Gujarat Universal Affidavit Format: ગુજરાતમાં સરકારી યોજનાઓ, દાખલાઓ અને વિવિધ સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ (સોગંદનામાં) કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના ભાગરૂપે ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય ‘યુનિવર્સલ એફિડેવિટ’ (Universal Affidavit) નું નવું સમાન ફોર્મેટ જાહેર કર્યું છે. હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય, પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં આ એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય રાખવામાં આવશે.
Universal Affidavit : વિવિધ એફિડેવિટની ઝંઝટ પૂરી; સમય અને નાણાં બચશે
અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો દ્વારા અપાતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ, જાતિ-આવકના દાખલાઓ કે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોએ અનેક પ્રકારના જુદા-જુદા લખાણવાળા સોગંદનામાં રજૂ કરવા પડતા હતા. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાને કારણે બિનજરૂરી જટિલતા ઊભી થતી હતી, નોટરી અને સ્ટેમ્પ પેપરના ચક્કરમાં સામાન્ય જનતાનો કિંમતી સમય તેમજ નાણાં વેડફાતા હતા અને વહીવટી પ્રક્રિયામાં પણ મોટો વિલંબ થતો હતો.
નાગરિકોને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ આપવા માટે સરકારે આ વહીવટી સુધારો કર્યો છે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશન, જન સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે.

Universal Affidavit : ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ફોર્મેટ ઉપલબ્ધ
સરકારના કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલું આ સત્તાવાર ફોર્મેટ નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ નવો નિયમ ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) તેમજ તમામ એટીડીવીટી (ATVT) અને જન સેવા કેન્દ્રો ખાતે પણ સમાન રીતે અમલી બનશે, જેથી ઓનલાઇન અરજી કરનારા અરજદારોને ફોર્મ અપલોડ કરવામાં મોટી સુવિધા મળશે.
આ સાથે જ સરકારે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના જૂના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર ‘સ્વઘોષણા’ (Self-Declaration) ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. એટલે કે જ્યાં સોગંદનામાની જરૂર નથી, ત્યાં સરકારી કચેરીઓ અરજદારો પાસે બળજબરીથી એફિડેવિટ માંગી શકશે નહીં.
આ પણ વાંચો: સરકારી યોજનાઓનો લાભ લેવાનો અનોખો પ્રયાસ, અહીં અગણિત નકલી અંગૂઠા મળી આવ્યા
આ પણ વાંચો: સરકારી યોજનાના કામની ફાઈલ પાસ કરાવા લાંચ લેતા આશિસ્ટંટ વર્ક મેનેજર ઝડપાયો
આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ પર નવું અપડેટ, પરિણીત યુગલો માટે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે નવી શરત
