IND Vs NZ/ ભારતીય ટીમનાં 16 બેટ્સમેન જેમણે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી, અહી જુઓ તેમની યાદી

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા શ્રેયસ અય્યરે માત્ર ભારતીય ઇનિંગને સંભાળી જ નહીં પરંતુ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને નવો ઈતિહાસ પણ રચ્યો.

Mantavya Exclusive
16 બેટ્સમેનની ડેબ્યૂ સદી

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા શ્રેયસ અય્યરે માત્ર ભારતીય ઇનિંગને સંભાળી જ નહીં પરંતુ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને નવો ઈતિહાસ પણ રચ્યો. આ સાથે શ્રેયસ અય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાનો 16મો બેટ્સમેન બન્યો છે. અય્યરે પ્રથમ ઇનિંગમાં 13 ચોક્કા અને 2 છક્કાની મદદથી 105 રન બનાવ્યા હતા. ઐયરની ઇનિંગની મદદથી ભારત પ્રથમ ઇનિંગમાં 345 રન બનાવી શક્યું હતું. આ સાથે અય્યર આ સિદ્ધિ મેળવનારો ભારતનો 16મો અને વિશ્વનો 112મો ખેલાડી બન્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટને રમતની કરોડરજ્જુ માનવામાં આવે છે. આ પહેલું ફોર્મેટ હતું જે પહેલીવાર માર્ચ 1877માં રમાયું હતું અને પછીનાં કેટલાક વર્ષોમાં દરેક દેશનાં ખેલાડીઓ આ ફોર્મેટ દ્વારા આ રમતને સમજી શક્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં આ ફોર્મેટની પ્રથમ સદી ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન ચાર્લ્સ બેનરમેને ફટકારી હતી. તેમણે મેચની પ્રથમ ઇનિંગમાં 169 (નોટ આઉટ) રન બનાવ્યા હતા.

ડેબ્યૂ ટેસ્ટમાં સદી
ડેબ્યૂ ટેસ્ટમાં સદી

ત્યારથી આ ફોર્મેટમાં સદીઓની શ્રેણી શરૂ થઈ. આ પછી ઘણા એવા ખેલાડીઓ હતા જેમણે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. ભારતનાં 16 ખેલાડીઓ એવા છે જે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહ્યા છે. આજે આપણે આ લેખમાં આ 16 ખેલાડીઓ વિશે જાણીશું.

ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16 ભારતીય બેટ્સમેનોની યાદી

લાલા અમરનાથ (1933)

લાલા અમરનાથ

લાલા અમરનાથ ભારત માટે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન હતા. તેમની ટેસ્ટ કારકિર્દીમાં તેમની માત્ર એક સદી છે, જે તેમણે ડિસેમ્બર 1933માં મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. આ મેચમાં લાલા અમરનાથે ભારતની બીજી ઇનિંગમાં 21 ચોક્કાની મદદથી 118 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડે 9 વિકેટે પરાજય આપ્યો હતો.

દીપક શોદન (1952)

દીપક શોધન

ડિસેમ્બર 1952માં ભારતીય બેટ્સમેન દીપક શોદને પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં શોદનનાં બેટથી સદી નિકળી હતી. તેમણે ભારતની પ્રથમ ઇનિંગમાં 15 ચોક્કાની મદદથી 110 રન બનાવ્યા હતા. શોદને તેની ત્રણ મેચની ટેસ્ટ કારકિર્દીમાં સદીની મદદથી 181 રન બનાવ્યા હતા.

એજી ક્રિપાલ સિંઘ (1955)

એજી ક્રિપાલ સિંઘ

એજી ક્રિપાલ સિંહે નવેમ્બર 1955માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં તેમણે પ્રથમ ઇનિંગમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઇનિંગ્સમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હોતી. આ મેચમાં કોઇ પરિણામ આવ્યુ નહોતુ. ક્રિપાલ સિંહ પોતાની કારકિર્દીમાં 14 મેચ રમી શક્યો હતો. જેમાં તેણે 28.10ની એવરેજથી 422 (એક સદી, બે અડધી સદી) રન બનાવ્યા હતા.

અબ્બાસ અલી બેગ (1959)

અબ્બાસ અલી બેગ

અબ્બાસ અલી બેગ પણ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં માત્ર એક જ સદી ફટકારી શક્યા હતા. તેમણે આ સદી તેમની પ્રથમ મેચ (જુલાઈ 1959) ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. આ મેચમાં બેગે બંને ઇનિંગમાં કુલ 138 (પહેલી 26, બીજી 112) રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમને 171 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

હનુમંત સિંહ (1964)

હનુમંત સિંહ

હનુમંત સિંહે તેમની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1964માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જેમાં તેમણે 16 ચોક્કાની મદદથી ભારત તરફથી પ્રથમ 105 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.

