Gujarat News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા (Gujarat Rain Alert)વધવાની આગાહી કરી છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર (Red Alert Gujarat) કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
Gujarat Rain Alert: 29 અને 30 જુલાઈએ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના અનુમાન મુજબ 29 અને 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ‘વેધર વૉચ ગ્રુપ’ની (Weather Watch Group) બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોમાસાની પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
તમામ વિભાગોને તાત્કાલિક એક્શન માટે તૈયાર રહેવાની સૂચના
રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરીને તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રહેવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરીને બચાવ કામગીરી માટે જરૂરી તમામ વ્યવસ્થા અગાઉથી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
જર્જરિત બિલ્ડિંગ અને હોર્ડિંગ્સ દૂર કરવા આદેશ
ભારે વરસાદ અને તેજ પવનથી અકસ્માત ટાળવા માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જર્જરિત ઇમારતો, જોખમી હોર્ડિંગ્સ અને બેનરો તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી જાનહાનિ અને મિલકતને નુકસાન ટાળી શકાય.
કાચા મકાનો અને મજૂર વર્ગ પર ખાસ ધ્યાન
તંત્રને સૂચના આપવામાં આવી છે કે હવામાનની ચેતવણી સામાન્ય લોકો, ખાસ કરીને કાચા મકાનોમાં રહેતા લોકો, ઝૂંપડપટ્ટી વિસ્તારો અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચે તેની ખાતરી કરવામાં આવે. આવા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
રાજ્યમાં વરસાદની વિષમ સ્થિતિ પર સરકારની નજર

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે રાજ્યમાં વરસાદની અત્યંત વિષમ સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ છે, જ્યારે વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં લગભગ 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ધોળકામાં માત્ર બે કલાકમાં આશરે 20 ઈંચ વરસાદ પડ્યો હોવાનો પણ ઉલ્લેખ કરીને તેમણે તમામ વિભાગોને સતત સતર્ક રહેવા જણાવ્યું.
હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સંભવિત પૂર પહેલાં જ તંત્ર દ્વારા અંદાજે 53,600થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને અન્ય બચાવ દળોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું રાહત કમિશનરે જણાવ્યું.
બચાવ દળો અને વિભાગો હાઈ એલર્ટ પર
વરસાદની આગાહીને પગલે NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, કૃષિ, વન અને મહેસૂલ વિભાગ સહિત તમામ સંકળાયેલા વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે કોઈપણ આપત્તિની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવી છે.
આ પણ વાંચો: વિકાસ કે વહીવટી બેદરકારી? ભાવનગર-ગીર સોમનાથમાં કરોડોના કામો સામે વિરોધનો સૂર
આ પણ વાંચો: DGVCLની મેગા કામગીરી! ભારે વરસાદ બાદ 1,000થી વધુ ગામોમાં વીજ પુરવઠો શરૂ
આ પણ વાંચો: ગુજરાતમાં અતિવૃષ્ટિનો મોટો ફટકો! 10 હજાર કરોડથી વધુના નુકસાનનો અંદાજ, કેન્દ્ર પાસે વિશેષ રાહત પેકેજની માગ
