Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેએ રાજ્યમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેને પગલે ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, હાલમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થયા છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 4 એપ્રિલ સુધી રાજ્યભરમાં મધ્યમથી ભારે માવઠું પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

Weather Forecast: ક્યાં અને ક્યારે પડશે વરસાદ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ ગંભીર આગાહી કરતા જણાવ્યું છે કે, 12 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 48 કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ પર તોળાઈ રહેલા મોટા સંકટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે 3 એપ્રિલની આસપાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર (દ્વારકા, જામનગર, રાજકોટ) અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે. અહીં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે કરા પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા), મધ્ય ગુજરાત (વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ) અને દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી જોવા મળશે.
મે મહિનામાં વાવાઝોડા અને હીટવેવનો ખતરો
એક તરફ એપ્રિલના પહેલા પખવાડિયામાં વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમી અંગે પણ અંબાલાલ પટેલે ચોંકાવનારી વાત કરી છે. 20 એપ્રિલથી ગરમીનો પારો ઊંચકાશે અને 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, મે મહિનામાં અરબી સમુદ્રમાં એક સિવિયર સાયક્લોન (ભારે વાવાઝોડું) સક્રિય થવાની પણ શક્યતા છે. જોકે, આ વાવાઝોડાની દિશા ઓમાન તરફ રહે તેવી પ્રાથમિક સંભાવના છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદ, પવન અને ગાજવીજની ચેતવણી
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આફત! 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
