“હેલો ગણપતિ બાપા……..
સાંભળો છો ને?”
આજે કંઈ માંગવા માટે ફોન નથી કર્યો ગણપતિ બાપા……
આજે બસ મન થોડું થાકી ગયું છે,
એટલે વિચાર્યું કે તમને વાત કરી લઉં……
બાપા,
કેટલીક વાતો એવી હોય છે ને,
જે કોઈ માણસને કહી શકાતી નથી……
કારણ કે શબ્દો કહીએ તો પણ સામેવાળો કદાચ આપણી લાગણી સમજી ન શકે.
પણ તમે તો ગણપતિ બાપા…….
મારા શબ્દો પહેલાં મારું મન વાંચી લો છો.
મારી જિંદગીમાંથી જે ગયું છે,
એ પાછું જોઈએ છે કે નહીં…….
એ પણ હવે ખબર નથી.
પણ જે કંઈ થયું છે, એમાંથી હું તૂટી નહીં જાઉં એટલી શક્તિ જરૂર આપજો.
ગણપતિ બાપા…
જે સંબંધો સાચા હોય એને સાચવવાની સમજ આપજો, જે સંબંધો મારા નથી એને છોડવાની હિંમત આપજો, અને જે દુઃખને હું આજે પણ હૃદયમાં લઈને ફરું છું, એને ધીમે ધીમે સ્વીકારી શકું એવી શાંતિ આપજો.
મને કોઈ સામે જીતવું નથી ગણપતિ બાપા મારે બસ મારી જાતને ફરી જીતવી છે.
મારા ચહેરા પર ફરી એ જ નિર્દોષ સ્મિત લાવજો, મારા મનમાંથી આ ભાર થોડો ઓછો કરજો, અને એક દિવસ હું અરીસામાં જોઉં ત્યારે મને ફરી મારી જ ઓળખ દેખાય એટલું જ કરજો.
અને હા ગણપતિ બાપા……
જો ક્યારેક હું ફરી કંઈ ખોટું માંગું ને,
તો મારી વાત માનતા નહીં મારા માટે જે સાચું હોય એ જ આપજો.
હવે મને સમજાયું છે દરેક ઈચ્છા પૂરી થવી જરૂરી નથી, કેટલીક ઈચ્છાઓ અધૂરી રહીને પણ આપણે સંપૂર્ણ બનાવી જાય છે.
ગણપતિ બાપા…..
હવે ફોન મુકું છું.
પણ એક વાત યાદ રાખજો હું તમને રોજ ફોન નહીં કરું, પણ મારા દરેક મૌનમાં
તમારી સાથે વાત કરતી રહીશ.
ગણપતિ બાપા મોરિયા
મારા તમારા આપણા બધા ના
ગણપતિ બાપા મોરિયા
~પીંકલ ભટ્ટ