ગુંડપ્પા વિશ્વનાથ (1969)

ગુંડપ્પા વિશ્વનાથ

ગુંડપ્પા વિશ્વનાથે તેની 91 ટેસ્ટ મેચ કારકિર્દીમાં 14 સદી અને 15 અડધી સદીની મદદથી 6080 રન બનાવ્યા હતા. વિશ્વનાથે નવેમ્બર 1969માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જેમાં તેમની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી વિશ્વનાથ (137)નાં બેટથી ફટકારી હતી. આ મેચ ડ્રો રહી હતી.

સુરિન્દર અમરનાથ (1976)

સુરિન્દર અમરનાથ

સુરિન્દર અમરનાથની ક્રિકેટ કારકિર્દી લાંબી ન હતી. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 13 (10 ટેસ્ટ, 3 ODI) મેચ રમી હતી. જાન્યુઆરી 1976માં ન્યૂઝીલેન્ડ સામે તેમની ટેસ્ટ ડેબ્યૂ કરતાં અમરનાથે ભારતની બીજી ઇનિંગમાં 16 ચોક્કા અને 1 છક્કાની મદદથી 124 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

મોહમ્મદ અઝહરુદ્દીન (1985)

મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર આઠમો ભારતીય ખેલાડી રહ્યો હતો. જાન્યુઆરી 1985માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પદાર્પણ કરતા અઝહરુદ્દીને મેચની પ્રથમ ઈનિંગમાં ભારત માટે 110 રન બનાવ્યા હતા.

પ્રવીણ આમરે (1992)

પ્રવીણ આમરે

પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સદી ફટકારનાર પ્રવિણ આમરેએ નવેમ્બર 1992માં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ રમી હતી. આ મેચમાં અમરેએ ભારતની પ્રથમ ઇનિંગમાં 103 રનની સદી ફટકારી હતી, જેમાં આમરેએ 11 ચોક્કા ફટકાર્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.

સૌરવ ગાંગુલી (1996)

સૌરવ ગાંગુલી

ભારતનાં ક્રિકેટ ઈતિહાસનાં સૌથી સફળ કેપ્ટનોમાં આવતા, સૌરવ ગાંગુલી પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડીઓમાં આવે છે. ગાંગુલીએ જૂન 1996માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ આ મેચમાં 131 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જોકે, આ મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

વિરેન્દ્ર સેહવાગ (2001)

વિરેન્દ્ર સેહવાગ

ભારતીય ટીમનાં ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે નવેમ્બર 2001માં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે ભારતની પ્રથમ ઇનિંગમાં 105 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે બીજી ઇનિંગમાં તે માત્ર 31 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટે હરાવ્યું હતું.

સુરેશ રૈના (2010)

સુરેશ રૈના

સુરેશ રૈનાએ તેની પ્રથમ ટેસ્ટ મેચ (જુલાઈ, 2010)માં શ્રીલંકા સામે ભારતની પ્રથમ ઇનિંગમાં 12 ચોક્કા અને 2 છક્કાની મદદથી 120 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચ ડ્રો રહી હતી. રૈનાએ અત્યાર સુધી પોતાના ટેસ્ટ કરિયરમાં માત્ર એક જ સદી ફટકારી છે જે આ મેચમાં આવી હતી.

શિખર ધવન (2013)

શિખર ધવન

શિખર ધવન હાલમાં ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. જોકે, ધવને તેની પ્રથમ ટેસ્ટ મેચ માર્ચ 2013માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં તેણે ભારતની પ્રથમ ઇનિંગમાં 187 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

રોહિત શર્મા (2013)

રોહિત શર્મા

અત્યારે સફેદ બોલની ક્રિકેટમાં રોહિત જેવો ખતરનાક બેટ્સમેન અન્ય બીજી કોઈ ટીમ નથી. રોહિતે નવેમ્બર 2013માં કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં રોહિતે 177 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં રોહિતના બેટમાંથી 23 ચોક્કા અને 1 છક્કો માર્યો હતો. આ મેચમાં ભારતે વિન્ડીઝને ઇનિંગ્સ અને 51 રને હરાવ્યું હતું.

પૃથ્વી શો (2018)

પૃથ્વી શો

યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ટેસ્ટ મેચથી કરી હતી. જેમાં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની સદી ફટકારી હતી. ભારતે આ મેચ 1 ઇનિંગ અને 272 રને જીતી લીધી હતી અને પૃથ્વીને તેની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો હતો.

શ્રેયસ ઐયર (2021)

શ્રેયસ ઐયર

આ યાદીમાં યુવા બેટ્સમેન શ્રેયસ અય્યર 16માં નંબર પર છે. શ્રેયસ અય્યરે કાનપુર ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરતા 105 રન બનાવ્યા હતા.