Not Set/ એક વિવાહ ઐસા ભી: અડધું અંગ ગુમાવનાર મંગેતરને બનાવશે અર્ધાંગની

જામનગર, આજના જમાનામાં નાની નાની વાતોમાં છુટાછેડા આપી દેતા યુગલો માટે ઉદાહરણરૂપ એક કિસ્સો જામનગરથી આવ્યો છે.આ અત્યંત હ્રદયસ્પર્શી સ્ટોરીમાં મરણપથારી સુધી પહોંચી ગયેલી મંગેતરને છોડી દેવાને બદલે તેની સાથે જનમ જનમ સુધી સાથે રહેવાનું વચન આપી યુવકે લાખો લોકોના હ્રદય જીત્યાં છે. જામનગરના ડબાસણા ગામમાં રહેતી 18 વર્ષની હીરલ વડગામાની સગાઇ 28 માર્ચે ચિરાગ […]

Top Stories Gujarat Others
dsgvgdfv 9 એક વિવાહ ઐસા ભી: અડધું અંગ ગુમાવનાર મંગેતરને બનાવશે અર્ધાંગની

જામનગર,

આજના જમાનામાં નાની નાની વાતોમાં છુટાછેડા આપી દેતા યુગલો માટે ઉદાહરણરૂપ એક કિસ્સો જામનગરથી આવ્યો છે.આ અત્યંત હ્રદયસ્પર્શી સ્ટોરીમાં મરણપથારી સુધી પહોંચી ગયેલી મંગેતરને છોડી દેવાને બદલે તેની સાથે જનમ જનમ સુધી સાથે રહેવાનું વચન આપી યુવકે લાખો લોકોના હ્રદય જીત્યાં છે.

જામનગરના ડબાસણા ગામમાં રહેતી 18 વર્ષની હીરલ વડગામાની સગાઇ 28 માર્ચે ચિરાગ ભાડેશિયા સાથે થઇ હતી.સગાઇ બાદ હીરલ અને ચિરાગ ખુબ ખુશ હતા અને બાકીની જીંદગી સાથે વીતાવવા માટે આતુર હતા.જો કે વિધીના લેખ કંઇક અલગ લખાયા હતા.

ગત 11 મેના રોજ બપોરે હીરલ પોતાના ઘરનું રોજીંદુ કામ કરી રહી હતી ત્યારે આ કરૂણ ઘટના બની ગઇ હતી.ભીનું પોતું સૂકવવા હીરલ બારીમાં ગઈ અને સૂકવવા હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ મોટો હાઈટેન્શન વાયર તૂટી અને હીરલના હાથ પર પડ્યો હતો.આ વાયરમાં એટલો ભારે કરંટ હતો કે હીરલ ત્યાંજ પછડાઇ હતી.હીરલના હાથ પગમાં કરંટ લાગતા તેને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ લઇ જવી પડી હતી.

જો કે જીજી હોસ્પિટલમાં હીરલની યોગ્ય સારવાર નહીં થતાં તેને અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં શીફ્ટ કરવી પડી હતી.અહીં દાખલ થતાં જ હીરલના પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

અમદાવાદ સીવીલ હોસ્પિટલના તબીબોએ હીરલનો જમણો હાથ અને બંને પગના ઢીંચણ કાપવાની સલાહ આપી હતી.હીરલના જાનને જોખમ હોવાથી તેનું તાત્કાલિક ઓપરેશન કરીને હાથ અને ઢીંચણ કાપવા પડ્યા હતા.

હીરલને એક હાથ અને બે પગ ગુમાવવો પડ્યો તેમાં તેના માતા-પિતાના માથે તો જાણે આભ તૂટી પડ્યું. હીરલની સગાઇ બે મહિના પહેલાં જ થઇ હોવાને કારણે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આખી જિંદગી જેની સેવા-ચાકરી કરવી પડે તેવી છોકરી સાથે તેનો મંગેતર સંસારમાં ડગ માંડશે કે કેમ તે પ્રશ્ન થઈ ગયો હતો.

પરંતું સમાજ માટે દાખલો બેસે તેવી રીતે ચિરાગે હીરલનો હાથ ના છોડ્યો એટલું જ નહીં તેની સાથે લગ્ન કરવાના નિર્ણય પર પણ મક્કમ રહ્યો હતો.ચિરાગ કહે છે કે જો અમારા લગ્ન થઈ ગયા હોત અને મારા ઘરે જ આ ઘટના બની હોત તો શું હું હીરલને તરછોડી દેવાનો હતો? મારી જવાબદારી ત્યારે હોય તો અત્યારે પણ બને જ છે. હું તેનો આખી જિંદગી સાથ આપીશ.

હીરલને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ચિરાગ તેનાથી એક પળ માટે પણ દૂર નથી થયો. છેલ્લા એકાદ મહિનાથી હોસ્પિટલની સામે જ રૂમ ભાડે રાખી ચિરાગ હીરલની ખડેપગે સેવા કરી રહ્યો છે.

ચિરાગ અને હીરલની આ હ્રદયસ્પર્શી સ્ટોરી સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહી છે.આજે હજારો લોકો ચિરાગના પ્રેમની દુહાઇ દઇ રહ્યાં છે.ચિરાગ કહે છે કે અમારી કહાની સાંભળી બીજા લગ્નો તુટતા અટકે તો હું માનીશ કે અમારૂ જીવન સાર્થક થયું.