આ ‘એનિમલ ક્રિમેટર’ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે. તેમાં 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થતી હોવાથી વાયરસ કે બેક્ટેરિયાનો નાશ થાય છે અને ચીમનીમાંથી કોઈ દુર્ગંધ કે ધુમાડો બહાર આવતો નથી.

Ahmedabad CNG Dog Crematory

CCTV દ્વારા ઘરે બેઠા જોઈ શકાશે અંતિમ સંસ્કાર

ઘણીવાર માલિકો પોતાના વહાલા ડોગની અંતિમવિધિમાં ભાવુકતાને કારણે રૂબરૂ જઈ શકતા નથી. આ જરૂરિયાતને સમજીને અહીં CCTV કેમેરાની સુવિધા આપવામાં આવી છે. પેટ ઓનર્સ ઘરે બેઠા ઓનલાઇન લિંક દ્વારા પોતાના ડોગની અંતિમવિધિ લાઈવ જોઈ શકશે. આ ઉપરાંત, અંતિમવિધિ બાદ અસ્થિઓને માટલીમાં ભરી, સન્માનપૂર્વક લાલ કપડામાં વીંટીને માલિકના ઘરે પહોંચાડવાની પણ સુવિધા છે.

કેવી રીતે મેળવવી આ સુવિધા?

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પેટ ડોગના મૃત્યુ સમયે માલિકે હેલ્પલાઇન નંબર 155303 પર જાણ કરવાની રહેશે. જે માલિકોએ પોતાના ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમની પાસેથી આ સેવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, જ્યારે રજિસ્ટ્રેશન ન ધરાવતા માલિકો પોતાની ઈચ્છા મુજબ ઓનલાઇન ડોનેશન આપી શકશે. આ સેવા અંતર્ગત કોર્પોરેશન દ્વારા ‘અંતિમ ધામ જીવ સેવા રથ’ મોકલવામાં આવશે, જે ફૂલહાર અને પૂજા સામગ્રી સાથે મૃત ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ સુધી લઈ આવશે.

Ahmedabad CNG Dog Crematory

શા માટે જરૂરી છે આ સ્મશાન?

અત્યાર સુધી મૃત શ્વાનને જમીનમાં દફનાવવામાં આવતા હતા, જેના કારણે જમીન પ્રદૂષણ અને કેનાઇન ડિસ્ટેમ્પર કે હડકવા જેવા વાયરસ ફેલાવાનો ભય રહેતો હતો. CNG દહન પ્રક્રિયાથી આ તમામ ખતરો ટળી જશે. અમદાવાદમાં હાલ 19 હજારથી વધુ નોંધાયેલા પેટ ડોગ્સ છે, જેમને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ બે સ્મશાન ગૃહો બનાવવાનું આયોજન છે.


આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)ના માલિકો,નાગરિકોને નોંધણી કરાવવાની જાહેર સુચના

આ પણ વાંચો: ગુજરાતનું પ્રથમ ડોગ સ્મશાન અમદાવાદમાં! હવે સન્માન સાથે થશે શ્વાનનાં અગ્નિસંસ્કાર

આ પણ વાંચો: ફીમેલ ડોગ ગુમ થતાં પતિ વિરુદ્ધ પત્ની પહોચી પોલીસ સ્ટેશન, કહ્યું- તેણે જ કંઈક કર્યું છે…