Ahmedabad News : નારોલમાં નજીવી બાબતના ઝઘડામાં ફાયરિંગ થતા આ વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બનાવ બનતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ છે. ગઇકાલે 15થી વધુ પિસ્તોલ તથા જીવતી કારતૂસ જપ્ત કરી છે. તેમ છતાં નારોલમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. બાઇક સાઇડમાં હટાવવા જેવી નજીવી બાબતે માથાભારે તત્ત્વોએ બુલેટ પર તલવાર મારીને વિસ્તાર બાનમાં લીધો હતો.
પોલીસનો ડર હવે રહ્યો નથી એવું લાગી રહ્યું છે, કારણ કે ગઇકાલે(20 જૂન) આરોપી અકરમ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ હોવા છતાંય તેમને ફાયરિંગની ઘટનાને અંજામ આપીને આંતક મચાવ્યો હતો. અકરમ સહિતના લોકોએ જે પથ્થરમારો કર્યો એમાં શાહબાઝે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. શાહબાઝે ફરિયાદ નોંધાવી દીધા બાદ અકરમ સહિતના લોકો ગિન્નાયા હતા અને હથિયાર તેમજ તલવાર લઇને દોડી આવ્યા હતા. અકરમ શાહબાઝનું બુલેટ ઓળખતો હોવાથી તેણે તલવારના ઘા ઝીંકવાના ચાલુ કરી દીધા હતા.
બુલેટ પર તલવાર મારીને તોડી નાખ્યું હતું અને પછી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.નારોલ વિસ્તારમાં આવેલા એ-વન નગરમાં રહેતા શાહબાઝખાન પઠાણે નારોલ પોલીસ સ્ટેશનમાં અકરમ ઉર્ફે શેરુ અંસારી, સોહિલ અંસારી, મોહમદ નૂરુદ્દીન અને ઇમરાન વિરુદ્ધ ફાયરિંગ, ધાકધમકી અને હુમલાની ફરિયાદ કરી છે. શાહબાઝખાન પઠાણને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામમાં ઇંટોનો ભઠ્ઠો છે. શાહબાઝ જાહીદખાન, માતા નૂરબેગમ, મોટો ભાઇ હમદ નવાઝ અને નાના ભાઇ મુજાહિદઅલી, પત્ની ગોસિયા અને સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. ગુરુવારે(19 જૂન) બપોરે શાહબાઝખાન પઠણ તેના મિત્રો સાથે બાગે હસન પાસે આવેલી એવન હોટલ ખાતે હાજર હતો. ત્યારે તેના ભાઇ મુજાહિદનો ફોન આવ્યો હતો.
મુજાહિદ ફોન પર કહેવા લાગ્યો હતો કે આપણી સોસાયટીની અંદર જવાના રસ્તા પર અકરમ ઉર્ફે શેરુ અંસારી અને સોહિલ અંસારી બાઇક લઇને ઊભા હતા, જેમને સાઇડમાં હટાવવાનું કહેતાં બબાલ કરવા લાગ્યો હતો.આ ઘટના બાદ ગઇકાલે રાત્રે અકરમ ઉર્ફે શેરુ અંસારી, સોહિલ, મોહમદ નૂરુદ્દીન અને ઇમરાન હથિયારો લઇને શાહબાઝના ઘર પાસે આવ્યા હતા. ચારેય માથાભારે તત્ત્વોએ ગાળો બોલવાની શરૂ કરી હતી અને પોતાની ધાક જમાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ગિન્નાયેલાં તત્ત્વોએ તલવારોથી શાહબાઝખાનનું બુલેટ તોડી નાખ્યું હતું. શાહબાઝે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. જ્યારે ફાયરિંગથી દહેશત ફેલાઈ ગઈ હતી. ફાયરિંગની જાણ થતાં નારોલ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો પણ આવી પહોચી હતી. શાહબાઝની ફરિયાદના આધારે નારોલ પોલીસે અકરમ અંસારી સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાંની સાથે જ એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, જ્યાં તેમને ફૂટેલી કારતૂસ પણ મળી હતી.શાહબાઝના ઘરનું રિનોવેશન ચાલુ હતું, જ્યારે મુજાહિદ ઇલેક્ટ્રિકના વાયરો લેવા માટે બુલેટ લઇને ગયો હતો. વાયરો લઇને મુજાહિદ પરત આવ્યો ત્યારે સોસાયટીના ગેટ પર અકરમ સહિતના લોકો બેઠા હતા. મુજાહિદે બાઇક સાઇડમાં હટાવી દેવાનું કહેતાં અકરમે તેને ઉડાવ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તું આ બાઇક સાઇડમાં હટાવીને જતો રહે. મુજાહિદે તેને કહ્યું હતું કે તારી બાઇક છે તો તું હટાવી લે.
આટલી વાતમાં અકરમ સહિતના લોકોએ મુજાહિદ સાથે મારઝૂડ કરી હતી. મુજાહિદને ગડદાપાટુનો માર મારતાં તે બચીને પોતાના ઘરે આવી ગયો હતો અને તેના ભાઇ શાહબાઝને સમગ્ર હકીકત જણાવી હતી.આ મામલે ફરિયાદી શાહબાઝે જણાવ્યું હતું કે જ્યારે મારા ભાઇને માર મારવામાં આવ્યો ત્યારે હું મિત્રો સાથે અકરમને સમજાવવા માટે ગયો હતો. હું તથા મારા બીજા મિત્રો અકરમના ઘર પાસે ગયા ત્યારે તેમણે પથ્થરમારો કરી દીધો હતો. અકરમ અને તેની ગેંગે અમારી ઉપર ઇંટોથી હુમલો કરી દેતાં અમે ભાગી ગયા હતા.
આ મામલે અકરમ સહિતના લોકો વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આવ્યા છીએ.ઉલ્લેખનીય છે કે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. કેટલાક લોકો પોતાના બદઇરાદા પાર પાડવા માટે હથિયાર લઇને ફરતા હોય છે, જેમને ઝડપી લેવા માટેનું એક અભિયાન શરૂ થયું છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ના થાય એ માટે ક્રાઇમ બ્રાંચ, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ, એટીએસ, એસએમસી અને સ્થાનિક પોલીસ એલર્ટ છે. પોલીસની તમામ એજન્સીઓને નાની-મોટી સફળતા મળી છે અને છેલ્લા એક મહિનામાં અંદાજિત 15થી વધુ હથિયારો સાથે ટપોરીઓને ઝડપી લીધા છે. પોલીસે 15 પિસ્તોલ અને જીવતી કારતૂસ ઝડપી લીધી છે.
આ પણ વાંચો:NEETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ
આ પણ વાંચો:મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: સુપ્રીમકોર્ટે CBI તપાસ માંગતી અરજી દાખલ કરી
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
