Ahmedabad News: અમદાવાદમાં નવરાત્રિમાં રાત્રિના સમયે પણ ટ્રાફિક મોટાપાયા પર જોવા મળે છે. આ સમયે નવરાત્રિમાં ટ્રાફિક અને અકસ્માતને ટાળવા માટે ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે લીધેલા આ મહત્વના નિર્ણય મુજબ નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે, એસ.જી હાઇવે પર ત્રણ ક્લબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને અનેક ફાર્મહાઉસમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય તેવું અનુમાન છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભારે વાહનોને એસ.જી હાઇવે પર રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાતના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિ.મીના ભાગમાં તહેવાર દરમિયાન ભારે ભીડ થવાની સંભાવના છે.

હાલમાં કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઇ અને 500 પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રમ માટે આ રસ્તા પર તૈનાત કરવામાં આવશે. આમ અમદાવાદમાં નવરાત્રિ પહેલાં જ પોલીસની કુમક ટ્રાફિકમાં લાગી જશે. તેમા પણ જરૂર પડે તો ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે વધુને વધુ પોલીસ કુમક બોલાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

ચૌધરીનો દાવો છે કે નવરાત્ર દરમિયાન એસજી હાઇવેનો ટ્રાફિકજામથી મુક્ત રાખવો બહુ મોટો પડકાર છે અને આ વખતે આ પડકાર ટ્રાફિક પોલીસના બેડાએ સુપેરે પાર પાડવાનો છે. તેથી ભારે વાહનોને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો છે. આ ભારે વાહનોમાં લક્ઝરીઓનો પણ સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે. તેથી સૌરાષ્ટ્ર તરફથી આવતી લક્ઝરીઓએ કમસેકમ નવરાત્રિના દસ દિવસ રાત્રના સમયે શહેરમાં એન્ટ્રી ન મળે તો આશ્ચર્ય ન પામવું જોઈએ. તેઓએ અત્યારથી જ તેમના પિકિંગ અને ડ્રોપિંગની વ્યવસ્થા કરવી પડે તેમ માનવામાં આવે છે. જો આમ થશે તો સૌરાષ્ટ્રથી આવતા મુસાફરોએ શહેરની બહાર જ ઉતરવું પડશે.
આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે
આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી
