Gujarat News : હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જોકે શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે. એ બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સુરતના ઉમરપાડામાં અઢી ઇંચ અને નર્મદાના સાગબારામાં પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
22 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. માત્ર 2 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબકી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 16 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં NDRFની 12 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે 24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. આ આગાહીના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે. અમીરગઢ, ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.
ઉનાળુ સિઝનમાં વાવેલી મગફળીનો તૈયાર પાકોમાં નુકસાન થવાની ભીતિ છે.જાંબુઘોડામાં ગતરાત્રે 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો છે. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વીરપુર, બાલાસિનોર તેમજ ખાનપુર તાલુકામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.છોટા ઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી જોજવા આડબંધ ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા.

જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. તેમજ જીવના જોખમે લોકો સેલ્ફી અને ફોટા પાડી રહ્યા હતા. બીજી તરફ વહીવટીતંત્ર આ મામલે અજાણ હોવાનું જણાઈ રહ્યું છે.છોટા ઉદેપુરમાં નસવાડીના કૂકરદાથી માંકડાઆંબા વચ્ચે આવેલા કોતરમાં પાણી વહેતા થયા હતા. જે પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો, શાળાના બાળકો, શિક્ષકો તેમજ આંગણવાડી કાર્યકરોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે.કુકરદા માંકડાઆંબા વચ્ચે વર્ષોથી આ સમસ્યા હોવા છતાં વહીવટીતંત્ર નિંદ્રાધીન હોવાનું જણાઈ રહ્યું છે.
સ્થાનિક આગેવાન દ્વારા જણાવ્યું કે, અમે અવારનવાર રજૂઆતો કરી છે છતાં સમસ્યા હલ થઈ નથી. જે ખુબ જ દુઃખદાયક બાબત છે. નદીની સામે બાજુ રહેતા લોકોને તો વરસાદ રહેશે ત્યાં સુધી 108ની પણ સુવિધા નહીં મળે, અને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી પડશે. એટલે વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.છોટા ઉદેપુર જિલ્લામાં ગત રાત્રે પડેલ ભારે વરસાદ અને સુખીડેમમાંથી છોડવામાં આવેલા 2 હજાર ક્યૂસેક પાણીને કારણે ભારજ નદીમાં પુર આવ્યા હતા. જેને લઇને ભારજ નદી પર રૂ.4 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં એક કરતાં વધુ ઠેકાણે ભુવા પડ્યા છે.

જેને લઇને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ડાયવર્ઝન સંપૂર્ણ બંધ કરી દેવાનાઈ સૂચના અપાતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું કે, ડાયવર્ઝન ઉપર ગાબડા પડ્યા છે. જેને લઇને હાલ ડાયવર્ઝન બંધ કર્યું છે અને સ્ટ્રકચરલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડાયવર્ઝન બંધ રાખવાની માહિતી આપી હતી. રિપોર્ટ આવ્યેથી આગળની નિર્ણય લેવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
