ફિલ્મી/ અપમાન અને અફસોસ : 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં સતત બીજા વર્ષે પણ ગુજરાત કે ગુજરાતીઓ ક્યાંય નથી

નેશનલ એવોર્ડ – કેન્દ્રનો ગુજરાતી સિનેમાને લાફો છે કે છેલ્લા 2 વરસથી ગુજરાતી કેટેગરી ઓપન નથી થતી.

Mantavya Exclusive Entertainment
નેશનલ ફિલ્મ એવોર્ડ

કલાકો પહેલા 68માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ અને લાંબા સમયથી બંધાયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આશાઓ ઉપર આ વર્ષે પણ પાણી ફરી ગયું. કારણકે સતત બીજા વર્ષે પણ નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મને ક્યાંય સ્થાન નથી. એકેય કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોવા મળી રહી નથી ત્યારે આ દુ:ખદ સમાચાર બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સતત આગળ લઈ જવા મથામણ કરતાં કેટલાક સંઘર્ષકર્તાઓ સાથે વાત કરી અને તેમનો વસવસો અને પીડા જાણવામાં આવ્યા. જે તેમના જ શબ્દમાં અહીં  આલેખાયો છે.

પુરસ્કાર પણ નહીં અને પ્રેરણા પણ નહીં : પ્રિનલ ઓબેરોય, (ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને પ્રોડ્યુસર) 

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મને સ્થાન નહીં મળવા અંગે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને પ્રોડ્યુસર પ્રિનલ ઓબેરોય મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “એક લાંબા વિરામ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે ફરીથી બેઠી થઈ રહી છે ત્યારે તેનો ટેકો બનવા માટે નોનગુજરાતી પણ મહેનત કરી રહ્યા છે. હું એક નોનગુજરાતી થઈને પણ ગુજરાતી ફિલ્મ માટે મહેનત કરું છું. આવા સમયે મહત્વનું હોય છે કે ગુજરાતી ફિલ્મને લોકોનો પ્રેમ, આવકાર અને ક્યારેક પુરસ્કાર પણ મળે. પરંતુ નેશનલ ફિલ્મ એવોર્ડમાં ક્યાંય ગુજરાતી ફિલ્મ કે ગુજરાતીઓને સ્થાન નહીં આપીને ગુજરાતીઓની આવડત સામે પણ અનેક સવાલ ઊભા કરાયા છે. ગુજરાતી ભાષામાં હવે ઓફબીટ ફિલ્મો બને છે. આવી નોન કમર્શિયલ ફિલ્મોનો મોટો આધાર એવોર્ડ હોય છે ત્યારે નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મની સતત બીજા વર્ષે પણ બાદબાકી કરીને ગુજરાતીઓને પુરસ્કાર અને પ્રેરણા બધામાંથી વંચિત રાખવામાં આવ્યા છે. અમારી ફિલ્મ ‘કોઠી 1947’ને નહીં તો કોઈ પણ ગુજરાતી ફિલ્મને એક એવોર્ડ મળ્યો હોત તો પણ અમારા માટે પ્રેરણારૂપ હતું, પરંતુ ગુજરાતીઓની આવી બાદબાકી નવા ઊભરતા આર્ટીસ્ટ માટે નિરાશાજનક છે. જ્યારે અમારી ફિલ્મો વૈશ્વિક ફલક પર ચમકે છે ત્યારે ઘરઆંગણે જ અમારું માન નહીં હોવાનું દુ:ખ થઈ રહ્યું છે.”

નેશનલ ફિલ્મ એવોર્ડ સામે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નારાજ છે : અભિલાષ ઘોડા, મહામંત્રી (ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ એસોસિયેશન)

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મને સ્થાન નહીં મળવા અંગે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ એસોસિયેશનનાં મહામંત્રી અભિલાષ ઘોડાએ મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષથી ગુજરાતનાં બે બે સભ્યો જ્યુરીમાં હોવા છતાં ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ માંથી બાદ રાખવામાં આવે છે જે ખુબ દુઃખદ અને આશ્ર્ચર્યજનક છે. ગુજરાતમાં ‘૨૧મું ટીફીન’, ‘કોઠી 1947’, ‘ભારત મારો દેશ છે’ જેવી સુંદર ગુજરાતી ફિલ્મો બની રહી છે. જેની અન્ય મોટા એવોર્ડમાં ખુબ સારી નોંધ લેવાઇ તેમ છતાં રાષ્ટ્રીય એવોર્ડમાં બે વર્ષથી ગુજરાતી ફિલ્મોની નોંધ શુધ્ધા નહીં લેવાતાં ગુજરાતી ફિલ્મ ફ્રેટરનિટીમાં મોટા પાયે નારાજગી ફેલાઇ છે.”

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સફળ થવા જરૂરી છે ગુજરાતીઓ જ ગુજરાતીઓની મદદ કરે : વિજયગીરી બાવા (ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક)

નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મને સ્થાન નહીં મળવા અંગે ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક વિજયગીરી બાવાએ જણાવ્યું હતું કે, “ગુજરાતીઓ જ ગુજરાતીનાં દુશ્મન બનશે તો આ સિનેમા ક્યારેય ઉપર નહિ આવે. ગમે તેટલા સંગઠનો બનાવીને ઊંધા પડી જાઓ પણ સંગઠન નહીં સહકારથી કામ કરવું પડશે. 2019માં 2 ગુજરાતી ફિલ્મ્સને નેશનલ અનુક્રમે ગોલ્ડન અને સિલ્વર એવોર્ડ મળ્યો. તેના પછી ગુજરાતી સિનેમાની નેશનલમાં કેટેગરી જ નથી ખુલી કારણ?  ગુજરાતી ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડમાં સ્થાન નહીં મળવું એ માત્ર ગુજરાતી સિનેમાનું નહીં પરંતુ ગુજરાતનું પણ અપમાન છે કે બે વરસથી કેટેગરી ઓપન નથી થતી. આ માટે ગુજરાતીઓએ જ મહેનત કરવી પડશે. વાસ્તવમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતાને ક્યાંક રોકવામાં આવી રહી છે, જોકે રોકવાથી ગુજરાતીઓનું જ નુકશાન અને અપમાન છે. હું તો 100 કરોડ રૂપિયાની ગુજરાતી ફિલ્મ બનાવીને રહીશ પણ જરૂરી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અને ગુજરાતીઓનું સન્માન જળવાય. યોગ્ય સમયે યોગ્ય રીતે મૂલ્ય થાય અને ગુજરાતીઓ જ ગુજરાતીઓનો આધાર બને.”

આ પણ વાંચો : કેશોદમાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ અધિકારીઓ દોડયા અને હોર્ડિંગ્સ બોર્ડ ઉતાર્યા