Election/ ભાજપનાં ૨૨૦ ઉમેદવારો બીનહરિફ – દેશની સૌથી જૂની પાર્ટી માટે ગુજરાતમાં શરમજનક ઘટનાનો સીલસીલો

મહાનગર, નગર, તાલુકા અને જિલ્લા પંચાયતના મળી ૨૨૦ સત્તાધારી પક્ષના ઉમેદવારો બીનહરિફ ચૂંટાય તે મુખ્ય વિપક્ષની હિમાલય જેવડી ભૂલ નથી તો શું છે ? આવું જ ચૂંટણી મેનેજમેન્ટ હોય તો કોંગ્રેસ રહીત ભારત કેમ નથું જોઇએ ? છે કોઇ કારણ…

Mantavya Exclusive Gujarat Assembly Election 2022 Politics
congress 4 ભાજપનાં ૨૨૦ ઉમેદવારો બીનહરિફ - દેશની સૌથી જૂની પાર્ટી માટે ગુજરાતમાં શરમજનક ઘટનાનો સીલસીલો

મહાનગર, નગર, તાલુકા અને જિલ્લા પંચાયતના મળી ૨૨૦ સત્તાધારી પક્ષના ઉમેદવારો બીનહરિફ ચૂંટાય તે મુખ્ય વિપક્ષની હિમાલય જેવડી ભૂલ નથી તો શું છે ? આવું જ ચૂંટણી મેનેજમેન્ટ હોય તો કોંગ્રેસ રહીત ભારત કેમ નથું જોઇએ ? છે કોઇ કારણ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં આ વખતે જે કાંઈ બન્યું, જેવું બન્યું તેવું ક્યારેય બન્યું નથી. આટલી મોટી સંખ્યામાં માત્રને માત્ર શાસક પક્ષના ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હોય અને વિરોધ પક્ષના ઉમેદવારોએ કાં તો ફોર્મ ન ભર્યા હોય, કાં તેમના ફોર્મ મોટી સંખ્યામાં રદ થયા હોય અથવા તો ઘણા સ્થળે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હોય તેવું ભાગ્યે જ બન્યું છે. જ્યારે આ વખતે આવું ઘણું બન્યું છે. રાજ્યના છ મહાનગરોની ૫૭૬ બેઠકોની ચૂંટણીમાં પણ ફોર્મ રદ થવાના કે ફોર્મ પાછુ ખેંચવાના બનાવો બન્યા જ છે અને તેના કારણે અમદાવાદ, મહાનગરપાલિકાની એક બેઠક વિના ચૂંટણીએ ભાજપને મળી ગઈ છે. ૨૮મી ફેબ્રુઆરીએ મતદાન છે તે ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની ૨૪, તાલુકા પંચાયતોની ૧૧૦, નગરપાલિકાઓની ૮૫ બેઠકો કેન્દ્ર અને રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપને બિનહરિફ મળી ગઈ છે. જ્યાં પક્ષના નિશાનો વગર ચૂંટણી લડાય છે તે ગ્રામ પંચાયતોમાં સમરસ એટલે કે બિનહરીફ થાય તે તો સમજ્યા કે તેમાં સમરસ થનારી ગ્રામપંચાયતોને ગ્રાંટ પણ મળે છે. નાનકડુ ગામ હોય છે, પરંતુ ઘણા શહેરોનાં મોટા વોર્ડમાં બેઠક બિનહરીફ થાય તે તો વધુ ચિંતાજનક બાબત છે.

himmat thhakar ભાજપનાં ૨૨૦ ઉમેદવારો બીનહરિફ - દેશની સૌથી જૂની પાર્ટી માટે ગુજરાતમાં શરમજનક ઘટનાનો સીલસીલો

