Not Set/ અયોધ્યાનો ઈતિહાસ/ શું તમે જાણો છે રામની નગરી અયોધ્યા વિશે…..

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તો મંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલા મંદિરોનાં અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધે થોડા મહિનાઓ માટે વિહાર […]

India
Statue of Lord Rama અયોધ્યાનો ઈતિહાસ/ શું તમે જાણો છે રામની નગરી અયોધ્યા વિશે.....

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તો મંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલા મંદિરોનાં અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધે થોડા મહિનાઓ માટે વિહાર કરેલો.

અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રી રામનાં પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)નાં પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રીરામનો જન્મ રાજા દશરથનાં રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણ રામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે.

પ્રભુ શ્રી રામ દ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રી રામનાં પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુનઃનિર્માણ કરાવ્યું. આ પુનઃનિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની ૪૪ પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુનાં હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રી રામ જન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.

આશરે ૧૦૦ ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીનાં કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામ કરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિષે શોધ-સંશોધન કર્યું તો નજીકનાં યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રી રામની અવધ ભૂમિ છે. સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક ભવ્ય મંદિર તેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રી રામનાં જન્મસ્થળ પર કાળા રંગનાં પથ્થરોનાં ૮૪ સ્તંભો પર એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.

સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આ મંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશનાં પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું  હતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયનાં સમય અને તે પછીનાં લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.

ઈતિહાસકારોનાં મતે ૬૦૦ ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું. એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં ૨૦ જેટલા બૌદ્ધ મંદિરો હતા અને અહીં ૩૦૦૦ ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિન્દુઓનું એક મોટું મંદિર પણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.

આ પછી, ઈસાની ૧૧મી સદીમાં કન્નૌજનાં રાજા જયચંદએ મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનાં પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતનાં યુદ્ધમાં જયચંદનાં અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોનાં હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો. મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીઇની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં ૧૪મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રી રામનું મંદિર તોડી શક્યા ન હતા.

વિવિધ આક્રમણ પછી પણ શ્રી રામનાં જન્મસ્થળ પર બાંધવામાં આવેલું મંદિર ૧૪મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીનાં શાસન સુધી અહીંયા મંદિરનું અસ્તિત્વ હયાત હતું. ૧૪મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રી રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે ૧૫૨૭ – ૧૫૨૮માં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.

મોગલ સામ્રાજ્યનાં સંસ્થાપક બાબરનાં સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રી રામનાં જન્મસ્થળ પરનાં પ્રાચીન મંદિર તોડીને એક મસ્જિદ બનાવી હતી, જે ૧૯૯૨ સુધી અસ્તિત્વમાં હતી.

બાબરનામા અનુસાર, ૧૫૨૮માં અયોધ્યાનાં રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ‘જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરનાં શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.

આ પછી, ૪૯૧ વર્ષ સુધી શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય-દિવ્ય શ્રી રામ મંદિરનાં નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, હિન્દુ યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રી રામ જન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે ૯ નવેમ્બર ૨૦૧૯નાં રોજ આખરે એ શુભ દિવસ આવ્યો જ્યારે સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ જન્મભૂમિ ખાતે શ્રી રામલલાનાં ભવ્ય-દિવ્ય મંદિર નિર્માણનો આદેશ આપ્યો.

અયોધ્યામાં એક વિસ્તારનું નામ રામકોટ છે. કોટ મતલબ કિલ્લો. એ રામકોટ વિસ્તારમાં મંદિરો જ મંદિરો છે. એ વિસ્તારનાં એક સ્થાનને હિંદુ સમાજ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ માને છે. અયોધ્યાની ૭૦ હજાર લોકોની વસતીમાં ૧ હજાર જેટલા મંદિરો છે. જેમાંથી ૯૯૦થી વધુ મંદિરો ભગવાન શ્રી રામનાં છે.

@ભવ્ય રાવલ, લેખક-પત્રકાર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.