MANTAVYA Vishesh/ રશિયા-યુક્રેન યુદ્ધનું ત્રીજું વર્ષ ; ક્યાં સુધી ચાલશે યુદ્ધ, શું હશે ભવિષ્ય?

24 ફેબ્રુઆરી 2022ના રોજ શરુ થયેલ રશિયા અને યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે, ત્યારે આજે મંતવ્ય વિશેષમાં જાણો  કે યુદ્ધના 2 વર્ષમાં શું બદલાયું છે, આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને યુદ્ધના ત્રીજા વર્ષનું ભવિષ્ય શું હશે.

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • રશિયા અને યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા
  • યુદ્ધના 2 વર્ષમાં શું બદલાયું ?
  • યુદ્ધ ક્યાં સુધી ચાલશે ?
  • યુદ્ધના ત્રીજા વર્ષનું ભવિષ્ય શું હશે?

24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવતું હતું કે યુક્રેન વધુ સમય સુધી ટકી શકશે નહીં, પરંતુ આ યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. છતા હજુ પણ પ્રશ્ન એ જ છે કે આ લડાઈ ક્યાં સુધી ચાલશે? ત્યારે આપને જણાવી દઈએ કે આ યુદ્ધ બે કારણોસર શરૂ થયું છે, ઐતિહાસિક જોડાણ અને નાટો હસ્તક્ષેપ.

1991 પહેલા રશિયા અને યુક્રેન પણ સોવિયત સંઘનો ભાગ હતા.એટલા માટે યુક્રેનમાં મોટી વસ્તી છે જે રશિયાની તરફેણમાં છે. રશિયાની પણ આવી જ સ્થિતિ છે. ત્યાં મોટી સંખ્યામાં રશિયન લોકો છે જેઓ યુદ્ધ માટે રશિયાને જવાબદાર માને છે અને યુક્રેનના સમર્થનમાં છે.બંને દેશોના અલગ થયા બાદ રશિયાએ 2014માં પહેલીવાર યુક્રેન પર હુમલો કર્યો હતો અને ક્રિમિયાના યુક્રેનિયન ટાપુ વિસ્તાર પર કબજો કર્યો હતો. ત્યારથી રશિયા અને યુક્રેન યુદ્ધની અણી પર ઉભા છે.આ એક ઐતિહાસિક કારણ છે.

તો બીજું કારણએ નાટો સાથે સંબંધિત છે. રશિયાને પશ્ચિમી દેશો સાથે તણાવ છે.યુક્રેન સતત નાટો દેશોમાં સામેલ થવાની વાત કરી રહ્યું હતું.પશ્ચિમી દેશો પણ ખુલ્લેઆમ તેનું સમર્થન કરી રહ્યાં હતા, પરંતુ રશિયાએ કહ્યું હતું કે તે યુક્રેનને નાટો જૂથમાં જોડાવું બિલકુલ સાંખી લેશે નહીં. તો એપ્રિલ 2021થી રશિયાએ ક્રિમિયા અને યુક્રેનની સરહદ પર સેનાની તૈનાતી વધારી દીધી હતી.અને તણાવ વધ્યો એટલે રશિયન પ્રમુખ પુટિને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો.આ સમયે એક લાખ નેવું હજાર રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર હતા.ત્યારે પશ્ચિમી દેશોનું કહેવું છે કે યુક્રેનની સાર્વભૌમત્વની વાત છે કે તે પોતાની ઈચ્છા મુજબ નાટો દેશોમાં સામેલ થઈ શકે છે. જ્યારે રશિયા નાટોમાં યુક્રેનના જોડાણને તેની સરહદ સુધી નાટો પહોંચી જવાના જોખમ તરીકે જુએ છે.

હવે આપને જણાવીએ કે રશિયા અને યુક્રેન યુદ્ધના આ 2 વર્ષમાં અત્યાર સુધીમાં શું શું થયુ.તો 24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયાએ મુખ્ય યુક્રેનિયન શહેરો પર હવાઈ હુમલો કર્યો અને દક્ષિણ, પૂર્વ અને ઉત્તર તરફથી જમીન પર હુમલો કર્યો. આ હુમલાનો ઇરાદો કિવને કબજે કરવાનો હતો, પરંતુ રશિયન દળોએ યુક્રેન તરફથી સારા એવા વળતા હુમલાઓનો સામનો કરવો પડ્યો અને 6 એપ્રિલે રશિયાને કિવમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી. ત્યારબાદ 18 એપ્રિલ, 2022ના રોજ, રશિયાએ પૂર્વ યુક્રેનના પ્રદેશ પર હુમલો કર્યો.અને 20 મેના રોજ યુક્રેનિયન શહેર મેરીયુપોલ પર કબજો કર્યા પછી, રશિયાએ ઓડેસા સિવાય કાળા સમુદ્ર પરના અન્ય તમામ યુક્રેનિયન બંદરો ઉપર પણ કબજો કરી લીધો.

