Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી છ દિવસ (Gujarat Rain Forecast) સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. વરસાદી માહોલને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
18 જુલાઈના આંકડા મુજબ કંડલા 37 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ડીસા અને ભુજમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને અમરેલીમાં (Gujarat Rain Forecast) તાપમાનમાં સૌથી વધુ 1.8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.
રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી, કુલ સંગ્રહ 40 ટકા પાર
રાજ્યમાં ચોમાસું સક્રિય બનતાં નર્મદા સહિતના (Narmada Dam) જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,25,754 એમસીએફટી (MCFT) જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે, જે તેની કુલ ક્ષમતાના 67.57 ટકા જેટલો છે. ડેમની જળસપાટી હાલમાં 418.93 ફૂટ પર પહોંચી છે અને તેમાં આશરે 36,800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.નર્મદા સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 2,27,464 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 40.77 ટકા જેટલો છે.
રાજ્યના 6 ડેમ સંપૂર્ણ ભરાયા

સતત વરસાદને કારણે રાજ્યના છ ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. તેમાં અમરેલીના ધાતરવડી ડેમ, અમરેલીના સૂરજવડી ડેમ ભાવનગરનો રોઝકી ડેમ, ભાવનગરનો શેત્રુંજી ડેમ, સુરેન્દ્રનગરનો વનસલ ડેમ, તાપીનો દોસવાડા ડેમ નો સમાવેશ થાય છે.
11 ડેમ હાઈ એલર્ટ પર
જળસપાટી સતત વધી રહી હોવાથી (Gujarat Dams Water Level) રાજ્યના ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા ડેમોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.હાલની સ્થિતિ મુજબ 11 ડેમ ‘હાઈ એલર્ટ‘ પર, 3 ડેમ ‘એલર્ટ’ પર, 13 જળાશયો ‘વોર્નિંગ’ પર રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો મહીસાગરનો વણાકબોરી ડેમ 97.80 ટકા, છોટાઉદેપુરનો સુખી ડેમ 72.45 ટકા, પંચમહાલનો પાનમ ડેમ 54.02 ટકા, મહેસાણાનો ધરોઈ ડેમ 46.15 ટકા અને દક્ષિણ ગુજરાતનો મહત્વપૂર્ણ ઉકાઈ ડેમ (Ukai Dam) 39.85 ટકા ભરાઈ ચૂક્યો છે.
પીવાના અને સિંચાઈના પાણી માટે રાહત
રાજ્યના જળાશયોમાં (Dams Water Level) વધતા પાણીના જથ્થાને કારણે આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સતત વરસાદ અને ડેમોમાં વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે નદી કાંઠા અને હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Gujarat Rain: સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, વેસુમાં SMC સામે વિરોધ
આ પણ વાંચો: મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષા પલટી જતા માસૂમનું મોત
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલો: 9નાં મોત બાદ સંચાલકો સામે FIR, ગેરકાયદે ચાલતી વધુ બે ફેક્ટરી સીલ
