Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ (Heavy Rain)નોંધાયો છે, જ્યારે આજે સવારે માત્ર એક કલાકમાં જ થલતેજ અને સાયન્સ સિટી (Science city)સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસાદને કારણે શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 19.85 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય વરસાદના લગભગ 55.14 ટકા જેટલો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સાયન્સ સિટીમાં 0.55 ઇંચ, કઠવાડામાં 0.47 ઇંચ અને સરખેજમાં 0.43 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 6થી 7 વાગ્યાના માત્ર એક કલાક દરમિયાન થલતેજમાં 1.69 ઇંચ અને સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
સવારે એક કલાક દરમિયાન ચાંદલોડિયામાં 1.08 ઇંચ, મેમનગરમાં 1.04 ઇંચ, બોડકદેવમાં 1.02 ઇંચ, રાણીપમાં 0.77 ઇંચ, બાકરોલમાં 0.71 ઇંચ, અસારવામાં 0.61 ઇંચ, ઉસ્માનપુરામાં 0.59 ઇંચ અને જોધપુર વિસ્તારમાં 0.57 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન બોપલ અને મક્તમપુરા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોન સહિત સમગ્ર શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
પોણા ઇંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર

અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદે પણ ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી દીધી હતી. એસ.જી. હાઇવેના થલતેજ સર્વિસ રોડ પર કારના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું. ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા. ચાંદલોડિયા રોડ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ નજીક ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી હતી. સ્ટર્લિંગ સિટી (સેક્ટર A અને B)માં વરસાદી પાણી ઘરો સુધી પહોંચતાં રહીશોએ ઘરનો સામાન અને ફર્નિચર સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં બે ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી
અમદાવાદમાં પડેલા માત્ર બે ઇંચ વરસાદે શહેરની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી.

વરસાદી પાણી ભરાવાને કારણે બાળકોને શાળાએ મોકલવામાં વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતાં લોકો ઘરોમાંથી બહાર નીકળવામાં પણ પરેશાની અનુભવી રહ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે અનેક રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા અને સમસ્યાના નિરાકરણ માટે કોઈ તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી નહોતી.
વરસાદી પાણી ગંદકી સાથે ભળી જતાં રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવા, પાણીના ઝડપી નિકાલ માટે પગલાં લેવા અને દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
11 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત કુલ 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું છે.
30 જુલાઈથી ફરી ભારે વરસાદનો દોર
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 30 જુલાઈથી રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. વહીવટી તંત્રે પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા
સતત વરસાદ (Heavy Rain)ને કારણે પાણીના નિકાલ માટે વાસણા બેરેજ ખાતે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ બેરેજની સપાટી 123.00 ફૂટ નોંધાઈ છે. સંત સરોવરમાંથી 2,083 ક્યુસેક પાણીની આવક સામે 2,252 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના સરળ નિકાલ માટે વાસણા બેરેજના 25થી 28 નંબર સુધીના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
ભારે વરસાદ વચ્ચે શાળાઓ અંગે DEOનો મહત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં સતત વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે, ત્યાંના સંચાલકો અને આચાર્યોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા (Students Safety)ને પ્રાથમિકતા આપીને નિર્ણય લેવા જણાવાયું છે.
જો વિદ્યાર્થીઓના ઘરે જવાના માર્ગ પર પાણી ભરાવા અથવા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હોય તો શાળાઓને વહેલી રજા આપવાનો નિર્ણય લઈ શકાય છે. જોકે, તે પહેલાં વાલીઓને તાત્કાલિક જાણ કરવી અને દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે પહોંચે તેની સંપૂર્ણ જવાબદારી શાળા તંત્રે નિભાવવાની રહેશે.
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દરેક વિસ્તારની સ્થિતિ અલગ હોઈ શકે છે, તેથી સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખીને જ યોગ્ય નિર્ણય લેવામાં આવે. વિદ્યાર્થીઓની સલામતી (Students Safety)ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો તંત્રએ પુનરોચ્ચાર કર્યો છે.