ત્યારબાદ યુક્રેને રશિયન નૌકાદળ પર નાકાબંધી કરી દીધી હતી.અનાજની અવરજવર બંધ થવાને કારણે વૈશ્વિક ખાદ્ય કટોકટી ઊભી થવા લાગી. આવી સ્થિતિમાં, 22 જુલાઈ, 2022 ના રોજ, રશિયા અને યુક્રેને બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ પર હસ્તાક્ષર કર્યા.અહીં યુદ્ધ ચાલુ રહ્યું અને જુલાઈના અંત સુધીમાં રશિયાએ સમગ્ર લુહાન્સ્ક પર કબજો કરી લીધો. આ પછી દક્ષિણ યુક્રેનમાં લડાઈ શરૂ થઈ અને ઝાપોરોઝે ન્યુક્લિયર પ્લાન્ટના વિસ્તારમાં ફાયરિંગ થઈ રહ્યું હતું. 29 ઓગસ્ટના રોજ, યુક્રેને ખાર્કિવ વિસ્તારમાં ગ્રાઉન્ડ આક્રમણ શરૂ કર્યું. બાદમાં 8 ઑક્ટોબર, 2022ના રોજ, યુક્રેને રશિયન સૈનિકોના સપ્લાય રૂટ પર એક પુલ તોડી પાડ્યો હતો અને ત્યારબાદ રશિયા યુક્રેનના શહેરો અને મહત્વની ઈમારતો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરી રહ્યું હતું.

વર્ષ 2022ના અંત સુધીમાં, યુક્રેને ખાર્કિવ અને પછી ખેરસનનો વિસ્તાર પાછો કબજે કરી લીધો હતો.અને રશિયાને ડીનીપ્રો નદી તરફ પીછેહઠ કરવી પડી તો વર્ષના અંત સુધીમાં, રશિયાએ યુક્રેનનો માત્ર 14% હિસ્સો કબજે કર્યો હતો.20 મે 2023 ના રોજ રશિયાએ બખ્મુત પર કબજો કર્યો ત્યાં સુધીમાં 20 હજાર રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ એક લાખ સૈનિકો ઘાયલ થયા હતા.ત્યારે નવેમ્બર 2023 સુધીમાં, તે સ્પષ્ટ થઈ ગયું હતું કે સમગ્ર યુક્રેન પર કબજો કરવાનો રશિયાનો ઈરાદો હાંસલ કરવો ખૂબ મુશ્કેલ હશે.ત્યારે પશ્ચિમી દેશોમાં પણ યુક્રેન તરફના સમર્થનમાં ઘટાડો થતો દેખાયો અને મદદના વચનો પૂરા થતા ન હતા.

તો યુદ્ધમાં 2022થી લઈ ફેબ્રુઆરી 2024 સુધી બન્ને દેશોના અંદાજે 5 લાખ લોકોને અસર થઈ છે. જેમાં યુક્રેનનાં 42 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે અને 1 લાખથી વધુ સૈનિકો ઘાયલ થયા છે.તો 15,149 ટેન્ક અને બખ્તરબંધ વાહનો નાશ પામ્યા છે અને 8 હજાર

થી વધુ આર્ટિલરી સિસ્ટમ નાશ પામી છે. તો બીજી તરફ રશિયામાં 1.20 લાખ થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને 1.80 લાખ થી વધુ સૈનિકો ઘાયલ થયા છે.તો રશિયાનાં 18,923 ટેન્ક અને બાખ્તરબંધ વાહનો નાશ પામ્યા છે.યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીના જણાવ્યા પ્રમાણે.યુક્રેનના 10 હજાર 582 નાગરિકો માર્યા ગયા છે અને 19 હજાર 875 નાગરિકો ઘાયલ થયા છે.

તો યુદ્ધએ ગરીબી લાવે છે, યુક્રેન અને રશિયાએ તેનું તાજુ ઉદાહરણ યુક્રેનમાં 70 લાખ લોકો ગરીબ બન્યા છે અને ગરીબ વસ્તી વધીને 24% થઈ ગઈ છે.તો મકાઈ, જવ અને ઘઉંનો મુખ્ય નિકાસકાર યુક્રેન ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યું છે..યુક્રેનની 55% જમીન પર ખેતી થાય છે, ત્યારે આ ખેતી યુદ્ધથી પ્રભાવિત થઈ છે.અને 60 લાખથી વધુને દેશ છોડવાની ફરજ પડી છે, જેથી મોટી સંખ્યામાં ઉદ્યોગો પણ બંધ થયા છે.તો રશિયામાં GDPમાં વેપારનો હિસ્સો લગભગ 50% છે, અને વૈશ્વિક પ્રતિબંધોને અસર થઇ છે.તો GDP માં 4.5% ઘટાડો થયો, જ્યારે યુદ્ધ પહેલા તે 4% વધવાનો અંદાજ હતો.રશિયાના ચલણ રૂબલનું મૂલ્ય પણ ઘટયું. અને ઘણી વિદેશી કંપનીઓએ રશિયામાં કામ કરવાનું બંધ કરી દીધું