બે પાલિકામાં ચૂંટણી લડ્યા પહેલા જ કોંગ્રેસ પરાસ્ત

ભાજપનો દાવો અને સત્તાવાર આંકડા જે જાહેર થયા છે, તે પ્રમાણે નગરોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની કડી નગરપાલિકામાં ૩૨માંથી ૨૧ બેઠકો બિનહરિફ મળતા ત્યાં અત્યારથી જ ભાજપની સત્તા નિશ્ચિત થઈ છે. જ્યારે સૌરાષ્ટ્રની ઉના નગરપાલિકામાં પણ ૩૬માંથી ૨૬ બેઠકો બિનહરિફ ભાજપને મળી જતા ત્યાં પણ ભગવો લહેરાયો છે. કડી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું વતન છે, ત્યાં આવું થાય તે તો સમજ્યા. પરંતુ જ્યાં વિધાનસભાની બેઠક સતત ત્રણ ચૂંટણીથી કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસનાં પુંજાભાઈ વંશ જ્યાંથી પાંચ વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. તે વિધાનસભાની ઉના મત વિસ્તારમાં આવેલી ઉના નગરપાલિકામાં કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે કે ફોર્મ રદ થવાના કે અમુક વોર્ડોમાં ઉમેદવારો ફોર્મ નહિ ભરવાના કારણોસર વિપક્ષની આબરૂનું ધોવાણ થાય અને સત્તાધારી પક્ષના હાથમાં ચૂંટણી પહેલાં જ બહુમતી બેઠકો આવી જાય તે શું સૂચવે છે ?

પાલિતાણા એક શરમ જનક બનાવ

પાલીતાણા નગરપાલિકામાં જે બનાવ બન્યો તે તો શરમની પરાકાષ્ટા સમો છે. ૩૨ ઉમેદવારોના મેન્ડેટ ફાડી નાખવાનો બનાવ બને તેમાંય કોંગ્રેસના ૩૨ ઉમેદવારોના મેન્ડેટ આક્ષેપ થાય છે તે પ્રમાણે કોંગ્રેસના જ અસંતુષ્ટો ફાડી નાખે અને પછી પક્ષને હાઈકોર્ટમાંથી આદેશ લાવી નવા મેન્ડેટ સાથે ફોર્મ પાસ કરાવવા પડે તે કેટલી શરમજનક બાબત કહેવાય.

Politics / રાહુલ ગાંઘી કોંગ્રેસ પ્રમુખ નહીં, તો શું આ નેતા જેવા વફાદારની શોધમાં છે સોનિયા ગાંધી ?

ભૂતકાળનાં શરમસાર બનાવો

૧૩૪થી વધુ વર્ષ જૂના પક્ષ માટે તો આ સૌથી વધુ શરમજનક બાબત કહેવાય. ભૂતકાળમાં એટલે કે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે વિસાવદરની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારનું આખેઆખું ફોર્મ ફાડી નાખવાનો બનાવ બન્યો હતો. આ પણ એક શરમજનક ઘટના જ હતી. જ્યારે ૧૯૮૦ની વિધાનસભાની ચૂંટણી સમયે હાલના પોરબંદર અને તે વખતના કુતિયાણાની બેઠક પરના કોંગ્રેસી ઉમેદવાર બિનહરીફ થયા હતા. ત્યારે પણ ભાજપ અને અન્ય પક્ષના ઉમેદવારને ચૂંટણી મેદાનમાંથી હટાવવા માટે જે દબાણનીતિ અપનાવાઈ હતી તે પણ એક શરમજનક ઘટના જ હતી. ભલે તે વખતે ગુજરાતમાં સરકાર માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસની રચાઈ હતી અને કુતિયાણામાંથી બિનહરિફ ચૂંટાયેલા મહંત વિજયદાસજી રાજ્યમાં કેબિનેટ કક્ષાના પ્રધાન પણ બન્યા હતા તે અલગ વાત છે.

ડમીએ આબરુ જાળવી પણ ડમી જ ન હોય તો…

બોટાદ જિલ્લા પંચાયતમાં વિવિધ કે વહીવટી ભાષામાં કહીએ તો ટેક્નીકલ કારણોસર કોંગ્રેસના ૧૮ જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થયા અને તેમાંની સાત બેઠકો તો ભાજપે સંપૂર્ણપણે બિનહરીફ મળી પણ ગઈ. આ કોઈ જેવી તેવી વાત તો નથી જ. અવશ્ય નોંધ લેવા જેવી વાત છે. ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ એવા કારણોસર રદ થયું કે જેના મેન્ડેટમાં અટક ખોટી લખાઈ હતી. જો કે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં આવું ઘણી જગ્યાએ બન્યું છે. જ્યાં ડમી ઉમેદવારો મૂક્યા હતા, ત્યાં કોંગ્રેસની લાજ જળવાઈ ગઈ છે. ભાવનગર સહિત ઘણા સ્થળોએ કોંગ્રેસ ડમી ઉમેદવારો કેમ ન મૂકી શકી ? ફોર્મ તૈયાર કરતી વખતે પક્ષનું લીગલ સેલ (જાે હોય તો ?) ધ્યાન કેમ આપતું નથી ? મૌખિક સૂચના આપવાની અને અગાઉથી ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવાને બદલે છેલ્લી ઘડીએ ઉમેદવારને મેન્ડેટ આપવાનું પગલું કે વલણ કદાચ બળવાખોરો છેલ્લી ઘડીએ મેદાનમાં ન ઉતરે તે પણ હોઈ શકે છે. પરંતુ આ પગલું કેટલે અંશે યોગ્ય છે ?

