અમદાવાદ: સાબરકાંઠા જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સ પુલ પરથી ખાબકી હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠામાં હિંમતનગરના સરવણા ગામ પાસે નેશનલ હાઇવે 8 ઉપર રાજસ્થાનથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ વહેલી સવારે પુલ પરથી ખાબકી હતી. આ ઘટનામાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસને પણ જાણ થતાં પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બસમાં સવાર લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
રાજસ્થાનથી અમદાવાદ જતી હતી ટ્રાવેલ્સ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સરવણા ગામ પાસે નેશનલ હાઇવે -8 ઉપર એક ખાનગી ટ્રાવેલ્સની બસ નંબર RJ-35- PA- 0999 ને અકસ્માત નડ્યો હતો. જેમાં આજે બુધવારે વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ સરવણા ગામ પાસે આવેલા પુલ પરથી પસાર થઇ રહી હતી.
જોકે, આ સમયે ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ પુલ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ ઉપર પહોંચીને મુસાફરોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર અને ગાભોઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસમાં આશરે 30થી 35 મુસાફરો હતા
રાજસ્થાન આરટીઓ પાસિંગની આ ખાનગી ટ્રાવેલ્સ બસમાં આશરે 30થી 35 મુસાફરો સવાર હતા. આ અકસ્માતના પગલે ટ્રાવેલ્સમાં સવાર તમામ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. જેમાંથી 15 મુસાફરોને વધારે ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત પાંચ મુસાફરો એવા છે કે તેમની હાલત વધારે નાજુક છે. આ મુસાફરોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે બાકીના મુસાફરોને પ્રાથમિક સારવાર આપીને પોતાના ઘરે મોકલી અપાયા છે.
ક્રેઇનની મદદથી બસને બહાર કાઢવામાં આવી
સ્થાનિક લોકો અને પોલીસની મદદથી પુલ પરથી નીચે ખાબકેલી ટ્રાવેલ્સની બસના મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરોના રેસ્ક્યુ કરાયા બાદ ક્રેઇનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાના પગલે નેશનલ હાઇવે -8 ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.