ગુજરાતના ગાયકોથી લઈને કલાકારોને ઘણી વખત તેમની પોતાની લોકચાહના જોઈને રાજકારણમાં પડવાની ઇચ્છા થઈ આવે છે. તેના કારણે તેઓ ઝંપલાવી પણ દે છે, પરંતુ તેઓ ઉતરે છે પછી તેમને ખબર પડે છે કે અહીં છબછબીયા કરવાથી ચાલે તેમ નથી, રીતસર ઊંડા પાણીમાં ઉતરવું પડે તેમ છે. ઊંડા પાણીમાં ઉતરવા જતાં ડૂબી જવાનો ભય રહે છે અને એક રાજકીય પક્ષમાંથી ઉતરો અને બીજા રાજકીય પક્ષમાંથી તેમના જૂના મડદા ઉખેડવામાં આવે છે અને તેના કારણે લોકચાહના ગુમાવવાનું જોખમ પણ રહે છે.
આમ છતાં ગુજરાતના રાજકારણમાં ઠાકોર સમાજમાંથી ઢોલીવૂડના અભિનેતા વિક્રમ ઠાકોર રાજકારણમાં ઉતરવાનો સંકેત પાઠવી ચૂક્યા છે. ગમે ત્યારે તે ઢોલનગારા સાથે રાજકારણમાં ઉતરશે તો કોઈને આશ્ચર્ય નહી થાય. ઢોલીવૂડના સુપરસ્ટાર તરીકે વિક્રમ ઠાકોરે અપાર ચાહના મેળવી છે. ગુજરાતી ફિલ્મોને તેમણે ખરાબમાં ખરાબ સમયમાં જીવંત રાખી છે. હવે તે રાજકારણમાં ઠાકોર સમાજના રાજકીય પ્રતિનિધિત્વમાં પ્રાણ ફૂંકવા માંટે આવવા ઇચ્છે છે. તેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કે વિધાનસભા ચૂંટણીમાં તે ઝંપલાવે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આવા જ બીજા કલાકાર છે લોકગાયક દેવાયત ખવડ. તેઓ તેમની કામગીરી ઉપરાંત વિવાદમાં રહેવા માટે જાણીતા છે. તાજેતરમાં એક વિવાદમાં તેમણે જેલના સળિયા ગણવાનો વારો પણ આવ્યો છે. જો કે પછી સમાધાન થઈ જતાં બહાર નીકળી ગયા હતા, આમ છતાં તેઓ રાજકારણમાં ઝંપલાવવા માટે ઉત્સુક છે. તેઓ ગમે ત્યારે ભાજપની ટિકિટ પરથી ચૂંટણીના જંગમાં મેદાનમાં ઉતરે તેમ માનવામાં આવે છે. જો કે વિવાદોમાં સપડાવવામાં તેમની ટેવ અને કાયદો હાથમાં લેવાની તેમની ટેવ પક્ષને ભારે પડી શકે છે.
આવા જ એક કલાકાર વિજય સુંવાળા છે. તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પણ પછી તેમને લાગ્યું કે આ રાજકીય પક્ષ માફક નહીં આવે, તેના કારણે તેમણે પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપ આમ પણ ઉગતા શત્રુને જ ડામવો તેનું પાલન કરતાં આમ આદમી પાર્ટીને તોડવામાં લાગેલુ હતુ, તેના ભાગરૂપે તેમને લઈ લીધા હતા. એક સમયે તો તે ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની બેઠક પરથી પ્રબળ દાવેદાર પણ મનાતા હતા. જો કે તે આમ આદમી પારટીમાં જોડાયા તેના કારણે તેમના પ્રશંસકો નારાજ થઈ ગયા હતા. તે પ્રશંસકોના દબાણના કારણે ભાજપમાં ગયા પણ ખરા, પરંતુ પછી મારપીટના કેસમાં તેમની સંડોવણીના કારણે તે હવે રાજકારણમાંથી સદંતર બહાર થઈ ગયા, તેમને રાજકારણમાંથી ફેંકાઈ ગયા તેમ જ કહી શકાય. આ બતાવે છે કે રાજકારણ તેને માફક ન આવ્યું.
ગુજરાતના આ સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવીને પણ એક સમયે રાજકારણી થવાના અભરખા ઉપડ્યા હતા. તેમને હતું કે તેના કારણે તેમને જબરદસ્ત નામના મળશે, પરંતુ બન્યું સદંતર ઉલટુ જ. તેમણે જાહેર સભામાં ભાજપની નેતાગીરી અને નીતિઓનો પ્રચાર કરવા લાગતા લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. લોકોએ જણાવ્યું હતું કે તમે ડાયરાના કલાકાર છો તો ડાયરાના જ કલાકાર રહો. રાજકારણમાં તમારી કલાનો ઉપયોગ ન કરો, નહીં તો ડાયરાના પણ નહીં રહો કે રાજકારણના પણ નહીં રહો. આ બોધપાઠ પછી કીર્તિદાન ગઢવી રાજકારણથી અંતર રાખતા થઈ ગયા છે અને ફક્ત ડાયરા જ કરે છે.
