ક્રાઈમ/ લીંબડીમાં હોમગાર્ડ જવાન જ રમાડતો હતો જુગાર પણ હવે… | કાયદા સામે માફી કોઈને નહિ

ગુડદી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂપિયા ૧૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં

Gujarat Others
હોમગાર્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રહેણાંક મકાનમાં હોમગાર્ડ જવાન દ્વારા ગુડદી પાસાનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂપિયા ૧૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં જ્યારે જુગારધામના સંચાલક હોમગાર્ડ જવાન સહીત ત્રણ શખ્સો હાજર મળી આવ્યા ન હતાં. લીંબડીમાં

વધુ વિગત અનુસાર કાયદાના રક્ષક જ અમુક સમયે કાયદાના ભક્ષક બનતા હોય છે ત્યારે આવો જ બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે બન્યો છે. લીંબડી શહેરમાં આવેલ કબીર આશ્રમ પાછળ આવેલ રહેણાંક મકાનમાં હોમગાર્ડ જવાન દ્વારા ચલાવવામાં આવતુ ગુડદી પાસાનુ જુગારધામ ઝડપાયુ છે. કબીર આશ્રમ પાછળના વિસ્તારમાં છગનભાઈ રૂડાભાઇ સોડલાના મકાનમાં હિંમતભાઇ દલાભાઇ ડાભી નામનો શખ્સ જે પોતે લીંબડી હોમગાર્ડમાં ફરજ બજાવે છે તે વાલમ ભરવાડ નામના શખ્સ સાથે મળી ગુડદી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી લીંબડી પોલીસ ટીમને મળતા પોલીસે દરોડો કરતા જુગારીઆેમાં નાસભાગ મચી ગઇ હતી.પરંતુ પુર્વ તૈયારી સાથે આવેલી પોલીસ ટીમે ગુડદી પાસાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રંગેહાથ દબોચી લીધા હતાં. પોલીસે જુગારના અડ્ડામાંથી રોકડા રૂપિયા ૧૪૭૩૦૦, એક ક્રેટા કાર તથા ત્રણ મોબાઇલ ફોન સહીત કુલ રૂપિયા ૧૧૬૨૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મકાન માલિક તેમજ જુગાર રમાડનાર હોમગાર્ડ જવાન હિંમતભાઇ ડાબી અને વાલમ ભરવાડ ત્રણેય શખ્સો હાજર મળી ન આવતા પોલીસે તમામ શખ્શ વિરૂદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી કેટલા સમયથી જુગાર રમાડવામાં આવતો હતો, અન્ય કોઇ જગ્યાએ પણ જુગારની ક્લબ શરૂ કરવામાં આવી હતી કે કેમ તે સહીતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી ફરાર ત્રણેય મુખ્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. તેમજ જુગારધામ ચલાવનાર હોમાગાર્ડ જવાન હિંમત ડાભીને હોમગાર્ડમાંથી બરતરફ કરવા જિલ્લા પોલીસવડાને રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીના નામ

૧-દિનેશ ભગવાનભાઇ કાટોડીયા, સુરેન્દ્રનગર

૨-અજીત રેવાભાઇ ડાભી, સુરેન્દ્રનગર

૩-ઘનશ્યામભાઇ બેચરભાઇ પટેલ, સુરેન્દ્રનગર

૪-રહેમાનભાઇ ગુલામરસુલભાઇ સામતાણી, ધ્રાંગધ્રા

૫-જીગ્નેશ વિનોદભાઇ સોલંકી, લીંબડી

ફરાર આરોપીનાં નામ

૧-હિંમત દલાભાઇ ડાભી, જુગારધામ ચલાવનાર હોમગાર્ડ જવાન

૨-વાલમ ભરવાડ, જુગારધામ ચલાવનાર

૩-છગનભાઇ રૂડાભાઇ સોડલા, મકાન માલિક

આ પણ વાંચો : પાણી પુરવઠા વિભાગનાં “મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા” પુસ્તકનું વિમોચન કરાયું