Gujarat Weather News: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ કેટલાય વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ગરબાની મઝા બગડી શકવાની સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેવો અંદાજ છે.અમદાવાદ, જસદણ, ખેડાના નડિયાદ, અમરેલી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણ ઠંડું થયું છે.
ભાવનગર શેત્રુજી ડેમની સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં ડેમમાં બે ફૂટ આવક થઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફલો થાય છે. વરસાદથી ફરી શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. શેત્રુજી ડેમ 80 ટકા ભરતા પાલીતાણા અને તળાજાના ગામોમાં એલર્ટ મૂકાયુ છે. પાલીતાણાના પાંચ અને તળાજાના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે.

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું. ભવનાથ અને દામોદરકુંડમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદ થયો હતો. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.