ગુજરાતની આ જાણીતી ગાયિકા કાજલ મહેરિયાને પણ રાજકારણમાં કલરવ કરવાની ઇચ્છા હતી. આ માટે તેણે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસે ટિકિટ પણ માંગી હતી, પરંતુ તેમનો મેળ પડ્યો ન હતો. આમ છતાં તે આજે પણ ભાજપના પક્ષના કાર્યક્રમોમાં અને સરકારી કાર્યક્રમોમાં નિયમિત રીતે હાજરી આપે છે અને ભાજપના આગેવાનોને મળતી રહી છે, ક્યાંક ટિકિટનો મેળ પડી જાય તેવી તેમને હજી પણ આશા છે.
આ ઉપરાંત ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક જિજ્ઞેશ કવિરાજે એક સમયે અપક્ષ ચૂંટણી લડવા ફોર્મ પણ ભર્યુ હતુ, પરંતુ પછી આ ફોર્મ તેમણે પરત ખેચી લીધુ હતુ. આ ફોર્મ તેમણે કેમ પરત ખેંચ્યુ તેને લઈને અનેક રહસ્યોના વમળ છે, ઘણાનું માનવું છે કે શાસક પક્ષના દબાણના કારણે તેમણે ફોર્મ પરત ખેંચ્યુ. જો કે તે સતત આનો ઇન્કાર કરતાં આવ્યા છે. જિજ્ઞેશ કવિરાજને તે સમયે દેવાયત ખવડ સહિત બીજા ઘણા ગાયકો અને કલાકારોએ ટેકો પણ આપ્યો હતો, પરંતુ પછી તેમણે ફોર્મ પરત ખેંચ્યા પછી જાણે રાજકારણની દિશા જ ભૂલી ગયા હોય તેવી સ્થિતિ છે.
માયાભાઈ આહિરે પણ રાજકારણમાં સીધો તો નહીં પરોક્ષ રીતે ઝંપલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવારોને 2017ની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત તે રાજકીય આગેવાનોનો પ્રચાર કરતાં પણ જોવા મળ્યા છે. તેમનો પુત્ર જયરાજ આહિર રાજકારણમાં કાઠું કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હાલમાં તો તે નવનીત બાલધિયાને મારવાના વિવાદમાં સપડાયેલો છે અને આમાંથી જો તે સફળતાપૂર્વક બહાર આવે તો તે રાજકારણનો પ્રથમ કોઠો સર કરી લેશે. તેને પિતાના કલાકાર તરીકે બેકગ્રાઉન્ડનો અને રાજકીય આગેવાનો સાથેના સારા સંબંધોનો લાભ ઉઠાવીને રાજકારણમાં પ્રવેશ કરવો છે.
કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા, આ કહેવત ગુજરાતી કલાકારોના કિસ્સામાં બરોબરની સાચી પડતી લાગે છે. તેઓને એમ હોય છે કે તેમની ફેનક્લબ તેમને ચૂંટણી જીતાડશે, પરંતુ રાજકારણમાં ઝંપલાવે ત્યારે તેમને સમજાય છે કે અહીં કંઈ તેમની મરજી ચાલે તેમ નથી. બધુ જ પક્ષની લાઇન મુજબ કરવું પડે તેમ છે. ગમે તેવી બાબતને પક્ષની લાઇનદોરીમાં ફીટ કરીને લોકો સાથે સંવાદ કરવાની કળા હોય તો જ રાજકારણી બની શકાય. ડાયરા જુદી વસ્તુ છે અને રાજકારણ જુદી વસ્તુ છે. આ બધુ સમજાય ત્યારે તેમને ખબર પડે છે આ તો આગ સાથેની રમત છે. જો તેમા ઝંપલાવીશું તો દાઝીશું જ, તેથી તેઓ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે તેમ તેને દૂરથી નમસ્કાર કરે છે.
આ પણ વાંચો: પરિવારના વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય, મેવાણીને શક્તિસિંહનો જવાબ
આ પણ વાંચો: કોંગ્રેસમાં કિરીટ પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે વર્ગવિગ્રહ પરાકાષ્ઠાએ
આ પણ વાંચો: મહેશ વસાવા ભાજપનો ‘ટેસ્ટ’ કરી આવ્યા હતા, હવે કોંગ્રેસનો ‘સ્વાદ’ ચાખેઃ છોટુભાઈ વસાવાનો કટાક્ષ

