Gujarat Heatwave Alert: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે ગરમીને કારણે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
માર્ચમાં જ ગરમીનો રેકોર્ડ
આ વર્ષે માર્ચ મહિનામાં જ તાપમાન (Gujarat Heatwav) અસામાન્ય રીતે વધી ગયું છે. કેટલાક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. દીવમાં લગભગ 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ ઉપરાંત રાત્રિના તાપમાનમાં પણ વધારો નોંધાતા રાત્રી દરમિયાન પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
Gujarat Heatwav અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, જામનગર અને ભાવનગર જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
દરિયાકાંઠે બફારો વધશે
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે બફારો વધવાની શક્યતા છે. જેના કારણે લોકોને વધુ અકળામણ અનુભવાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની તેમજ પૂરતું પાણી અને પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવી છે.
બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવન ફૂંકાતા ગરમીનું પ્રમાણ વધ્યું હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ, 17 જિલ્લાઓમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર!
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર પીગળ્યો! વલસાડ અને નવસારીમાં ગરમી વધતા જ ડામર રોડ ઓગળ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં અકાળ ગરમીનો પ્રકોપ, હીટવેવની ચેતવણી, તાપમાન 39 ડિગ્રીને પાર
