વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નવનિયુકત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજેજી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ ખાતે પ્રવાસમાં આવી રહયા છે. જેના અંતર્ગત તેમને સન્માનવા માટે વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર પ્રેરિત નાગરિક અભિવાદન સમિતિ દ્વારા આવતીકાલે રવિવારે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ વિષ્ણુ સદાશિવ કોકજેજી તા. 3 જૂનને આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. જેના અંતર્ગત રાજકોટની નાગરિક અભિવાદન સમિતિ અને વિવિધ-સંસ્થા-મંડળો તેમજ સમાજ દ્વારા તેમને સન્માનવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ત્રીજી જૂનને આવતી કાલે રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન ગુરૃકુળ ગોંડલ રોડ ખાતે તેમને સન્માનવાનો અને અભિવાદનનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે દેવકૃષ્ણદાસજી સ્વામી (મહંત, સ્વામીનારાયણ ગુરૂકુળ), ત્યાગવલ્લભદાસજી સ્વામી (યોગીધામ), અપૂર્વમુની સ્વામી (બીએપીએસ), અક્ષરવલ્લભદાસજી સ્વામી (કોઠારી સ્વામી, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર), કોઠારી સ્વામી, નિલકંઠ સ્વામી(મહાપૂજા ધામ, રાજકોટ), પરમાત્માનંદજી મહારાજ (આર્ષવિદ્યામંદિર-મુંજકા), ડો. જેન્તીભાઇ ભાડેશીયા(આર.એસ.એસ. પશ્ચિમક્ષેત્ર સંઘચાલકજી, ડો. સુરેન્દ્ર જૈન (વિશ્વ હિન્દુ પરિષદ, કેન્દ્રીય સંયુકત મહામંત્રી) ઉપસ્થિત રહેશે.
નાગરિક અભિવાદન સમિતિના હરીભાઇ ડોડીયા, શાંતુભાઇ રૃપારેલીયા, મોલેશભાઇ ઉકાણી(બાનલેબ), ડો. જૈમનભાઇ ઉપાધ્યાય(મેયર, રાજકોટ), ડો. અમલાણી, રમેશભાઇ ટીલાળા, શિવલાલભાઇ પટેલ, નલીનભાઇ વસાએ વિવિધ સંસ્થાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિષ્ણુ સદાશિવ કોકજેજી ઇન્દોર મધ્ય પ્રદેશના વતની છે, ૭૯ વર્ષના કોકજેજીનો જન્મ તા. ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના દાહી તાલુકાના કુકસી ગામમાં થયો હતો. તેમણે ઇન્દોરની હોલકર કોલેજથી બી.એ. કર્યુ હતું. ત્યારબાદ સમાજ શાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ઇન્દોરમાંથી જ લો કર્યું હતું અને ત્યારબાદ ૧૯૬૪માં વકીલાત શરૂ કરી હતી.