Gujarat News: ગુજરાત રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા લાખો શિક્ષકો હાલ પગાર (Gujarat Teachers Salary ) વિલંબના મુદ્દે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાજ્યભરમાં વસ્તી ગણતરી સહિતની વિવિધ સરકારી કામગીરી વચ્ચે શિક્ષકોના વેતન સમયસર ન થતાં શિક્ષક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના અંદાજે 2 લાખ પ્રાથમિક અને અન્ય શિક્ષણ વિભાગના કર્મચારીઓને પગાર (Gujarat Teachers Salary) ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે અનેક શિક્ષકોના પરિવારના માસિક બજેટ પર સીધી અસર પડી છે.
Gujarat Teachers Salary :પગાર મોડા થતાં રોષ
તાજેતરમાં રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે 63,184 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક બજેટ જાહેર કર્યું હતું. શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓના આધુનિકીકરણ માટે અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, બીજી તરફ શિક્ષકોને સમયસર વેતન ન મળતા શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી અંગે પ્રશ્નો ઉભા થયા છે.
પગાર મોડો થવાના કારણે ઘણા શિક્ષકોના હોમ લોન, કાર લોન અને અન્ય બેંક હપ્તાઓ સમયસર ભરાઈ શકતા નથી. જેના કારણે દંડ, વધારાના વ્યાજ અને આર્થિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક શિક્ષકો આર્થિક મુશ્કેલીઓ સાથે માનસિક તણાવ પણ અનુભવી રહ્યા છે.
શિક્ષકો માત્ર વર્ગખંડમાં ભણાવવાની જ કામગીરી કરતા નથી, પરંતુ તેમને વિવિધ સરકારી યોજનાઓ, ડેટા એન્ટ્રી, સર્વે કામગીરી, વસ્તી ગણતરી, મધ્યાહ્ન ભોજન વ્યવસ્થા અને ચૂંટણી સંબંધિત જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. બિન-શૈક્ષણિક કામગીરીના વધતા ભાર વચ્ચે પગાર (Gujarat Teachers Salary ) વિલંબની સમસ્યાએ શિક્ષક વર્ગમાં અસંતોષ વધાર્યો છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગોનું માનવું છે કે શિક્ષકોને સમયસર વેતન મળે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. કારણ કે શિક્ષકોની આર્થિક સ્થિરતા અને માનસિક શાંતિ સીધી રીતે શિક્ષણની ગુણવત્તા સાથે જોડાયેલી છે.હાલ શિક્ષક સંગઠનો અને શિક્ષણજગતમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે અને વેતન ચુકવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:કરાર આધારિત તબીબી શિક્ષકોના પગારમાં 30થી 55 ટકાનો વધારો
આ પણ વાંચો:ફિક્સ પગાર મેળવતા શિક્ષકોના પગારમાં રૂા.5થી11000 સુધીનો વધારો
આ પણ વાંચો:ફિક્સ વેતનધારક શિક્ષકોને મળી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભેટઃ પગારમાં થયો નોંધપાત્ર વધારો
