અમદાવાદમાં દિવસેને દિવસે લુખ્ખા શખ્સોનો આતંક વધી રહ્યો છે. ત્યારે વધુ એક ભર બપોરે મારામારીની ઘટના અમદાવામાં બની છે. અંકુર ચાર રસ્તાથી ઘાટલોડીયા જતા રસ્તા ઉપર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નજીકનો આ બનાવ છે.
જેમાં ઈનોવા કારમાં આવેલા કેટલાક શખ્સોએ એક યુવકને માર માર્યો. પહેલા તેઓ તેની નજીક આવ્યા અને બોલાચાલી કરવા લાગ્યા ત્યાર બાદ તેમણે હાથ ઉપાડવાનું શરૂ કર્યું અને યુવકને માર માર્યો.
જે યુવકને માર મારવામાં આવ્યો છે તે કોકાકોલા કંપનીમાં કામ કરે છે. કંપનીમાં કામ કરતા યુવકે આરોપી ભાવેશ પ્રજાપતિને ફોન કર્યો અને કહ્યું કે તમે ફેબ્રુઆરી મહિનામાં એક પણ કોકાકોલાની પેટીનું બિલીંગ નથી કર્યું તો ક્યારે કરશો? આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ભાવેશ પ્રજાપતિએ કહ્યું કે બધા પોલીસ સ્ટેશનમાં મારી ઓળખાણ છે. તને હું કયા પોલીસ સ્ટેશનમાં લઈ જઇને મારું.
આ બોલાચાલી એટલી આગળ વધી ગઈ કે આરોપીએ યુવાનને અંકુર ચાર રસ્તાથી ઘાટલોડીયા જતા રસ્તા ઉપર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નજીક તેને લાકડીઓ વડે ખુલ્લા રોડ પર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેની વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે.