ત્યારે હવે યુક્રેન નાટોમાં કઈ રીતે જોડાશે તેનાં પર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતનું કહેવું છે કે હાલમાં યુક્રેન નાટોમાં સામેલ થવાની કોઈ શક્યતા નથી.આ પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, ‘નાટોમાં સામેલ થવા માટે કોઈ દેશ કે પ્રદેશની એક શરત એ છે કે તે યુદ્ધગ્રસ્ત ન હોવો જોઈએ. યુક્રેનના મોટા વિસ્તારમાં હજુ પણ રશિયન સેના સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ ડોનેત્સ્ક અને લોહાન્સ્કના વિસ્તારો કબજે કરી લીધા છે. રશિયાએ તેને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે. જો કે, યુક્રેન આગ્રહ કરી રહ્યું છે કે તેને આ વિસ્તારો પાછા મળશે. આવી સ્થિતિમાં યુક્રેન નાટોમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. તે ચોક્કસપણે શક્ય છે કે યુક્રેનને યુરોપિયન યુનિયન હેઠળ કેટલાક વિશેષાધિકારો આપવામાં આવે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પશ્ચિમી દેશો યુક્રેન પ્રત્યે થોડાક ઉદાસીન બન્યા છે. આ અંગે તેમનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની કોઈ મોટી અસર થઈ નથી.તે જ સમયે, યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી મળતી મદદમાં ઘટાડો થયો છે. “પશ્ચિમના દેશોએ રશિયા પર વેપાર અને આર્થિક પ્રતિબંધો લગાવ્યા, પરંતુ ભારત અને ચીન જેવા વિશ્વના ઘણા મોટા દેશો તેમની સાથે ઉભા રહ્યા નહીં,  આના કારણે રશિયાનો ઘણા દેશો સાથે તેલ અને અન્ય માલસામાનનો સીધો વેપાર બંધ થઈ ગયો, પરંતુ આ વેપાર રશિયા સાથે વેપાર સંબંધો જાળવી રાખનારા દેશો દ્વારા થવા લાગ્યો. આવી સ્થિતિમાં રશિયાના વિદેશ વેપાર પર બહુ અસર જોવા મળી નથી.

તેઓ આગળ કહે છે કે, ‘ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનને મળનારી મદદમાં ઘટાડો થયો છે. યુક્રેનને અવ્દીવકામાં પીછેહઠ કરવી પડી કારણ કે તેની પાસે પૂરતા શસ્ત્રો બચ્યા ન હતા. અમેરિકા માટે, ઇઝરાયેલ અને યુક્રેન વચ્ચે એટલો જ તફાવત છે જેટલો પોતાના પુત્ર અને દત્તક પુત્ર વચ્ચે હોય છે. હાલમાં અમેરિકા જેવા દેશો માટે પ્રથમ પ્રાથમિકતા ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ છે.

તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું ભવિષ્ય શું અને પુટિન અને ઝેલેન્સકી શું ઈચ્છે છે? તે સવાલ પર કહે છે કે, ‘યુદ્ધની શરૂઆતમાં પુટિન કિવ પર કબજો કરવા અને ઝેલેન્સકીને સત્તા પરથી હટાવવા માંગતા હતા અને યુક્રેન માટે પોતાની પસંદગીના શાસકની નિમણૂક કરવા માંગતા હતા, પરંતુ એવું થઈ શક્યું નહીં. હવે તે એવા વિસ્તારોને રશિયા સાથે મર્જ કરી રહ્યો છે જ્યાં રશિયા તરફી વસ્તી વધુ છે.એવી કોઈ શક્યતા નથી કે પુટિન યુક્રેન સાથે કોઈ કરાર કરીને તેમના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોને છોડી દે.યુક્રેનનો પણ પીછેહઠ કરવાનો કોઈ ઈરાદો નથી.ઝેલેન્સ્કી કહે છે કે તે ફરીથી બદલો લેવાનું શરૂ કરશે, જેથી તે પશ્ચિમી દેશો પાસેથી મદદ મેળવવાનું ચાલુ રાખી શકે. આવી સ્થિતિમાં આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો