નીતીશ કુમાર રેડ્ડી… સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના ખેલાડી જે 9 એપ્રિલે મુલ્લાનપુરમાં રમાયેલી IPL મેચમાં પંજાબ સામે તેની ટીમ માટે તારણહાર બન્યા હતા. ખૂબ જ મહત્વપૂર્ણ સમયે 20 વર્ષીય નીતીશે સનરાઇઝ હૈદરાબાદ માટે 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેમજ તેણે બોલિંગમાં એક વિકેટ પણ લીધી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે નીતીશને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો.
સનરાઇઝર્સ હૈદરાબાદે આ રોમાંચક મેચ 2 રને જીતી લીધી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં નીતિશના નામે ઘણા મોટા રેકોર્ડ છે. વિરાટ કોહલી નીતિશનો આદર્શ રહ્યો છે. પરંતુ એક ક્રિકેટર સાથેની મુલાકાતે તેનું જીવન સમગ્રપણે બદલ્યું. આ ક્રિકેટર છે હાર્દિક પંડ્યા. હાર્દિક સાથેની મુલાકાતે નીતિશને કારકિર્દી સંપૂર્ણપણે બદલી નાખી.
હનુમા વિહારીએ ઘરેલુ ક્રિકેટમાં આંધ્રપ્રદેશ તરફથી રમતા નીતિશ રેડ્ડીની પણ પ્રશંસા કરી છે. રેડ્ડીએ હનુમાની કપ્તાનીમાં ઘણી મેચ રમી છે. IPL શરૂ થયા પહેલા જ હનુમાએ નીતિશ વિશે ટ્વિટ કર્યું હતું. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા હનુમાએ નીતીશ વિશે લખ્યું હતું કે, ‘તેનામાં રોકાણ કરો, તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આગળની મોટી વસ્તુ છે, બેટિંગ સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે, જે ખૂબ જ દુર્લભ છે.’
નીતીશ રેડ્ડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2023ની સીઝન પહેલા હરાજીમાં રૂ. 20 લાખની મૂળ કિંમતે કરારબદ્ધ કર્યા હતા. તેણે 18 મે 2023 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેની IPLની શરૂઆત કરી, જ્યાં તેણે બે ઓવરમાં 19 રન આપ્યા. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનમાં તેણે હૈદરાબાદ માટે 2 મેચ રમી હતી.
પિતાએ નોકરી છોડી દીધી
નીતિશ વિશે, હનુમા વિહારીએ X પર લખ્યું, ‘NKR (નીતીશ કુમાર રેડ્ડી) એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમના પિતાએ તેમની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશને માર્ગદર્શન આપ્યું અને પોષણ આપ્યું. તેની મહેનત હવે ફળી રહી છે. મેં નીતિશને 17 વર્ષના હતા ત્યારે જોયા હતા. તેના પર ગર્વ છે, તે ભવિષ્યમાં સનરાઇઝર્સ અને ભારત માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. નીતીશે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેમના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેમના પર વિશ્વાસ કર્યો કે તેઓ એક સારા ક્રિકેટર બની શકે છે.
મેચમાં તખ્તો પલટયો
પંજાબ કિંગ્સ સામે SRHની બે વિકેટ 27 રન પર પડી ત્યારે નીતિશ ક્રીઝ પર આવ્યો હતો. થોડા સમય પછી, SRHનો સ્કોર ચાર વિકેટે 64 રન થઈ ગયો, આ સ્કોર પર રાહુલ ત્રિપાઠી આઉટ થયો. ત્યાર બાદ હેનરિક ક્લાસેન 100 રન પછી પાંચમી વિકેટ તરીકે આઉટ થયો હતો, પરંતુ આ દરમિયાન નીતિશ એક બાજુ રહ્યો હતો. બાદમાં રેડ્ડીએ અબ્દુલ સમદ (25), શાહબાઝ અહેમદ (14) સાથે મળીને તેમની ટીમનો સ્કોર 182/9 સુધી પહોંચાડ્યો હતો.
આ રેકોર્ડ નીતીશ રેડ્ડીના નામે
26 મે 2003ના રોજ જન્મેલા નીતીશ શરૂઆતથી જ વિરાટ કોહલીના મોટા ફેન હતા. તેણે આંધ્રપ્રદેશ માટે તેના વય જૂથમાં ટોપ ઓર્ડર પર પ્રભુત્વ જમાવ્યું છે. નીતિશે 2017-18ની સિઝનમાં વિજય મર્ચન્ટ ટ્રોફીની રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. વાસ્તવમાં, નીતિશે 176.41ની આશ્ચર્યજનક સરેરાશથી 1,237 રન બનાવ્યા હતા, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન છે.
આ દરમિયાન તેણે નાગાલેન્ડ સામે 366 બોલમાં ત્રેવડી સદી, બે સદી, બે અડધી સદી અને 441 રન બનાવ્યા હતા. 2018માં વાર્ષિક પુરસ્કાર સમારંભમાં BCCI દ્વારા ‘અંડર-16 કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રિકેટર’ તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે નીતિશ તેની બેટિંગ આઇડલ વિરાટને મળ્યો. નીતિશ તેના બેટથી અજાયબી કરે છે, તેણે છેલ્લી બે રણજી ટ્રોફી સીઝનમાં 25-25 વિકેટ લીધી છે. જ્યારે આંધ્રએ આ સિઝનમાં ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત કર્યું, ત્યારે તે તેની ટીમ માટે અગ્રણી વિકેટ લેનાર તરીકે ઉભરી આવ્યો.
મુંબઈ સામે લીધી વિકેટ
ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે રેડ્ડીએ આંધ્ર માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે બેટિંગ કરી હતી. તેણે 2018-19ની સિઝનમાં અંડર-19 ચેલેન્જર ટ્રોફીમાં ઇન્ડિયા ગ્રીન માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
હાર્દિકને મળ્યા બાદ ઓલરાઉન્ડર બનવાનો નિર્ણય કર્યો
નીતિશના પિતા મુત્યાલાએ પુત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના અગ્રણી ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ. મુત્યાલાએ કહ્યું, ‘NCAમાં તેના U19 દિવસો દરમિયાન, તેને હાર્દિક પંડ્યા સાથે વાત કરવાનો મોકો મળ્યો. ત્યારથી તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટમાં નીતિશ કુમાર રેડ્ડીના રેકોર્ડ
17 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 566 રન, 20.96 એવરેજ, 52 વિકેટ
22 લિસ્ટ એ, 403 રન, 36.63 એવરેજ, 14 વિકેટ
9 ટી20, 170 રન, 34.00 એવરેજ, 1 વિકેટ
આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી
આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં હાઈકોર્ટમાંથી ના મળી રાહત
આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો