Poshan Pakhwada 2026 Gujarat: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ને જનઆંદોલન બનાવવાની દિશામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. તાજેતરમાં 9 થી 23 એપ્રિલ, 2026 દરમિયાન ઉજવાયેલા 8મા ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત ગુજરાતે દેશભરમાં ચોથો ક્રમ મેળવીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યે કુપોષણ સામેની જંગમાં પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

આંકડાકીય સિદ્ધિ, Gujaratનું મોટું યોગદાન
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલના નેતૃત્વમાં આ પખવાડિયા દરમિયાન રાજ્યભરમાં 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં ભારત સરકારના ડેટા મુજબ રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77 ટકા રહ્યું છે. આ અભિયાનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે સૌથી વધુ 33.91 લાખ પ્રવૃત્તિઓ કરીને સિંહફાળો આપ્યો છે, જ્યારે આરોગ્ય, શિક્ષણ અને પંચાયત જેવા 18થી વધુ વિભાગોએ પણ સક્રિય સહભાગીદારી નોંધાવી છે.
વર્ષ 2026ની થીમ: “મગજનો શ્રેષ્ઠ વિકાસ”
સામાન્ય રીતે આપણે પોષણને માત્ર શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડીએ છીએ, પરંતુ આ વર્ષે ગુજરાતે ‘સ્વાસ્થ્ય માટે પોષણ’થી એક ડગલું આગળ વધીને મગજના વિકાસ પર ભાર મૂક્યો છે.
બાળકના મગજનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થાય છે. આથી, વર્ષ 2026ના પોષણ પખવાડિયાની થીમ “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો” રાખવામાં આવી હતી.

અભિયાનના 5 મુખ્ય સ્તંભ
અભિયાનને સફળ બનાવવા માટે મુખ્ય પાંચ પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા માતાનો યોગ્ય આહાર અને સ્તનપાન એટલે કે ‘માતૃ આહાર’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સંવાદ અને રમત દ્વારા બાળકના મગજમાં મજબૂત જોડાણો બનાવવા માટે ‘સ્નેહ અને રમત’ તેમજ આંગણવાડીઓમાં રમતગમત દ્વારા બાળકોને પ્રાથમિક શાળા માટે તૈયાર કરવા ‘પૂર્વ શિક્ષણ’ જેવી બાબતોનો સમાવેશ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત બાળકોમાં વધતા મોબાઈલ અને ટીવીના વપરાશને ઘટાડવા વાલીઓમાં જાગૃતિ લાવવા માટે ‘સ્ક્રીન ટાઈમમાં ઘટાડો’ કરવા પર ભાર મુકાયો હતો, તેમજ લોકભાગીદારી અને CSR દ્વારા આંગણવાડીઓને વધુ સુવિધાજનક બનાવી ‘આધુનિક આંગણવાડી’ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
ઘર-ઘર સુધી પહોંચ્યો સંદેશ
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ‘પોષણ પંચાયતો’, ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા અને સામૂહિક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ પખવાડિયાની આ સફળતા દર્શાવે છે કે ગુજરાત કુપોષણ મુક્ત બનીને આવતીકાલના તેજસ્વી ભવિષ્યનું નિર્માણ કરવા માટે સજ્જ છે.
આ પણ વાંચો:સ્માર્ટ સિટીમાં હવે આંગણવાડીઓ પણ બનશે સ્માર્ટ, 386 કેન્દ્રોનું નવીનીકરણ
આ પણ વાંચો:રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા સરકારે કર્યો નિશ્ચય !
આ પણ વાંચો:રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા 100 %, રાજ્યમાં કુલ 53,065 આંગણવાડીઓ
