ગુજરાત સ્થાપના દિવસ/ આપણાં સ્વપ્નનું ગુજરાત કદાચ આવું હોય શકે

તો આવો, સાથે કદમ મેળવી, શ્રેષ્ઠતમ કામ કરી, ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઈ જઈએ, અને તેને માટે આપને સહિયારા પ્રયાસોથી કામ કરીએ! ગુજરાતને ગમતું ગુજરાત બનાવીએ. ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના.

Top Stories Gujarat Others
ગુજરાત

મારું , તમારું ને આપણું ગમતીલું ગુજરાત ….  ગમતીલું  ગુજરાત. આજે આપણાં ગુજરાત વિશેની વાત.

જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ,
જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો..
ગુજરાત આપણાં  માટે જ છે.”

વાસ્તવમાં કેટલી યથાર્થ વાત કરી છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ આપણી માતૃભૂમિ – આપણી જનની ગુજરાતની કલ્પના! સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચે. આજે ગુજરાત સ્થાપના દિવસે આપણી કલ્પનાના ગુજરાત વિશે વાત કરીએ. આપણાં ગુજરાતને વધુ ગામતીલું કરવાની વાત કરીએ. ગુજરાત કેવું હોવું જોઈએ અને આપણે એક ગુજરાતી તરીકે કેવું ગુજરાત જોઈએ છે એ વાત કરીએ.

સ્ત્રી એ સમાજનું ચાલકબળ છે, આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ લોકો સ્ત્રીઓનું માન સન્માન જાળવવા માટે તત્પર હોવા જોઈએ. વર્ષ ૨૦૧૧ના વસ્તી ગણતરીનાં આંકડાઓ મુજબ દર ૧૦૦૦ પુરુષોએ ૯૧૯ સ્ત્રીઓ છે, જે પ્રમાણ બદલીને ખોરવાયેલા એવા આ પ્રમાણને સુધારવા લોકો કટિબદ્ધ હોવા જોઈએ અને સમાજમાં સ્ત્રી અને પુરુષોની સંખ્યા સમાન હોવી જોઈએ. દુનિયાના માત્ર ૩ દેશો, ભારત, પાકિસ્તાન અને ચીનમાં સ્ત્રી ભૃણ હત્યાના વ્યાપના કારણે આ પ્રમાણ ખોરવાયેલું છે. આપણાં  ગુજરાતના તમામ લોકો સાક્ષરતાને એક માનવીય અધિકાર સમજતા હોવા જોઈએ. દરેક લોકોને એ જ્ઞાન હોવું જોઈએ કે સાક્ષરતા એ ભણતરના હાર્દ સમાન છે અને જે ગરીબી દૂર કરવામાં, સ્ત્રી ભૃણ હત્યા રોકવામાં, વસ્તી વધારાને કાબૂમાં રાખવામાં, જાતીય સમાનતા મેળવવામાં, શાંતિ માટે અને આ સિવાયના ઘણાં બધાં સામાજીક દૂષણોનો એક જ ઈલાજ છે. ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ સાક્ષરતા દરને સમાન મહત્વ અપાતું હોવું જોઈએ. જ્યારે આપણાં  રાજ્ય એ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હશે ત્યારે તેની કાયાપલટ થતાં કોઈ રોકી નહીં શકે.

પ્રજામાં માલિકીપણાનો ભાવ જાગૃત થાય અને લોકભાગીદારીથી કામ કરવામાં આવે. ગુજરાતના ગ્રામ્ય સ્તરે, ગ્રામસભાઓ દ્વારા આયોજન કરી અસરકારક કામગીરી થવી જોઈએ અને વિકાસના કાર્યો અને વિવાદોના નિરાકરણ આવવા જોઈએ. પંચાયતી રાજની સંસ્થાઓમાં હરિફાઈમુક્ત સર્વ સંમત ચૂંટણીનાં આયોજન થવા જોઈએ. ગામની પંચાયતોના તમામ કામકાજમાં કોમ્પ્યુટર પ્રણાલીઓનો ઉપયોગ થવો જોઈએ. રાજ્યના પ્રચલિત તહેવારો પ્રજાની ભાગીદારીથી ઉજવાતા હોવા જોઈએ. પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહીલાઓ સ્વયંભૂ રીતે સંગઠીત થઈ કરી શક્તી હોવી જોઈએ. તેમના પ્રશ્નોનું નારી અદાલતો દ્વારા નિવારણ થતું હોવું જોઈએ. ગુજરાતની જ્ઞાન શક્તિની કલ્પના કરીએ  તો શિક્ષણની માળખાકીય સુવિધાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગુજરાતનાં તમામ બાળકોની શાળામાં ભરતી થતી હોવી જોઈએ અને વધુમાં વધુ સ્તરે બાળકોના ઘડતર માટે ધ્યાન અપાતું હોવું જોઈએ. આ સાથે જ છોકરીઓનાં શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન અપાતું હોવું જોઈએ. ગ્રામ્ય સ્તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ધ્યાનમાં રાખીને ભણતર અપાતું હોવું જોઈએ.

