Gujarat Mid Day Meal New Menu: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના 38.50 લાખ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ વર્ષોથી અપાતી પરંપરાગત સુખડી હવે ભૂતકાળ બનશે. તેના સ્થાને હવે વિદ્યાર્થીઓને પોષણથી ભરપૂર ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે. ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને વેગ આપવા માટે આ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.
પરંપરાગત સુખડી યોજના બંધ
નવા નિર્ણય મુજબ, હવે બાળકોને માત્ર પેટ ભરીને ભોજન જ નહીં, પરંતુ પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી સભર આહાર મળશે. દેશી અનાજ (મિલેટ્સ) ને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે મુખ્યમંત્રી અલ્પાહાર (નાસ્તો) યોજનાના મેનુમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા મેનુની ખાસિયતો
બાજરી અને જુવાર જેવા પૌષ્ટિક મિલેટ્સમાંથી તૈયાર કરેલી શ્રી અન્ન સુખડી ઉપરાંત, નવા સાપ્તાહિક મેનુમાં પ્રોટીન અને મિનરલ્સનું પ્રમાણ જળવાય તેવી સંતુલિત આહારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ પૌષ્ટિક ખોરાક લેવાની આદત કેળવીને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનો છે.
વર્ષ 1984થી ચાલી રહી છે આ યોજના
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. આ યોજનામાં કેન્દ્ર સરકારનો 75% અને રાજ્ય સરકારનો 25% હિસ્સો હોય છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસના દિવસોમાં મફત પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે.

Mid Day Meal યોજનાના મુખ્ય હેતુઓ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુપોષણમુક્ત બનાવી તેમને પોષણક્ષમ ભોજન આપીને તેમના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. આ ઉપરાંત, ગરીબ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે અને શિક્ષણ પ્રત્યે રસ લેતા થાય તે માટે હાજરીમાં વધારો કરવાનો પણ લક્ષ્યાંક છે. આર્થિક મુશ્કેલીને કારણે બાળકો અધવચ્ચે અભ્યાસ ન છોડે તે જોઈને ડ્રોપ-આઉટ રેટ ઘટાડવો અને સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રસોઈયા તેમજ મદદનીશો દ્વારા સ્થાનિક રોજગારી પૂરી પાડવી એ પણ આ યોજનાના મહત્વના હેતુઓ છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમના બાળકોને શાળામાં જ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો મળશે.
આ પણ વાંચો: ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, દેવા માંફી, વિધવા-વૃદ્ધ પેન્શનની પેંશનની જાહેરાત નહીં
આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે
આ પણ વાંચો: રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