આ પણ વાંચો  – Election / નામ તો છે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી” અને સ્થાનિક મુદ્દાની જ અવગણના કે શું ?

ભાજપમાં પણ ફોર્મ રદ્દ થયા પરંતુ…

ભાજપમાં પણ ઘણી જગ્યાએ ચૂંટણી માટે કકળાટ થયો છે. રાજીનામા પણ પડ્યા છે. કેટલાક સ્થળે મારામારી અને દેખાવો પણ થયા છે. પરંતુ મેન્ડેટ ફાડી નાખવા કે એકાદ-બે સ્થળે ફોર્મ રદ થવાના બનાવના અપવાદ સિવાય બધા ફોર્મ માન્ય રહ્યા છે. કચ્છની દિનારા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ સંતાન ત્રણથી વધુ હોવાના મુદ્દા પર રદ થયું. તો ત્યાં ભાજપે છ ડમી ફોર્મ ભરાવ્યા હતા તેથી આ બેઠકમાં છ પૈકીના એક એટલે કે જ્યાં જેનું ફોર્મ રદ થયું હતું તેની પુત્રીને ડમી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસમાં કડાકુડી સામે કડક પગલા કેમ નહીં ?

હવે ફોર્મ રદ થવા બાબતમાં ત્રણથી ચાર કિસ્સા કોર્ટમાં પણ ગયા છે. પરંતુ ફોર્મ ભરતી વખતે ધ્યાન કેમ નથી અપાયું ? દેશની સૌથી જુની પાર્ટીની આવી ભૂલ કેમ થઈ ગઈ ? એકા’દ બે કિસ્સામાં તો સમજ્યા પરંતુ સંખ્યાબંધ કિસ્સામાં આવું કેમ બન્યું છે ? જેમને ટિકિટ ન મળે તે વધુ પડતો નારાજ હોય તે કાં સામા પક્ષમાં જાય અને કાં અપક્ષ તરીકે મેદાનમાં ઉતરે. ભાજપમાં પણ આવું બન્યું છે. જેમાં ભાજપે ઘણી બેઠકો પર ડેમેજ કન્ટ્રોલ કરી લીધું છે. તો કોંગ્રેસ અસંતૃષ્ઠો સામે સમયસર પગલાં લેવામાં પાછી પડી છે. ભૂજ નગરપાલિકાના વોર્ડ નં. ૯માં ત્રણ ઉમદવારો ફોર્મ ભરવા જ ન ગયા અને ચોથી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયું તેના કારણે ત્યાં ભાજપની આખી પેનલ બીનહરિફ થઈ છે. તેવું જ ઉના અને કડી નગરપાલિકાની મળી આઠ પેનલ બિનહરીફ થઈ છે.

કોંગ્રેસ ઉંઘતી કેમ ઝડપાઈ

ફોર્મ રદ થવા, ફોર્મ ન ભરવા કે ફોર્મ છેલ્લી ઘડીએ પાછા ખેંચવાની બાબતમાં સત્તાધારી પક્ષે દબાણ કર્યુ હોય કે લાલચ આપી હોય તેવું બની શકે છે. પરંતુ કોંગ્રેસ આ બાબતમાં ઉંઘતી કેમ ઝડપાઈ ગઈ ? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને તેમાંય પંચાયતોની ચૂંટણી માટે જે પક્ષે નિયમો બનાવ્યા છે તે પક્ષ આવી ભૂલ કેમ કરી ગયો ? આ એક સળગતો સવાલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…