Gujarat News : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજની હાલની સ્થિતિને લઈ એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. દેત્રોજ તાલુકામાં પાટીદાર (Patidars)સમાજની ઘટતી સંખ્યા અને ગ્રામ પંચાયત સ્તરે ઘટતી ભાગીદારી અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
બોતેર ચુંવાળ કડવા પાટીદાર (Patidars)પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે સમાજને સંબોધતા કહ્યું હતું કે, આજના સમયમાં રોજગાર અને વ્યવસાય માટે મોટા પાયે લોકો ગામડાં છોડીને શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ગામડાંમાં પાટીદાર (Patidars)સમાજની સંખ્યા સતત ઘટી રહી છે.
‘25 ગામો છતાં માત્ર એક જ સરપંચ’
હાર્દિક પટેલે કહ્યું કે, દેત્રોજ તાલુકામાં કુલ 25 ગામો હોવા છતાં પાટીદાર (Patidars)સમાજમાંથી માત્ર એક જ સરપંચ હોવો એ ગંભીર ચેતવણી છે. ખાસ કરીને ગ્રામ પંચાયતના સ્તરે પાટીદાર સરપંચોની સંખ્યા ઘટવી એ સમાજ માટે ચિંતા જનક બાબત છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો ગામડાં નબળાં બનશે તો સમગ્ર સમાજ પણ નબળો પડી જશે.
શહેરમાં રહો, પરંતુ મતદાન ગામડાંમાં જ રાખજો
ધારાસભ્ય હાર્દિક પટેલે શહેરમાં વસતા પાટીદાર (Patidars)પરિવારોને અપીલ કરતા કહ્યું કે, ભલે રોજગાર કે વ્યવસાય માટે શહેરમાં વસતા હો, પરંતુ તમારું મતદાન ગામડાંમાં જ રાખજો. ગામડાં સાથેનો સંબંધ તૂટશે નહીં તો સમાજની મૂળ ઓળખ અને એકતા પણ જળવાઈ રહેશે.
દીકરી મુદ્દે સંવેદનશીલ સંદેશ
દીકરીઓના મુદ્દે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, “દીકરી લક્ષ્મી છે” એવું માત્ર બોલવામાં નહીં પરંતુ વર્તનમાં પણ દેખાવું જોઈએ. દીકરીના શિક્ષણ, કારકિર્દી અને ભવિષ્ય માટે સંપત્તિ જેટલી જ ગંભીરતા અને આયોજન જરૂરી છે. માત્ર ઇનામો આપવાથી દીકરીઓ આગળ નહીં વધે, પરંતુ તેમને સ્પષ્ટ લક્ષ્ય અને યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે.
સ્નેહ મિલન કાર્યક્રમોથી વધે એકતા
હાર્દિક પટેલે ગામડાંમાં વધુ ને વધુ સ્નેહ મિલન કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી. આવા કાર્યક્રમોથી સમાજમાં એકતા મજબૂત બને છે, નવી પેઢી પોતાના મૂળ સાથે જોડાય છે અને સામાજિક પ્રશ્નો પર ખુલ્લી ચર્ચા શક્ય બને છે.
‘મજબૂત ગામડાં, જાગૃત સમાજ અને શિક્ષિત દીકરીઓ’
અંતમાં હાર્દિક પટેલે કહ્યું કે, મજબૂત ગામડાં, જાગૃત સમાજ અને શિક્ષિત દીકરીઓ – આ ત્રણ આધારસ્તંભો પર પાટીદાર સમાજનું ભવિષ્ય ટકેલું છે. જો આજથી જ આ દિશામાં વિચાર અને કાર્ય નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં સમાજને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