આપણાં  ગુજરાતમાંથી વૈજ્ઞાનિકો, તબીબો, ઈજનેરો અને અન્ય ટેકનીકલી શિક્ષિત લોકો પરદેશમાં વસવાનું સ્વપ્ન ન સેવતા પોતાના ભણતરનો લાભ રાજ્ય તથા રાષ્ટ્રને જ આપે એ ઇચ્છનીય છે. રાજ્ય પણ આ નિષ્ણાંતો માટે પૂરતી તકો અને મહેનતાણાં આપવા સક્ષમ વાતાવરણ પૂરા પાડતાં હોવા જોઈએ. આપણે બીજા કોઈને પરદેશ સ્થાયી ન થવા સમજાવીને નહીં પણ પોતે જ આ નિર્ણય પર અડગ રહીને આપણાં રાજ્યને અને અંતે રાષ્ટ્રને વિકસિત દેશોની હરોળમાં લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોવા જોઈએ. ભારત જેવા વિકાસશીલ દેશોને નડતી બ્રેઈન ડ્રેઈનની મુશ્કેલીઓમાં રસ્તો બતાવતું નમૂનારૂપ હશે મારું ગુજરાત કે જ્યાં ભણેલાગણેલા લોકો રાજ્યની તમામ પ્રકારે ઉન્નતિ કરવામાં કાર્યરત હોવા જોઈએ. અમેરિકામાં ૭૦% તબીબો ભારતીય છે, જેમાં આપણાં  ગુજરાતમાંથી એક પણ તબીબ નહીં હોય! નાસામા ૪૦% ભારતીયો છે કે જેઓ વૈજ્ઞાનિક તરીકે ફરજ બનાવે છે જેમાંથી આપણાં  ગુજરાતમાંથી એક પણ વૈજ્ઞાનિક આર્થિક લાલસાનો ભોગ બનીને રાજ્યને પોતાની સેવાઓથી વંચિત નહીં રાખે. સરકારશ્રી પણ આ બાબતે સચેત રહીને ગુજરાતના યુવાધનને સાચવી રાખી નમૂનારૂપ કામગીરી બનાવતા હોવા જોઈએ.

ગુજરાતની ઊર્જા શક્તિ વિષે કલ્પના કરીએ  તો દેશની ઈંધણ રાજધાની તરીકે ગુજરાત રાજ્ય ઊભરતું હોવું જોઈએ. તમામ ગામડાઓમાં લોકોની જરૂરત માટે વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ. તેલ અને કુદરતી વાયુમાં સંશોધનમાં મોટા પાયે સાહસો ખોલવા જોઈએ. ગુજરાતની જળશક્તિની કલ્પના કરીએ  તો રાજ્યના તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધી હોવી જોઈએ. રાજ્ય સરકાર ભૂમિગત જળભંડાર અને વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક અભિગમથી કાર્ય કરતા હોવા જોઈએ. રાજ્યના ખેડૂત ભાઈઓ અદ્યતન સિંચાઈ તકનીકનો ઉપયોગ કરી મબલખ પાક રળતા હોવા જોઈએ. રાજ્યની મુખ્ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ થવું જરૂરી છે. ખેડૂતો જળસંચય માટે રાજ્યમાં ખેતતલાવડીઓનું નિર્માણ કરે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ આ સંચય કરેલા જળનો ઉપયોગ કરી મબલખ ઉત્પાદન મેળવતા હોવા જોઈએ.

ભાષા એ આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે, ગુજરાતના તમામ બાળકોને માતૃભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવી જ જોઈએ. આપણાં  ગુજરાતમાં માતૃભાષાનું મહત્વ સૌ સમજતા હોવા જોઈએ અને એને માન આપતા હોવા જોઈએ. ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ ઉક્તિને પ્રમાણ માનીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ, જ્ઞાતિ, રિવાજ મુજબ બોલાય છે, તે સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ. વડીલો કુટુંબમાં ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રસાર માટે કાર્યરત હોવા જોઈએ. ગુજરાતની સંસ્કૃતિ સમાન ગુજરાતી ભાષાનું આપણે સૌ માન સન્માન જાળવીએ. ગુજરાતમાં રમતો માટેના સ્વતંત્ર સંગઠનો તેમજ રાષ્ટ્રીય સંગઠનો કાર્ય કરે કે જે રમતોની હરિફાઈઓનું આયોજન કરી તેના પ્રશિક્ષણમાં પણ કાર્ય કરે એમ થવું જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ હરીફાઈઓમાં ગુજરાતના ખેલાડીઓ શ્રેષ્ઠ કૌશલ દર્શાવી શકે તે માટે તેમને તાલીમ આપવાના કાર્યક્રમોનો અમલ થવો જોઈએ. શાળા સ્તરે પણ ખેલાડીઓને રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. મહિલાઓને સ્વરક્ષણ પ્રશિક્ષણ અને છાત્રવૃત્તિ આપીને તેમના કૌશલ્યને પ્રોત્સાહન આપવું જોઈએ. રમતો માટે ઇન્ડોર અને આ ઉટડોર સુવિધાઓ ઉભી કરવી જોઈએ.

કવિશ્રી નર્મદે ગુજરાતની ગાથા ગાતા ખૂબ જ સુંદર પંક્તિઓની રચના કરી છે,

જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત, જય! જય! ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત, જય! જય! ગરવી ગુજરાત!

તો આવો, સાથે કદમ મેળવી, શ્રેષ્ઠતમ કામ કરી, ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઈ જઈએ, અને તેને માટે આપને સહિયારા પ્રયાસોથી કામ કરીએ! ગુજરાતને ગમતું ગુજરાત બનાવીએ. ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના.

આ પણ વાંચો : પાટણનો થશે વિકાસ : રૂ.140.68 કરોડના કાર્યોની જાહેરાત : સીએમે નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન